Saturday, July 23, 2011

માનવ માત્ર અધૂરાં...

હું જ્યારે નાની હતી ત્યારની આ વાત છે.મારી મમ્મીને મારા અને મારા પિતા માટે સવારનો નાસ્તો અને બપોર તથા રાતનું ભોજન બનાવવામાં ખૂબ આનંદ આવતો.મને એક ખાસ દિવસ યાદ આવે છે જ્યારે મારી માતા થાકીને નોકરીએથી પાછી ફરી હતી અને છતાં તેણે મારા અને મારા પિતા માટે બ્રેડ શેકી તેના પર બટર અને જામ લગાડી ચા સાથે અમને તે ખાવા આપ્યાં.હવે બન્યું હતું એવું કે બ્રેડ શેકતી વખતે તે સાવ બળી ગયેલાં અને મારા પિતાને ભાગે આવેલા બ્રેડ તો કાળા-ભઠ થઈ ગયેલાં હતાં, આમ છતાં મારા પિતાએ ફરિયાદનો એક હરફ પણ ઉચ્ચાર્યા વગર ચા-નાસ્તો પતાવી દીધો.. હું તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી અને ધારતી હતી કે હમણાં તેઓ મમ્મી પર બગડશે.પણ એમ ન બન્યું.ચાનાસ્તો કરતી વખતે તેઓ આખો વખત મારી મમ્મી સામે સ્મિત કરતા રહ્યા અને મને અને મમ્મીને અમારો દિવસ શાળામાં તેમજ નોકરી પર કેવો રહ્યો એ અંગે પૃચ્છા કરતા રહ્યા. ચાનાસ્તો પતી ગયા પછી અમે ટેબલ પરથી ઉઠતાં હતાં ત્યારે મારી મમ્મીએ બ્રેડ બળી ગયાં એ માટે માફી માગી ત્યારે મારા પપ્પા એ જે કહ્યું એ સાંભળીને તો હું આભી જ બની ગઈ.તેમણે કહ્યું,"પ્રિયા,મને તો બળેલા બ્રેડ ખૂબ ભાવે છે!"

રાતે સૂતા પહેલા હું પપ્પા પાસે ગઈ અને મેં તેમને પૂછ્યું શું ખરેખર તેમને બળેલા બ્રેડ ભાવતા હતા?તેમણે મને બાથમાં લેતા કહ્યું:'ચાંદની બેટા,તારી મમ્મી આજે આખો દિવસ ઓફિસમાં કામ કરી થાકીપાકી ઘેર આવી અને બ્રેડ એનાથી સહેજ દાઝી ગયું એમાં શું થઈ ગયું?દાઝેલું બ્રેડ ખાઈ કોઈને નુકસાન થતું હોવાનું મેં તો સાંભળ્યું નથી.જીવન અધૂરપો અને ખામીઓથી અને અધૂરાં તેમજ ખામીઓથી ભરેલાં મનુષ્યોથી ભરેલું છે.છતાં અધૂરાં તોયે મધુરાં...હું પોતે પણ કંઈ શ્રેષ્ઠ રસોઈયો કે ઘર એકદમ સ્વચ્છ રાખી શકનાર આદર્શ માણસ નથી...'

એ દિવસે મને જીવનનો એક મહામૂલો પાઠ શિખવા મળ્યો કે આપણે સૌએ એકમેકના દોષો,ખામીઓ કે નબળાઈઓ સ્વીકારતા શીખવું જોઇએ અને એકબીજાના મતભેદો ઉજવતા શીખવું જોઇએ - આ એક તંદુરસ્ત,મજબૂત, લાંબા અને સફળ સંબંધ કેળવવાનો એક માત્ર અને અતિ અસરકારક માર્ગ છે.

મારી તમારા સૌ માટે પ્રાર્થના છે કે આજથી તમે જીવનમાં સઘળું સારું,ખરાબ,કદરૂપું,અધુરૂં સ્વીકારશો અને તેને ઇશ્વરના ચરણોમાં ધરી દેશો.કારણ આખરે તો એ જ સમર્થ છે જે તમને એવા સંબંધની ભેટ આપી શકે છે જેમાં બળેલાં બ્રેડ એ સંબંધ તૂટવાનું કારણ ન બની શકતા હોય!આ સત્ય જીવનમાં દરેક સંબંધ માટે લાગુ પડે છે.પછી ભલે એ સંબંધ પતિ-પત્ની વચ્ચેનો હોય કે માતાપિતા-સંતાન વચ્ચેનો કે બે મિત્રો વચ્ચેનો - દરેક સંબંધનો પાયો બે પાત્રો વચ્ચેની સમજણ છે જેને અંગ્રેજીમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ(understanding) કહીએ છીએ.

તમારા સુખી થવાની ચાવી બીજા કોઈના ખિસ્સામાં ન મૂકો,તે તમારા ગજવામાં જ રહેવા દો!

સંપૂર્ણ જગતમાં એક જ ઇશ્વર,માનવ માત્ર અધૂરાં....પણ અધૂરાં તોયે મધુરાં!

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment