Sunday, October 31, 2010

પરોપકારી નારાયણ ક્રિષ્ણન

બીજાઓ માટે જીવેલું જીવન જ સાચા અર્થમાં જીવ્યું ગણાય. - આલ્બર્ટ આઈનસ્ટાઈન


પ્રેમ ને ઉદારતા ક્યારેય નકામા જતા નથી.તેમના કારણે હંમેશા ફેર પડે છે. આપનાર ને લેનાર બન્ને માટે તેઓ ફાયદાકારક સાબિત થાય છે. - બાર્બરા ડિ એન્જેલિસ



* * * * * *

તે ભારતનાં કેટલાક ઘરવિહોણા ભૂખ્યાં લોકોને ગરમાગરમ ખાવાનું આપે છે.મારી જેમ તમે પણ કદાચ આ લેખ વાંચતા પહેલા તેનું નામ - નારાયણ ક્રિષ્ણન નહિં સાંભળ્યું હોય.તેની સ્વ-વચનબદ્ધતાની વાત એક દ્રષ્ટાંત સમી છે, આપણાં સૌ માટે.

નારાયણ ક્રિષ્ણન ૨૯ વર્ષનો યુવાન છે અને તે એક પ્રોફેશનલ શેફ છે.તે લોકો માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે.પણ વિશેષતા એ છે કે ક્રિષ્ણન ફક્ત પંચતારક હોટલ જ્યાં તે વ્યવસાયિક ધોરણે ખાવાનું બનાવે છે એટલેથી જ અટકી જતો નથી.તે રોજ સવારે ચાર વાગે ઉઠી જાય છે,ગરમાગરમ ખાવાનું રાંધે છે અને તે બધું પોતાની વેનમાં ભરી લગભગ ૨૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી તામિળનાડુ રાજ્યના મદૂરાઈ શહેરમાં રસ્તે રઝળતા બેઘર લોકોનું પેટ ભરી તેમને ખવડાવે છે.

ક્રિશ્ણન રોજ સવારે આ રીતે લગભગ ૪૦૦થીયે વધુ લોકોને પોતાના હાથે જમાડે છે.અને કેટલાંક જરૂર જણાય એવા લોકોના વાળ પણ તે પોતે કાપી આપે છે.

જાણીતી ન્યૂઝચેનલ સી.એન.એન. (CNN) મુજબ, આઠ વર્ષ પહેલાં, એક જાણીતી પંચતારક હોટલમાં શેફ તરીકે ફરજ બજાવતા આ પુરસ્કારવિજેતા રસોઈયાને સ્વિત્ઝરલેન્ડ ખાતે એક ઉચ્ચ હોદ્દાધારી જગા માટે જવાની તક મળી હતી.એ સમયે મદૂરાઈના એક મંદિરે દર્શન કરવા જતી વખતે તેણે એક ગરીબ બેઘર વૃદ્ધને ભૂખના માર્યા પોતાના જ મળને ખાતો જોયો.આ કરુણ કંપારી છૂટી જાય એવા દ્રષ્યે ક્રિષ્ણનનું જીવન બદલી નાંખ્યું.

પોતાના માતાપિતાની નારાજગી વહોરીને, સી. એન. એન મુજબ, ક્રિષ્ણને તેના કારકિર્દી વિષયક ધ્યેયો ત્યજી દઈ પોતાનું જીવન તેમજ વ્યવસાયિક પ્રશિક્ષણ, જેઓ પોતે પોતાનું ધ્યાન રાખી શક્તા નથી તેવા લાચાર નિસહાય લોકોની સેવામાં ખર્ચી નાંખવાનું નક્કી કર્યું.તેણે પોતે એક નોન-પ્રોફિટ સંસ્થા અક્ષય ટ્રસ્ટ સ્થાપી તેના દ્વારા બાર લાખ લોકોને ગરમાગરમ ખવડાવ્યું છે ને હજી વધુ બેઘર લોકોને હવે તે આ સંસ્થા દ્વારા આશ્રય આપવા ઇચ્છે છે.



સી. એન. એન દ્વારા વર્ષ ૨૦૧૦ માટેના ૧૦ સાચા હીરો માં ક્રિષ્ણન એક માત્ર ભારતીય છે.વિશ્વભરની જાહેર જનતા દ્વારા એક ઓન્લાઈન પોલ દ્વારા આ દસ હીરોઝ માંથી એકને સર્વષ્રેષ્ઠ હીરો ચૂંટી કાઢવામાં આવશે.જો આપણે વધુમાં વધુ ભારતીયો ક્રિષ્ણનને વોટ આપીશું તો તે આ ઓન્લાઈન પોલમાં જીતી શકે છે. જે ફક્ત ક્રિષ્ણન માટે જ નહિં, આપણાં સૌ માટે અને આપણાં દેશ - ભારત માટે ગૌરવની વાત બની રહેશે.



ટોપ ૧૦ની યાદીમાં નામાંકિત થવા માટે ક્રિષ્ણનને અમેરિકન ડોલર ૨૫૦૦૦ની ઇનામી રાશિ તો મળી જ છે પણ આપણે બધા તેને મત આપી જીતાડીશું તો ક્રિષ્ણનની વધુ એક લાખ અમેરિકી ડોલર ઇનામમાં મળશે.ક્રિષ્ણનનું સ્વપ્ન પૂર્ણ કરવા અક્ષય ટ્રસ્ટને ઘણાં મોટા નાણા ભંડોળની જરૂર છે,જે આ ઇનામી રાશી દ્વારા સિદ્ધ થઈ શકશે.ચાલો આપણે સૌ ક્રિષ્ણનને તેનું આ સ્વપ્ન સિદ્ધ કરવામાં તેની મદદ કરીએ.

ક્રિષ્ણનને વોટ આપવા http://heroes.cnn.com/vote.aspx આ વેબ સાઈટ પર જાઓ.

આ ઓન્લાઈન પોલ ૧૮મી નવેમ્બર સુધી ચાલુ રહેશે.

એક સારા કાર્યમાં સહભાગી બનીને પણ તમે પોતે તે સારુ કાર્ય કર્યા જેટલું પુણ્ય કમાઓ છો. આ ઓન્લાઈન પોલ વિષે શક્ય એટલા વધુ લોકોને - તમારા મિત્રો,સહપાઠીઓ,સહકર્મચારીઓ,સંબંધીઓ વગેરેને જાણ કરો ને ક્રિષ્ણનને સી. એન. એન હીરો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરો.

No comments:

Post a Comment