Sunday, November 29, 2020

ચીજોનો વિચારપૂર્વક વપરાશ

બુદ્ધના એક શિષ્યે તેમને કહ્યું, "ગુરુદેવ, મારે તમને કંઈક પૂછવું છે." 

બુદ્ધ કહે, "બોલ વત્સ, શું છે?" 

શિષ્યે કહ્યું, "મારું પહેરણ ફાટી ગયું છે. તે હવે બિલકુલ પહેરવા લાયક રહ્યું નથી. શું હું નવું વસ્ત્ર લઈ શકું છું?" 

બુદ્ધે શિષ્યના વસ્ત્ર તરફ નજર નાખી અને નોંધ્યું કે ખરેખર એ વસ્ત્ર જીર્ણશીર્ણ થઈ ચૂક્યું હતું. ખરેખર તેને બદલવાની જરૂર હતી. આથી તેમણે શિષ્યને નવું વસ્ત્ર લેવાની પરવાનગી આપી.શિષ્યે આભારવશ ત્યાંથી વિદાય લીધી. 

    આ ઘટનાનાં થોડાં દિવસ બાદ બુદ્ધને વિચાર આવ્યો કે તેમના શિષ્યને એક મહામૂલો પાઠ શીખવવાની તક તેઓ ગુમાવી બેઠા, આથી તેઓ શિષ્યના નિવાસકક્ષમાં તેની સાથે વાત કરવા ગયા. 

    બુદ્ધ બોલ્યા : શું તારા નવા વસ્ત્રમાં તને આરામ છે? તને બીજું કંઈ જોઈએ છે? 

શિષ્ય કહે : ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર. નવું વસ્ત્ર ખૂબ આરામદાયી છે. હવે મને કંઈ જોઈતું નથી. 

બુદ્ધ કહે : હવે જ્યારે તારી પાસે આ નવું વસ્ત્ર આવી ગયું છે, તો તે જૂના વસ્ત્રનું શું કર્યું? 

શિષ્યે કહ્યું, "તેની મેં રજાઈ બનાવી કાઢી જેથી હું તેના પર સૂઈ શકું." 

બુદ્ધે કહ્યું, "તે જૂની રજાઈ હતી તેનું શું કર્યું?" 

શિષ્યે કહ્યું, "તેનો મેં બારીના પડદાં તરીકે ઉપયોગ કર્યો છે. "

બુદ્ધે કહ્યું, "અને એ બારીના જૂના પડદાંનું તે શું કર્યું?" 

શિષ્યે જવાબ આપ્યો,"ગુરુદેવ, એ જૂના પડદાંના મેં ચાર ટુકડા કર્યા અને તેમાંથી મેં મસોતા બનાવ્યાં, જેમનો ઉપયોગ હું રસોડામાં ગરમ વાસણો ઊંચકવા માટે કરું છું." 

બુદ્ધે પૂછ્યું, "જૂના મસોતા ક્યાં ગયાં? તેનું શું કર્યું?" 

શિષ્યે જવાબ આપ્યો,"તેના મેં પોતા બનાવી કાઢ્યા છે. એ પોતા થી ભોંય ની સફાઈ કરું છું. "

બુદ્ધ કહે "અને જૂના પોતા?" 

શિષ્યે કહ્યું," ભગવન, જૂના પોતા એટલા ચીંથરે હાલ થઈ ગયા હતા કે તેના મેં દોરા છુટ્ટા કરી નાખ્યા અને તેમાંથી દીવાની દિવેટ બનાવી. આ જ એક દિવેટથી અત્યારે તમારા કક્ષમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે."

બુદ્ધ શિષ્યના આ જવાબ સાંભળી સંતુષ્ટ થયા. તેમને એ વાતની ખુશી થઈ કે આ શિષ્ય સમજી ચૂક્યો હતો કે કોઈ જ વસ્તુ નકામી હોતી કે થતી નથી. જો આપણે દૃષ્ટિ કેળવીએ તો દરેક નજીવી વસ્તુનો પણ કોઈક ખપ જડી આવશે. કોઈ જ વસ્તુ નકામી હોતી નથી, સમય તો ખાસ! 

જો આપણે કરકસર કરી અને વિચારપૂર્વક જીવતા શીખીશું તો જેમ આપણાં પરદાદા આપણાં માટે સ્રોતો મૂકતા ગયા, એમ આપણે પણ આપણાં બાળબચ્ચાં માટે અને તેમની પણ આવનારી પેઢીઓ માટે બિનનવીનીકરણક્ષમ સ્રોતો મૂકીને જઈ શકીશું. 

આવો, આપણી પૃથ્વી માતાનું જતન કરવાનું વચન એક બીજાને આપીએ. 

(ઇન્ટરનેટ પરથી) 

No comments:

Post a Comment