Sunday, March 20, 2011

અભિગમ

જૂતા બનાવતી અને વેચતી એક સફળ કંપનીની વાત છે.એક દિવસ આ કંપનીના મેનેજમેન્ટની એક મિટીંગ બોલાવવામાં આવી જેમાં આ કંપનીનું નવું બજાર આફ્રિકામાં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો જ્યાં આ કંપનીની કોઈ શાખા કે કોઈ પ્રકારના કામકાજ અત્યાર સુધી નહોતાં.


તેમણે પોતાના એક શ્રેષ્ઠ સેલ્સમેનને ત્યાં ધંધાના અવકાશ અને ઉજળી તકો અંગે સંશોધન કરવા મોકલ્યો.આફ્રિકા પહોંચ્યા બાદ આ સેલ્સમેને નોંધ્યું કે અહિં મોટા ભાગના લોકો ઉઘાડા પગે જ ફરતાં હતાં.તેણે તરત કંપનીમાં ફેક્સ મોકલ્યો:"ખરાબ સમાચાર! અહિં કોઈ જોડા પહેરતું જ નથી." અને પછી તેણે પોતાનો સવિસ્તર રીપોર્ટ મોકલાવ્યો જેનો સાર હતો કે આફ્રિકામાં તેમના ધંધાના વિસ્તરણની બિલકુલ તક નથી.
મેનેજમેન્ટે આ વિષે હજી બીજો મંતવ્ય લેવાનું નક્કી કર્યું અને તેમણે બીજા એક સેલ્સમેનને ફરી આફ્રિકા મોકલ્યો. આ બીજા સેલ્સમેનને પહેલા સેલ્સમેનના અભિપ્રાય અંગે કોઈજ જાણ કરાઈ નહોતી.તેને ફક્ત આફ્રિકામાં તેમના જૂતાના વ્યવસાયની તકો અંગે સંશોધન કરવા તેને મોકલવામાં આવી રહ્યો છે એટલી જ જાણ કરાઈ હતી.તે ત્યાં પહોંચ્યો અને તરત ત્યાંની પરિસ્થિતી જોતા તેણે કંપનીને અતિ ઉત્સાહમાં આવી જઈ ફેક્સ મોકલ્યો:"સારા સમાચાર છે!અહિં કોઈના પગમાં જોડા નથી."

તેણે ઉતાવળે પાછા ફરી મેનેજમેન્ટને સંબોધી કહ્યું,"આપણાં માટે આફ્રિકામાં વેપારની ખૂબ ઉજળી તકો છે.આપણે ખૂબ શ્રીમંત થઈ જઈશું જો આપણે ત્યાંના લોકોને જોડા પહેરવાનાં ફાયદા અને તેની જરૂરિયાત અંગે સાચું શિક્ષણ આપી શકીશું.આપણે જરાય ઢીલ કર્યા વગર બીજી કોઈ હરીફ કંપની ત્યાં પહોંચી જાય એ પહેલાં આપણું કામ શરૂ કરી દેવું જોઈએ."

જીવન આપણે તેના અંગે જેવું ધારીએ તેવું જ બની રહેતું હોય છે.દરેકે દરેક બાબત અને સંજોગની એક હકારાત્મક કે સારી અને એક નકારાત્મક કે ખરાબ બાજુ હોય છે. અડધા ભેરેલા કપને તમે અડધો ભરેલો કે અડધો ખાલી પણ જોઈ શકો છો.પસંદગી તમારા અને માત્ર તમારા હાથમાં જ છે.અને તમારી એ પસંદગી જ તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરશે.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment