Monday, February 15, 2010

તમે તમારા કાળજા (કલેજા કે યક્રુત - Liver) ને કેટલું ચાહો છો?

જો તમે એને બરાબર રીતે ઓળખતા જ નહિં હોવ તો તમે એને કેવી રીતે ચાહી શકશો? તો ચાલો આજે ઇન્ટરનેટ કોર્નરમાં તમારા કાળજાને બરાબર ઓળખીએ, સમજીએ, જાણીએ - તેના દ્વારા જ!

કેમ છો? હું તમારું કાળજુ છું. હું તમને ૯ રીતે જણાવીશ કે હું તમને કઈ રીતે અને કેટલું ચાહું છું!

૧. હું તમારા શરીર માટે જરૂરી લોહતત્વ (Irons) અને ઘણાં બધાં જીવનપોષક તત્વો (Vitamins) અને બીજા ખનિજતત્વો(Minerals) નો તમારાં શરીરમાં સંગ્રહ કરું છું. મારા વગર શક્તિના અભાવે તમારું શરીર બિલકુલ કાર્ય કરી શકે નહિં!

૨. હું તમારા શરીરમાં ખોરાકના પાચન માટે જરૂરી પાચકરસો પેદા કરું છું. મારા વગર તમારા શરીરમાં ખાધેલો ખોરાક પચી શકે જ નહિં અને ઉત્સર્જન માટે જરૂરી કચરો પેદા જ થઈ શકે નહિં!

૩. હું તમારા શરીરમાં તમે સેવેલા ઝેરી રસાયણોની અસર નાબૂદ કરું છું જેમાં આલ્કોહોલ, બીયર, વાઈન (દારુ) અને ડોક્ટર્સ દ્વારા સૂચવાયેલી દવાઓ, તમે કરેલા નશીલા પદાર્થો (ડ્ર્ગ્સ) તેમજ બીજા અનધિકૃત પદાર્થોનો સમાવેશ થાય છે. જો હું ન હોઉં તો તમારી ખરાબ આદતો તમને તરત જ મૃત્યુને ઘાટે પહોંચાડી દે!

૪. જેમ બેટરીમાં ઉર્જાનો સંગ્રહ થાય છે તેમ તમારા શરીર માટે જરૂરી ઉર્જા જ્યાં સુધી વપરાઈ ન જાય ત્યાં સુધી હું શર્કરા (કાર્બોહાઈડ્રેટ્સ,ગ્લુકોઝ અને ફેટ્સ) સ્વરૂપે તમારા શરીરમાં સંગ્રહું છું. મારા વગર તમારા શરીરમાં શર્કરાનું પ્રમાણ એટલું ઘટી જાય કે તમે સીધા કોમામાં ચાલ્યા જાઓ!

૫. તમારા જન્મ પહેલાથી હું તમારાં શરીરમાં લોહી બનાવું છું જે તમારા શરીર અને જીવનને કાર્યરત રાખે છે. મારા વગર તમારું અસ્તિત્વ જ ન હોત!

૬. હું તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે જરૂરી એવા પ્રોટીન્સનું ઉત્પાદન કરું છું. મારા વગર તમારો યોગ્ય વિકાસ જ ન થઈ શકે!

૭. તમારા શરીરમાં શ્વાસ દ્વારા દાખલ થયેલા પ્રદૂષિત ઝેરી પદાર્થો, ખરાબ હવા અને રસાયણોને હું તમારા શરીરમાંથી દૂર કરું છું. મારા વગર પ્રદૂષિત પદાર્થોનું ઝેર તમારા શરીરમાં ફેલાઈ જાય અને મારે કહેવાની જરૂર છે એનું પરિણામ શું આવે?

૮. અકસ્માતે તમે તમારા શરીરને ઇજા પહોંચાડી લોહી કાઢો છો ત્યારે હું એ લોહી ગંઠાઈ જાય એવા તત્વો બનાવું છું જેથી તમારું લોહી વધુ પ્રમાણમાં વહી જતું અટકી જાય. જો હું ન હોઉં તો તમારા શરીરમાંથી એક વાર લોહી વહેવાનું ચાલુ થાય તે અટકે જ નહિં અને તમે મૃત્યુ પામો!

૯. હું સતત તમારા શરીરમાં રોગ પેદા કરતા જીવાણુ-વિષાણુને તમારા શરીરમાં પ્રવેશતા કે ફેલાતા અટકાવી તમને રોગો સામે રક્ષણ પુરૂ પાડું છું.શરદીના વિષાણુ કે ફ્લુ જેવા તાવના જંતુ કે બીજા રોગ પેદા કરતા જીવાણુઓ સાથે લડી હું તેમનો નાશ કરું છું અથવા તેમને નબળા પાડી દઉં છું. મારી ગેરહાજરીમાં તમારે માણસ જાણે છે એટલા બધાં ચેપ કે રોગથી ઘેરાઈ બતકની જેમ બેસી રહેવું પડે!


...તો હું તમને આટલું બધું ચાહું છું. શું તમે પણ મને પ્રેમ કરો છો?

ચાલો હું જ તમને જણાવું કે તમે મને એટલે કે તમારા કાળજાને કઈ રીતે પ્રેમ કરી શકો છો?

- મને આલ્કોહોલ, બીયર કે વાઈન (દારુ) માં ડુબાડી દેશો નહિં! કેટલાક લોકો માટે તો એનું એક ટીપું પણ ખતરનાક અને મને ડરાવી મારવા માટે પુરતું છે.
- ગમે તે દવા કે ડ્રગ લેતા પહેલા સાવધ થઈ જાવ! દરેક દવા કે ડ્રગ એક પ્રકારનું રસાયણ છે અને ડોક્ટરની યોગ્ય સલાહ વગર તમે એનું સેવન કરશો તો એ તમારા શરીરમાં જઈ રાસયણિક પ્રક્રિયા દ્વારા એવા કોઈ ઝેરી પદાર્થો પેદા કરશે જે મારો મૃત્યુઘંટ વગાડી દેશે!
મારા પર અતિ આસાનીથી ઘસરકા પડી જાય છે અને 'CIRRHOSIS' નામે ઓળખાતા આ ઘસરકા કાયમી હોય છે.
દવાનું સેવન ઘણી વાર જરૂરી હોય છે પણ જ્યારે જરૂર ન હોય ત્યારે ખોટી ખોટી ગોળીઓનું સેવન એક અતિ ખોટી આદત છે અને જે મને બહુ ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે.
- એરોસોલ સ્પ્રે છાંટતી વેળા સાવધ થઈ જાઓ. યાદ રાખો તમે શ્વાસ દ્વારા જે ઝેરી પદાર્થો શરીરમાં ગ્રહણ કરો છો તેને મારે નકામા અને અસરરહિત બનાવવા પડે છે.આથી જ્યારે તમે એરોસોલ સ્પ્રે દ્વારા સફાઈ કરી રહ્યા હોવ ત્યારે ખાતરી કરી લો કે ખંડમાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે એ માટે પુરતું વેન્ટિલેશન છે અથવા તમે પોતે યોગ્ય માસ્ક પહેરો.
આ જ હકીકત જંતુનાશક દવા કે સ્પ્રે, બીજા રાસાયણિક કે ઝેરી સ્પ્રે અને રંગ (Paint) સ્પ્રે અને બીજા દરેક પ્રકારનાં સ્પ્રે માટે તો બમણી લાગુ પડે છે!તમે શ્વાસ દ્વારા જે હવા શરીરમાં અંદર લો છો તેના પ્રત્યે સભાન થઈ જાઓ!
- તમારી ચામડીની ખાસ કાળજી રાખો.તમે ઝાડ-છોડ પર જે જંતુનાશક દવા છાંટો છો તે તમારી ચામડી પરથી મારા સુધી પહોંચી મારા કોષોનો નાશ કરી શકે છે.યાદ રાખો એ પણ મારા માટે હાનિકારક રસાયણ છે. તમારી ત્વચાને ઢાંકી રાખો - મોજા દ્વારા, લાંબી બાંય દ્વારા, ટોપી અને માસ્ક દ્વારા જ્યારે જ્યારે તમે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોવ કે પછી તેના સંપર્કમાં આવતા હોવ ત્યારે ત્યારે.
- ખૂબ વધારે ચરબીયુક્ત પદાર્થો ન ખાવ.હું જ તમારા શરીર માટે જરૂરી હોય એટલો કોલસ્ટ્રોલ બનાવું છું. મને પણ ક્યારેક વિરામ આપો!હંમેશા પોષણયુક્ત,સારો અને સંતુલિત આહાર ખાવ.જો તમે મારા માટે થઈને યોગ્ય આહાર ખાશો તો હું તમારું ખૂબ સારી રીતે ધ્યાન રાખીશ!

સાવધાન: હું તમને ક્યારેય ચેતવણી આપીશ નહિં, જ્યાં સુધી હું કે તમે મરણપથારીએ પહોંચી જવાની સ્થિતીમાં ન પહોંચી ગયા હોવ ત્યાં સુધી.

યાદ રાખો: ફરિયાદ કરવી મારો સ્વભાવ જ નથી.જો તમે મને અલ્કોહોલ, દારુ અને ડ્રગ્સના સેવનથી ઓવરલોડ કરી નાંખશો તો હું ફાટી જઈશ! આ તમારા મૃત્યુઘંટની નિશાની હશે.

મહેરબાની કરી મારી આટલી સલાહ માનો:
- તમારા ડોક્ટર પાસે મારી ચકાસણી કરાવી લો.
- લોહી પરિક્ષણ તપાસ દ્વારા જો કોઈ તકલીફ હશે તો તેનું નિદાન થઈ શકશે.
- જો હું પોચુ અને નરમ હોઉં તો એ સારી નિશાની છે.પણ જો હું સખત અને ખરબચડું હોઉં તો ભયજનક છે.
- જો તમારા ડોક્ટરને શંકા જાય તો અલ્ટ્રા સાઉન્ડ અને C.T. સ્કેન પરિક્ષણ દ્વારા સાચી પરિસ્થીતિનો તાગ મેળવી શકાય.
- મારું અને તમારું જીવન તમે મને કેવી રીતે સાચવો છો અને કેટલો પ્રેમ કરો છો તેના પર નિર્ભર છે.

તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે હું તમને કેટલો પ્રેમ કરું છું.

કૃપા કરી મને ખૂબ જતનપૂર્વક સાચવો. તમારો મૂક જોડીદાર અને સદાકાળ લવર - લીવર

No comments:

Post a Comment