Saturday, June 11, 2011

નિર્ણય લેવાની કળામાં એક ડોકિયું...

દરરોજ આપણે અનેક નિર્ણયો લઈએ છીએ. ઘણાં નિર્ણયના પરિણામો વિષે આપણે સભાનતાપૂર્વક વિચારતા પણ નથી. નિર્ણય લેવા વિષેની એક રસપ્રદ વાત વાંચીએ જેમાંથી આપણને સૌને કંઈક શિખવા મળશે.

રેલવેના પાટા નજીક કેટલાંક બાળકો રમી રહ્યાં હતાં.પાટામાંથી એક પર ગાડી દોડતી હતી અને એક વધારાની લાઈન હોવાથી ત્યાં ગાડી આવતીજતી નહોતી.બાળકો પૈકી એક જ બાળક નિષ્ક્રિય પાટા પર રમી રહ્યું હતું જ્યારે બાકી બધાં બાળકો એ પાટા પર રમી રહ્યાં હતાં જ્યાં ગાડીઓની અવરજવર ચાલુ હતી.
હવે બન્યું એવું કે બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે ટ્રેન આવી. તમે એ સમયે ત્યાં આ ઘટનાના સાક્ષી છો. તમે એવા સ્થળે છો જ્યાં પાટાની લાઈન બદલી શકાય જેથી ગાડી નિયત પાટાની જગાએ નિષ્ક્રિય પાટાની લાઈન પર દોરી શકાય અને આમ સક્રિય પાટા પર રમી રહેલાં ઘણાં બધાં બાળકોનો જીવ બચાવી શકાય.પણ જો એમ કરો તો નિષ્ક્રિય પાટા પર રમી રહેલા એકલા બાળકનો જીવ જતો રહે. તમારે જો આ નિર્ણય લેવાનો હોય તો તમે પાટા બદલીને ઘણાં બધાં બાળકોનો જીવ બચાવો કે પાટા ન બદલી એકલા બાળકનો જીવ બચાવો?

થોડો સમય વિચારો
-
-
-


મોટા ભાગના લોકો ગાડીને નિષ્ક્રિય પાટા પર વાળી દઈ માત્ર એક જ બાળકનો જીવ જાય એ નિર્ણયનો વિકલ્પ પસંદ કરશે. તમે પણ એમજ વિચાર્યું હશે,ખરું ને?

મેં પણ પહેલાં એમજ વિચાર્યું હતું. એક બાળકના જીવના ભોગે જો બીજા ઘણાં વધુ બાળકોના જીવ બચતા હોય તો એ નિર્ણય જ નૈતિકતા અને સંવેદનશીલતાની દ્રષ્ટીએ યોગ્ય અને વ્યવહારૂ ગણાય.

પણ શું તમને એ વિચાર આવ્યો કે ખરી રીતે નિષ્ક્રિય પાટા પર રમી રહેલા એકલા બાળકે, એ જગા સુરક્ષિત હોવાથી ત્યાં રમવાનો સાચો નિર્ણય લીધો હતો.
છતાં તેના એવા મિત્રોને કારણે તેણે જીવ ગુમાવવો પડશે જેઓ જાણ્યા-વિચાર્યા વગર ભયજનક જગાએ રમી રહ્યાં હતા, એવી જગાએ જ્યાં જાનનું જોખમ હતું. આ પ્રકારની પરિસ્થિતી આપણાં જીવનમાં રોજબરોજ સર્જાતી હોય છે. જે બાળક સાચો છે તે ભયજનક પાટા પર રમી રહેલાં બાળકોથી જુદો - એકલો પડી ગયો છે. અને જો તે કદાચ મરી પણ જશે તો તેના પર કોઈ એકાદ આંસુ પણ સારશે નહિં.
મહાન વિવેચક લિયો વેલ્સકી જુલિયન, જેણે આ વાર્તા કહી હતી તેણે એવો મત વ્યક્ત કર્યો હતો કે તે ટ્રેનનો માર્ગ કે પાટા ન બદલવાનો નિર્ણય કરત કારણકે તે માનતો હતો કે સક્રિય પાટા પર રમી રહેલાં બાળકોને ખબર હોવી જોઇએ કે અહિં રમવાથી,ગાડી આવી જતાં તેમની જાન જોખમમાં મૂકાવાનો ભય હતો અને ગાડી આવે તો તેનું સાયરન સાંભળી પણ તેઓ ત્યાંથી ખસી જઈ શકે. પણ જો ટ્રેનનો માર્ગ કે પાટા બદલી નાંખવામાં આવે તો પેલો નિષ્ક્રિય પાટા પર એકલો રમી રહેલો બાળક ચોક્કસ અકસ્માતનો ભોગ બની મરી જાય કારણ તેક ક્યારેય વિચારી જ ન શકત કે તે રમતો હતો એ પાટા પર ગાડી આવી ચડશે. ત્રીજો મહત્વનો વિચારવા લાયક મુદ્દો એ છે કે નિષ્ક્રીય પાટા પર ગાડીઓની અવરજવર તેમાં કોઈક ખરાબીને કારણે જ સદંતર બંધ થઈ ગઈ હતી.આમ ત્યાં ગાડી માટે ભય હતો. અને જો ચાલુ ગાડી એ પાટા પર વાળી દેવામાં આવે તો ટ્રેનમાં બેઠેલા બધાં મુસાફરોના જીવ જોખમમાં મૂકાય. તેમજ એક નિર્દોષ બાળકનો ભોગ આપી તમે થોડાં વધુ બાળકોના જીવ બચાવવાના પ્રયાસમાં સેંકડો પ્રવાસીઓના જીવની હત્યા નોતરી શકો.

આપણે સૌ જાણીએ છીએ કે જીવન આપણે લેવા પડતાં અઘરાં નિર્ણયોથી ભરેલું છે પણ ક્યારેક આપણે એ સમજી શક્તા નથી કે ઉતાવળમાં લીધેલાં નિર્ણયો સદાય સાચા સાબિત થતાં નથી.

યાદ રાખો,જે સાચું હોય છે તે હંમેશા લોકપ્રિય હોતું નથી અને જે લોકપ્રિય હોય છે તે હંમેશા સાચું હોતું નથી. બધાં દ્વારા ભૂલ થાય છે. પેન્સિલ સાથે એટલે જ તો સદાય રબર હોય છે!

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment