Wednesday, February 26, 2020

પરીક્ષા ટાણે તમારા અને તમારા સંતાનો માટે

  બોર્ડ પરીક્ષાઓનો સમય આવી ગયો છે. તમારું સંતાન દસમા કે બારમાના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યું હશે તો તો તમેય ટેન્શનમાં હશો ખરું ને? આગામી પંદર - વીસ  દિવસો તમારા બંને માટે અતિ મહત્વના બની રહેશે. તમારા સંતાનો પાસેથી તમે આ સમયગાળા દરમ્યાન મૂડ પરિવર્તન, ઉદાસી, ઉત્સાહ, આરામદાયી વલણ, ઉદ્ધતાઈ વગેરે અનેક મિશ્ર લાગણીઓની અપેક્ષા રાખી શકો છો. પણ તમારે સંભાળી લેવાનું છે. આપણી શિક્ષણ પદ્ધતિ આમ પણ વિદ્યાર્થીઓમાં ઘણો તણાવ પેદા કરે છે, ખાસ કરીને બોર્ડ પરીક્ષા વખતે.
      તો ચાલો આપણાં બાળકોને સહારો આપીએ, તેમની સાથે ઉભા રહીએ. તેમનો તણાવ ઓછો કરીએ. આ કઈ રીતે કરી શકીશું? વાંચો...

૧. તેમને સવારે એક હકારાત્મક ઉમળકા સાથે પ્રેમભર્યા સ્પર્શથી ઉઠાડો, તેમને આલિંગન આપો. દરેક બાળક માતાપિતા પાસેથી આની અપેક્ષા રાખે છે.

૨. તમારા સંતાનના દિવસની શરૂઆત એક હકારાત્મક વિધાન સાથે કરો જેવા કે - હું તને ખૂબ ચાહું છું, ચાલો એક સુંદર મજાના દિવસની શરૂઆત સાથે કરીએ...

૩. તમારા સંતાન સાથે વાતચીત કરતી વખતે ખૂબ કાળજી રાખો. એ પરીક્ષા આપવા જાય એ પહેલા ખાસ. "મને ખાતરી છે કે તું ચોક્કસ ખૂબ સારું પેપર લખીશ... તારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે... બેસ્ટ ઓફ લક! જલ્દી થી સરસ પેપર લખીને આવીજા, હું તારી રાહ જોઈશ..." વગેરે.

૪. તમારો ઉચાટ તમારા સંતાન સુધી ન પહોંચવા દો. ગમે તેવી પરિસ્થિતિ હોય, છેલ્લી ક્ષણોમાં તમારા તરફથી હકારાત્મક સહકાર, તમારા સંતાનના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે.

૫. જ્યારે તમારું સંતાન પરીક્ષા આપી પાછું આવે ત્યારે માત્ર 'પેપર કેવું ગયું' જ ના પૂછો, તેના બદલે પૂછો કે તેનો પરીક્ષાનો અનુભવ કેવો રહ્યો. તેને કહો, ચાલ, હવે થોડું બહાર ખુલ્લામાં ફરી આવીએ. સાથે ચા કે કોફી પી ને રિલેક્સ થઈ આવીએ... જે વિષયની પરીક્ષા પતી ગઈ, તેના વિશે ચર્ચા કર્યા કરવાનું ટાળો. જે ગયું તે ગયું. એ તમે બદલી શકવાના નથી પણ હજી જે આવવાનું બાકી છે એના માટે તમે તમારા સંતાનને આધાર આપી શકો છો.

૬. એ સુનિશ્ચિત કરો કે તેની પરીક્ષા દરમ્યાન તમારા સંતાનને તમે ઘરમાં એક આનંદીત અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડો છો. પરિવારમાં બિનજરૂરી વિખવાદ-ચર્ચા ટાળો, મતભેદો પછી પણ ઉકેલી શકાય છે. એ ના ભૂલો કે આ બધી નકારાત્મકતા તમારા સંતાનના તણાવમાં વધારો કરી શકે છે.

૭. જ્યારે તમારું સંતાન નાસ્તો કરી રહ્યું હોય, જમી રહ્યું હોય કે પછી તમારી સાથે નિરાંતની ક્ષણો માણી રહ્યું હોય ત્યારે હળવું વાદ્ય સંગીત વગાડો.

૮. તમારા સંતાનને માર્કસ ના લક્ષ્યો ના આપો. એ પોતાના લક્ષ્યાંકો સમજી શકે એટલું સંવેદનશીલ હોય જ છે.

૯. ઘરમાં તાજા ફૂલો રાખો, એ ઘણી હકારાત્મક ઉર્જા આણે છે.

૧૦. કોઈ પણ કારણસર વાતો ને લાંબી ના ખેંચો. સતત ટોક્યા કરવાનું અને દોષો શોધ્યા કરવાનું બંધ કરો.

૧૧. રાત્રે તમારા સંતાનની પીઠ પર હકારાત્મકતા ભર્યા સ્પર્શ સાથે હાથ ફેરવતા તેને સૂવાડો. આ બે મિનિટની ચેષ્ટા તેની પૂરતા કલાકોની નિદ્રા ગાઢ અને અસરકારક બનાવશે અને તે બીજે દિવસે વધુ સારો અભ્યાસ કરી શકશે.

૧૨. સતત સલાહસૂચન ટાળો. સંતાનને તેની થોડી અંગત જગા આપો.

૧૩. પરીક્ષાનું પેપર તમારી કે તમારા સંતાનની અપેક્ષા મુજબ ન જાય તો પણ તમારા સંતાનની પડખે ઉભા રહો.

૧૪. સૌથી અગત્યનું : પરીક્ષાના દિવસો દરમ્યાન તમારા સંતાનને તમારા સગા - સંબંધીઓ કે મિત્રોને ન મળવા દો. છેલ્લી ક્ષણોમાં નકારાત્મક વિધાનો કે અપેક્ષાઓ તમારા સંતાન માટે જોખમી સાબિત થઈ શકે છે.

તમારા સંતાનોને ઘણો બધો પ્રેમ અને ઘણાં બધાં શુભાશિષ... અને હા, તમે શાંત અને ધૈર્યવાન બનજો, તમને પણ ઓલ ધ બેસ્ટ!!!

- એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment