Monday, February 15, 2010

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ

મારા પતિ વ્યવસયે એક એન્જિનિયર છે.તેમના શાંત-સ્થિર સ્વભાવને લીધે હું તેમને ખૂબ ચાહુ છું.તેમના પહોળા ખભા પર મારું માથુ ઢાળી જે ઉષ્માસભર લાગણીનો હું અનુભવ કરું છું તે મને બેહદ પ્રિય છે.
ત્રણ વર્ષનો સંવનનકાળ અને હવે બે વર્ષના લગ્નજીવન બાદ મને લાગે છે હવે હું થાકી ગઈ છું.મારી લાગણીના પ્રવાહમાં હવે મને ઓટ વર્તાવા લાગી છે.જે બધા કારણોને લીધે હું પહેલા તેમને અતિશય ચાહતી હતી એ જ કારણો હવે મારા તેમના પ્રત્યેના અણગમાના નિમિત્ત બન્યા છે.હું વારંવાર અસ્વસ્થ બની જાઉં છું. હું એક લાગણીશીલ સ્ત્રી છું અને જ્યારે મારા સંબંધો અને લાગણીઓની વાત આવે ત્યારે હું સંવેદનશીલ બની જાઉં છું. હું પ્રેમભરી સુખદ ક્ષણોને એવી રીતે ઝંખુ છું જેમ કોઈ નાનકડી બાળકી ચોકલેટ કે આઈસક્રીમની કામના કરે.જ્યારે મારા પતિનો સ્વભાવ આનાથી તદ્દન વિપરીત છે - લાગણીવિહિન ,સંવેદનારહિત.તેમના આવા સ્વભાવને લીધે સર્જાયેલા,પ્રેમભરી એ સુખદ ક્ષણોના અભાવે મારી પ્રેમની આકાંક્ષાઓને ચૂર ચૂર કરી અમારા દાંપત્યજીવનમાં મોટી તિરાડ સર્જી છે.
આખરે એક દિવસ મે તેમને મારો નિર્ણય જણાવવાનું નક્કી કર્યુ - છૂટાછેડાનો.
તેમણે આઘાત પામતા પૂછ્યું: કેમ?
મે જવાબ આપ્યો:હું ખૂબ થાકી ગઈ છું. જગતમાં દરેક વસ્તુના જવાબ નથી હોતા.
એ આખી રાત તે સૂઈ શક્યા નહિં,વ્યગ્રતાપૂર્વક ઉંડા ચિંતનમાં ખોવાયેલા રહ્યા અને એક જ રાતમાં તેમણે કેટલીયે સિગરેટો ફૂંકી નાંખી. મારી હતાશાની લાગણી ઓર વધી ગઈ.કેવા પુરૂષ સાથે હું સંબંધ બાંધી બેઠી જે પોતાની મૂંઝવણ પણ મારી સમક્ષ બરાબર રીતે વ્યક્ત કરી શક્તો નથી.બીજી શી આશા હું તેની પાસે રાખી શકું?
છેવટે તેમણે પૂછ્યું:તારો આ નિર્ણય બદલાવવા હું શું કરી શકું?
કોઈકે ખરું જ કહ્યું છે કે તમે બધું બદલી શકો છો પણ વ્યક્તિનો સ્વભાવ કે માણસનું વ્યક્તિત્વ બદલી શકતા નથી.હું તેમનામાંથી મારો વિશ્વાસ ગુમાવી બેઠી હતી.તેમની આંખોમાં ઉંડાણપૂર્વક જોતાં મેં કહ્યું:હું તમને એક પ્રશ્ન પૂછુ છું. જો તમે એનો યોગ્ય ઉત્તર આપી મને મનાવી લેશો તો હું મારા નિર્ણયની ફેરવિચારણા કરીશ.માનો કે કોઈ પર્વતની ટોચ પર એક સુંદર ફૂલ ઉગ્યું છે અને હું તમને એ મારા માટે તોડી લાવવા કહું છું.આપણે બંને જાણીએ છીએ કે જો તમે એ લેવા જવાનો પ્રયત્ન સુદ્ધા કરવા જાઓ તો તમારું મ્રુત્યુ નિશ્ચિત છે.આવી પરિસ્થિતીમાં તમે શું કરશો?શું તમે મારા માટે એ ફૂલ તોડી લાવવા જશો?"
તેમણે કહ્યું : હું આ પ્રશ્નનો ઉત્તર આવતી કાલે આપીશ.
તેમનો આવો ઉત્તર સાંભળી મારી આશાઓ પર પાણી ફરી વળ્યું.
હું બીજા દિવસે સવારે જાગી ત્યારે તે ઓફિસ માટે રવાના થઈ ચૂક્યા હતા. પણ મેં નોંધ્યુ કે તેઓ દરવાજા પાસે દૂધના ગ્લાસ નીચે એક પત્ર મારા માટે તેમના ગરબડિયા અક્ષરોમાં લખીને મૂકી ગયા હતા.મેં એ વાંચવા માંડ્યો. એમાં લખ્યું હતું : "વ્હાલી અમી, હું તારા માટે એ ફૂલ તોડવા નહિં જાઉં.પણ શા માટે એ મને સમજાવવાનો મોકો આપ."
પ્રથમ વાક્ય વાંચીને જ મારું હ્રદય તૂટી ગયું. પરંતુ મેં આગળ વાંચ્યું : જ્યારે તું કમ્પ્યુટર વાપરે છે અને હંમેશાની જેમ સોફ્ટવેર પ્રોગ્રામ્સમાં કંઈક ગડબડ કરી બેસે અને ત્યારબાદ કમ્પ્યુટરના સ્ક્રીન સામે રડવા બેસી જાય ત્યારે એ પ્રોગ્રામ્સ રીસ્ટોર કરવા અને તારી ગડબડ સુધારવા મારે મારી આંગળીઓ સાબૂત રાખવી છે. તું ઘણી વાર ઘરની ચાવી ભૂલી જાય છે અને પછી મારે ઘેર વહેલા પહોંચી જવું પડતું હોય છે તારું આપણા ઘરમાં સ્વાગત કરવા આવા પ્રસંગ માટે મારે મારા પગ બચાવી રાખવા છે.તને નવા નવા શહેરોમાં ફરવાનો શોખ છે પણ દર વખતે નવા શહેરમાં તું રસ્તો ભૂલી જતી હોય છે આવી વેળાએ ભવિષ્યમાં પણ તને રસ્તો બતાડવા મારે મારી આંખો સાબૂત રાખવી છે.તારા પગે ખાલી ચડી જતી હોય છે ત્યારે તને માલિશ કરી આપવા મારે મારી હથેળીઓ હેમખેમ રાખવી છે.
તું જ્યારે આપણાં બાળકની માતા બનવાની હોઇશ ત્યારે તારે ઘરમાં લાંબા સમય સુધી પૂરાઈ રહેવું પડશે એ વેળાએ તું બોર ન થઈ જાય એ માટે તને જોક્સ અને સરસ મજાની વાર્તાઓ કહી સંભળાવવા મારે મારું મોઢું સહી સલામત રાખવું છે.
આપણે સાથે ઘરડા થઈ જઈએ ત્યારે તારા નખ કાપી આપવા અને સફેદ થઈ ગયેલા વાળમાં કલપ કરી આપવા મારે હાજર રહેવું છે વ્હાલી.અને જ્યારે તને મનપસંદ એવા દરિયા કિનારે તું રેતી અને સુર્યાસ્તની મજા માણી રહી હોય ત્યારે તને નિરખ્યા કરવાની અને ત્યાં લાંબી લટાર મારતી વેળાએ તારો હાથ પકડવાની મારી દિલી તમન્ના છે.સુંદર ફૂલો, ઝરણા, પંખીઓ જેવા પ્રાક્રુતિક તત્વોની સુંદરતા નિહાળી તારા રતુમડા ચહેરા પર છવાઈ જતી લાલીની કુમાશ માણવાના મારા ઓરતા પણ હજી બાકી છે.
અને મારી પ્રિય પત્ની,જ્યાં સુધી તને મારાથી વધુ પ્રેમ કરી શકે એવી કોઈ વ્યક્તિ તારા જીવનમાં ન આવે ત્યાં સુધી પર્વત પરનું એ ફૂલ તોડી મારે મ્રુત્યુને વહાલુ કરવું નથી..."
પત્ર વાંચતા વાંચતા ક્યારે મારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી તેનો મને ખ્યાલ જ ન રહ્યો અને આંસુઓ પત્રની શાહી ધૂંધળી બનાવી રહ્યા,મેં વાંચવાનું ચાલુ રાખ્યું : "હવે જો તુ આ પત્ર વાંચી રહી હોય અને તને મારા ઉત્તરથી સંતોષ થયો હોય તો ઉભી થઈ બારણુ ખોલ, હું તારા પ્રિય બ્રેડ-બટર અને તાજું દૂધ લઈને દરવાજા પર ઉભો તારી રાહ જોઈ રહ્યો છું." મે દોડીને બારણું ખોલ્યું.તે બન્ને હાથમાં બ્રેડ-દૂધ વગેરે લઈ ઉત્સાહ અને ઉચાટ મિશ્રિત લાગણી ધરાવતા ચહેરા સાથે ઉભા હતા.
હવે મને ખાતરી થઈ ગઈ હતી કે તેમના જેટલો પ્રેમ મને કોઈ કરી શકે નહિં, અને મેં પેલા પર્વત પરનાં ફૂલને પડતું મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.આવું જ થાય છે પ્રેમમાં અને જીવનમાં.જ્યારે આપણે પ્રેમથી ઘેરાયેલા હોઇએ છીએ ત્યારે રોમાંચની લાગણી ઓછી થતી જાય છે અને આપણે શાંતિ અને ઝાંખાપણાના સ્તરોની વચ્ચે છૂપાયેલા સાચા પ્રેમની અવગણના કરતા હોઈએ છીએ.
પ્રેમ કોઈપણ સ્વરૂપે પ્રદર્શિત થયા વગર રહેતો નથી, ઘણી વાર તો સાવ ક્ષુલ્લક અને સામાન્ય લાગે તેવી બાબતો દ્વારા.પણ એ ક્યારેય આદર્શ બની શકતો નથી.એ કદાચ સાવ કંટાળાજનક અને ઝાંખો હોઈ શકે છે.
પુષ્પો અને પ્રેમની ક્ષણો સંબંધની સપાટી પર તરતા તરતા તેને વધુ મજ્બૂત બનાવે છે.આ બધા વચ્ચે પ્રેમ રૂપી થાંભલો ઉભેલો હોય છે.આવું જ આપણું જીવન છે.પ્રેમ, ચર્ચા-વિચારણા વખતે વિજયી નિવડે છે.

હેપ્પી વેલેન્ટાઈન ડે...!!!

1 comment:

  1. Today the defination of true love is changing and while any one can speak ILU to anyone, such more stories are needed to be read. keep it up.

    ReplyDelete