Monday, February 22, 2010

ભગવાનનું ભરતકામ

એક નાનકડી બાળકી તેની માતા પાસે રમી રહી હતી. માતા ભરત-ગૂંથણ કરી રહી હતી.બાળકી નીચે જમીન પર રમી રહી હતી જ્યારે માતા ખુરશી પર બેસી તેનું ભરતકામ કરી રહી હતી.બાળકીનું ધ્યાન રમતા રમતા ઉપર તરફ ગયું અને તેણે માતાના હાથમાં રહેલી ગોળ રીંગ વચ્ચે ભરાવેલા કપડા નીચે લટકતા વિવિધ રંગી દોરા જોયા.કૂતુહલવશ તેણે માતાને પૂછ્યું કે તે શું કરી રહી છે?માતાએ જવાબ આપ્યો:ભરતકામ.બાળકી એ માતાને કહ્યું કે નીચે થી પોતાને ફક્ત દોરાના ગૂંચળા દેખાઈ રહ્યા હતા.પેલી લાકડાની ગોળ રીંગ વચ્ચે ભરાવેલા કપડાના કડક ભાગનીચે બાળકીને જમીન પરથી ઉપર તરફ જોતા રંગબેરંગી દોરા સિવાય કંઈ જ દેખાતું નહોતુ.
માતા બાળકી તરફ પ્રેમથી હસી અને તેણે તેને સમજાવતા કહ્યું:"દિકરી તુ થોડી વાર રમવા જતી રહે. મારું આ ભરતકામ જેવું પતે એટલે તરત હું તને બોલાવી મારા ખોળામાં બેસાડીશ અને મારી બાજુએથી - અહિં ઉપર તરફથી આ ભરતકામ કરેલું કપડું કેવું દેખાય છે એ તને બતાવીશ."
બાળકી વિચારી રહી શા માટે તેની માતા આટલા બધા રંગબેરંગી દોરાઓ વારાફરતી સોયામાં ભેરવી પેલી લાકડાની ગોળ રીંગ વચ્ચે ભરતકામ માટે વાપરતી હશે?એવું તે કયું સુંદર ચિત્ર રચાવાનું હશે માતા તરફની બાજુએથી જોતા, જે પોતાના તરફની બાજુએથી તો ઝાંખા-ભડક રંગના દોરાઓનું ગૂંચળું જ માલૂમ પડતું હતું.આમ વિચાર કરતા કરતા બાળકી થોડે દૂર રમવા ચાલી ગઈ.
થોડી વારમાં તો તેની માતાએ તેને બોલાવી અને પ્રેમપૂર્વક પોતાના ઘૂંટણ પર બેસાડી.બાળકીએ જ્યારે માતાએ ભરતકામ દ્વારા બનાવેલું સુંદર સૂર્યાસ્તનું વિવિધરંગી ચિત્ર દોરાઓની વિશિષ્ટ ગૂંથણી દ્વારા તૈયાર થયેલું નિહાળ્યું ત્યારે તે આભી જ બની ગઈ!કેટલું મનમોહક ચિત્ર હતું એ!બે ઘડી તો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો કારણ નીચેની બાજુએથી તો એ દોરાઓના આડાઅવળા ગૂંચળાથી વિશેષ કંઈ જ નહોતું.
માતાએ બાળકીને કહ્યું,"દિકરી તને નીચેથી દેખાયું નહિં પણ ઉપરની બાજુએ કપડા પર રીંગની વચ્ચે સુંદર ચિત્ર પહેલેથી દોરેલું હતું.મેં તો ફક્ત તેને અનુસર્યું અને તેના ઉપર આ રંગીન દોરાઓ ગૂંથી આ ભાત તૈયાર કરી.હવે મારી બાજુએથી જોતા તને એની સુંદરતા અને અસલિયતનો ખ્યાલ આવ્યો.ખરું ને?"
ઘણી વાર આપણા જીવનમાં ઉપર તરફ જોઈ આપણે ભગવાનને પ્રશ્ન કરતા હોઈએ છીએ કે તે શું કરી રહ્યો છે? ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે તે ભરતકામ કરી રહ્યો હોય છે, આપણા જીવનરૂપી કપડા પર. આપણને તે આપણી બાજુએથી ભલે ગૂંચવાડા ભર્યું જણાય,ઘટનાઓ રૂપી દોરા અંધારિયા જણાય. પણ ત્યારે ભગવાન કહેતા હોય છે,"મારા બચ્ચા, જા અને તું તારું કાર્ય કર્યા કર.વખત આવ્યે એક દિવસ હું તને મારા ખોળામાં બેસાડી મારી બાજુએથી સુંદર ચિત્રનું દર્શન કરાવીશ." જરૂર છે ભગવાનનો આ જવાબ સમજવાની!

No comments:

Post a Comment