Saturday, March 5, 2011

જીવન વિષે...

જીવન શું છે ? - ફાધર વાલેસ


જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે. પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહી મળે.જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે. આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ? તમે ફરીયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊધડ્યું નહી. જીવન ફળ્યું નહી. તમે છેતરાયા છો, ભરમાયા છો. પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી જીવન તમને ફક્ત યાદ દેવડાવે છે કે તમે કશું આપ્યું જ નથી . ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યુ છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રધ્ધા રાખી છે?

તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગુનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.



****************************************************************

જીવનના સાત પગલાં



(૧) જન્મ...

એક અણમોલ સોગાદ છે,

જે ભગવાનની ભેટ છે.....



(૨) બચપણ…

મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,

જે ડુબી શક્યો તે તરી ગયો છે....



(૩) તરુણાવસ્થા …

કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.

મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.

તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...

અને અનેક નવી મૂંઝવણો....



(૪) યુવાવસ્થા…

બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...

તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..

અને કુરબાન થવાની આશા છે.



(૫) પ્રૌઢાવસ્થા…

ખુદને માટે કશુ ન વિચારતા...

બીજા માટે કરી છુટવાની ખુશી છે.

કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.



(૬) ઘડપણ…

વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,

જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...



(૭) મરણ…

જિંદગીની કિતાબનાં પાનાં ખુલ્લાં થશે...

નાડીએ નાડીએ કર્મ તૂટશે..

પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...

ધર્મ-કર્મનો હિસાબ થશે...

સ્વર્ગ-નરકનો માર્ગ થશે....

પોતાનાનો પ્યાર છુટશે.........

અને... સાત પગલાં પૂરાં થશે.....

માટે..

સાત પગલાં પૂરાં થાય એ પહેલાં..પાણી પહેલા પાળ બાંધો....

No comments:

Post a Comment