Saturday, July 16, 2011

ઇન્ફોસિસની સફળતાની ગાથા

ઇન્ફોસિસ ભારતની એક સૌથી મોટી અને સફળ આઈ.ટી. કંપની છે જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.તેની સફળતાની ગાથા જાણવાલાયક અને ખૂબ પ્રેરણાદાયી છે. અર્શદીપ સિંઘ જણાવે છે કે કઈ રીતે છ મિત્રોએ ભેગા મળી ભારતનું નસીબ બદલી નાંખ્યું.

ભારતને આઈ.ટી. ક્ષેત્રનું સુપરપાવર રાષ્ટ્ર જાહેર કરવાનું કારણ એ છે કે ઇન્ફોસિસે બીજી અનેક આઈ.ટી. કંપનીઓ માટે ભારતને વૈશ્વિક માપદંડો ધરાવનાર સોફ્ટવેર હબ તરીકે ઓળખ અપાવવાનો માર્ગ કંડાર્યો છે, સરળ બનાવ્યો છે. નાસ્ડેક ખાતે પ્રથમ લિસ્ટ થનાર ભારતીય આઈ.ટી. કંપની બનવાનું બહુમાન મેળવનાર ઇન્ફોસિસે જ પોતાના કર્મચારીઓને કંપનીના શેર આપવાની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ પોતાના અસ્તિત્વના ત્રીસ વર્ષ પૂરા કરનાર ઇન્ફોસિસનો ઇતિહાસ, હિંમત અને ખંતનું શાનદાર ઉદાહરણ પૂરું પાડે છે.

એક નવા વિચાર સાથે નારાયણ મૂર્તિ અને બીજા છ મિત્રો (નંદન નિલેકણી, એન. એસ. રાઘવન, એસ. ગોપાલક્રિષ્ણન, એસ. ડી. શિબુલાલ, કે. દિનેશ અને અશોક અરોરા) એ મળીને, ગ્રાહકો માટે સોફ્ટવેર કોડ/પ્રોગ્રામ લખે એવી એક સ્વતંત્ર કંપનીની સ્થાપના કરવાના આશયથી ૧૯૮૧ની બીજી જુલાઈએ ઇન્ફોસિસની સ્થાપના કરી. તેનું ત્યારે નામ ‘ઇન્ફોસિસ કન્સલટન્ટ્સ પ્રા. લિ.’ હતું. આ કંપનીની શરૂઆતની મૂડી માત્ર દસહજાર રૂપિયા હતી જે નારાયણમૂર્તિએ પોતાની પત્ની સુધા મૂર્તિ પાસેથી ઉધાર લીધાં હતાં.આ બંને પતિપત્ની એ સંયુક્ત લોન પર પુણે ખાતે લીધેલું ઘર એ જ શરૂઆતના ઇન્ફોસિસની ઓફિસ હતી! આ નવી કંપનીની શરૂઆત બાદ સુધા મૂર્તિએ ઘરખર્ચ કાઢવા પોતે પણ નોકરી કરવી પડી હતી.સુધા મૂર્તિએ ૧૯૮૩ સુધી એક સિસ્ટમ એનાલિસ્ટ તરીકે નોકરી કરી. ત્યારે જ ઇન્ફોસિસ બેંગ્લોર શિફ્ટ થયું અને તેને પ્રથમ વિદેશી ગ્રાહક (અમેરિકાની ડેટા બેઝિક્સ કોર્પોરેશન)મળ્યો. બેંગ્લોર શિફ્ટ થયા બાદ સુધા મૂર્તિ પણ ઇન્ફોસિસમાં જ સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે જોડાયા.કંપની પાસે પોતાની માલિકીની કાયમી જગા નહોતી કે નહોતો એકાદ ટેલિફોન. પણ કંઈક નવું નિર્માણ કરવાની ઝંખના તેમને સફળતાના નવા નવા શિખરો સર કરાવતી ગઈ. ભલે આ તબક્કો તેમના માટે ઘણો સંઘર્ષમય અને મુશ્કેલ હતો આમ છતાં તેમની ટીમ નિકટતા, ઘનિષ્ઠતા અને મૈત્રીભર્યા સંબંધો તેમજ હળવાશ જાળવી રાખવા ફરવા માટે પિકનિક્સ પર જતી.

તેમનું પ્રથમ સંયુક્ત સાહસ ૧૯૮૭માં ‘કર્ટ સાલ્મોન એસોસિયેટ્સ’ કંપની સાથે થયું. પહેલા અમેરિકામાં કામ કરી ચૂકેલા એસ. ગોપાલક્રિષ્ણને ત્યાંનું પ્રતિનિધિત્વ કર્યું. તેમ છતાં ૧૯૮૯માં આ સંયુક્ત સાહસ પડી ભાંગ્યું અને કંપની માટે બહુ ખરાબ અને કપરો સમય આવ્યો. તેના એક સ્થાપક અશોક અરોરાએ પોતાનો હિસ્સો વેચી દઈ છૂટા પડવાનો નિર્ણય લીધો જેની બીજા સ્થાપક માલિકો પર પણ અસર થઈ. આમ છતાં મૂર્તિ મક્કમ રહ્યાં અને અશોક સિવાય બધાં ઇન્ફોસિસને ટકાવી રાખવા સહમત થયાં. અને ત્યાર બાદ કંપનીના વિકાસના સૂરજનો ઉદય થયો અને આજે તો ઇન્ફોસિસે અનેક બીજા ક્ષેત્રોમાં ઝંપલાવી સારી એવી સિદ્ધી હાંસલ કરી છે.

અમેરિકા તેની સેવાઓનો સૌથી મોટો ગ્રાહક છે અને ઇન્ફોસિસનો ૬૦ % નફો ત્યાંથી જ પ્રાપ્ત થાય છે.૧૯૯૨માં ઇન્ફોસિસ એક પબ્લિક લિમિટેડ કંપની બની અને વર્ષ ૨૦૦૬માં તેની રજત જયંતિ વખતે તેની આવકના આંકડા અમેરિકી ડોલર બે અબજને પણ વટાવી ગયાં. આત્મશ્રદ્ધા અને હિંમતના પ્રતિક સમી આ ઇન્ફોસિસ કંપની આજે પણ પોતાની ૩૦થી વધુ ઓફિસો અને ૫૩૦૦૦ કરતાં પણ વધુ કર્મચારીઓ સાથે ભારતની ટોચની સોફ્ટવેર કંપનીનું સ્થાન ભોગવે છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment