Monday, February 24, 2020

ભૂલો પર ચોકડી મારી આગળ વધો.

   પ્રાથમિક શાળામાં મેં નવી નવી પેન થી લખવાની શરૂઆત કરી હતી, ત્યારે જો લખવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો શિક્ષકને બતાવતા પહેલા, એ ભૂલ ભૂંસી નાખતા ભારે શ્રમ ઉઠાવવો પડતો. ક્યારેક ઈન્ક-રબર તો ક્યારેક ચોકનો ઉપયોગ કરતો, પણ એ ભૂલ ભૂંસી નાખવામાં જોઈએ એવી સફળતા મળતી નહોતી.
     ક્યારેક તો થૂંકનો ઉપયોગ પણ ભૂલ ભરેલું લખાણ દૂર કરવા કરેલો અને ક્યારેક એ હેતુ માટે રેઝર - બ્લેડ પણ વાપરેલી. પણ એમ કરતાં, નોટબુકના પાનામાં કાણાં પડી જતાં. શિક્ષકના હાથનો માર પણ આ રીતે નોટબુક ગંદી કરવા માટે ખાધો હતો. પણ અહીં આશય મારી ભૂલ ઢાંકવાનો જ હતો.
      એક દિવસ મને ખૂબ ચાહતા એક ભલા હ્રદયના શિક્ષકે મને બોલાવ્યો અને કહ્યું," જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે તેના પર ચોકડી મૂકી દેવી અને આગળ વધી જવું. તમારી ભૂલોને ભૂંસવા જશો તો કંઈ વળશે નહીં અને તમારી નોટબુક ખરાબ થઈ જશે. "
      મેં તેમનો પ્રતિકાર કરતા કહ્યું કે હું નથી ઇચ્છતો કે લોકો મારી ભૂલ જૂએ. આ સાંભળી મારા એ શિક્ષકે હસતાં હસતાં કહ્યું, "એ ભૂલ ને ભૂંસવાનો પ્રયત્ન કરવામાં તું વધુ લોકો સમક્ષ એ છબરડો છતો કરે છે. અને પછી એનો પસ્તાવો જીવન ભર રહે છે."
      તમે પણ જ્યારે જીવનમાં ભૂલો કરો છો ત્યારે આ પાઠ શીખવા લાયક છે. તેના પર ચોકડી મૂકી દો અને આગળ વધો. તમારી ભૂલો છૂપાવવાનો પ્રયત્ન કરવામાં તમારી જાતને ખૂલ્લી ન પાડો. આગળ વધુ સારી ચીજ વસ્તુઓ, પ્રસંગો તમારી રાહ જોઈ રહ્યા હોય છે.કરેલી ભૂલોને મમળાવ્યાં ન કરો, આગળ વધો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment