Sunday, November 17, 2019

બર્ડમેન ઓફ ઈન્ડિયા - સલીમ અલી

       સલીમ અલી એટલે સૌથી મહાન પક્ષીશાસ્ત્રી અને પર્યાવરણવિદ ભારતના બર્ડ મેન તરીકે જગવિખ્યાત છે. તે ભારત અને વિશ્વભરમાં પદ્ધતિસર પક્ષી સર્વેક્ષણ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિકો માંના એક હતા. પક્ષી શાસ્ત્રના વિકાસમાં તેમના સંશોધને ખાસ્સો પ્રભાવ પાડયો છે.
      ૧૨મી નવેમ્બરે તેમની ૧૨૩મી જન્મજયંતિ છે, આ નિમિત્તે ચાલો આજે તેમના વિશે, તેમના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ.
સલીમ મોઇઝૂદ્દીન અબ્દુલ અલી વર્ષ ૧૮૯૬માં જન્મ્યા અને તેમના માતાપિતાને થયેલા નવ સંતાનોમાં તે સૌથી નાના હતા. તે એક વર્ષના હતા ત્યારે તેમના પિતા મોઇઝૂદ્દીન અવસાન પામ્યા અને ત્રણ વર્ષની ઉંમરે તેમણે માતા ઝીનત-ઉન-નિસ્સાનું છત્ર ગુમાવ્યું.  અકાળે અનાથ બનેલા સલીમનો ઉછેર તેમના સગા હમીદા બેગમ અને અમીરુદ્દીન તૈયબજીએ કર્યો. તેઓ મુંબઈમાં વસતા હતા.
દસ વર્ષની કુમળી વયે એક વાર તેમણે એક ઉડતું પારેવડું દીઠું અને એમણે તેને ઠાર માર્યું. હ્રદયથી નરમ એવા સલીમે દોડીને તેને હાથમાં ઉપાડી લીધું. એ તેમને ચકલી જેવું લાગ્યું, પણ તેના ગળા પર તેમણે એક અલગ જણાતો પીળો પટ્ટો જોયો. ઉત્સુક એવા તેમણેએ પાલક પિતા અમીરુદ્દીનને બતાવ્યો અને આ કયું પક્ષી છે એ અંગે પૃચ્છા કરી. આ અંગે નો જવાબ ન આપી શકતા અમીરુદ્દીન તેમને પોતાના મિત્ર, બી. એન. એચ. એસ. - બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના માનદ સચિવ ડબ્લ્યુ. એસ. મિલાર્ડ પાસે લઈ ગયા. (બી. એન. એચ. એસ. પર્યાવરણ અને તેની જાળવણી અંગે સંશોધન કરતી વર્ષો જૂની અગ્રેસર બિનસરકારી સંસ્થા છે.)
     મિલાર્ડ નાનકડા સલીમનો પક્ષીમાં અસાધારણ રસ જોઈ તેને ભૂસુ ભરેલા સંગ્રહાયેલા પક્ષીઓ જોવા લઈ ગયા. જ્યારે સલીમે એ પંખીઓમાં પોતે પકડેલું એ જ જાતિનું અન્ય પક્ષી જોયું ત્યારે તેના હરખ અને આશ્ચર્ય નો પાર ન રહ્યો. એ પછી તો સલીમ ત્યાં વારંવાર જવા માંડ્યો.
    સલીમે કૉલેજ અટેન્ડ તો કરી પણ તેણે ફોર્મલ યુનિવર્સિટીની ડીગ્રી મેળવી નહીં. ટંગસ્તન માઇનિંગ એન્ડ ટીમ્બરમાં કામ કરતા  પોતાના ભાઈને મદદ કરવા તે બર્મા (હાલના મ્યાનમાર) ગયા પણ ત્યાંયે પોતાનો મોટા ભાગનો સમય તેમણે પંખીઓ શોધવા અને જોવામાં વિતાવ્યો. જલ્દી જ તેઓ મુંબઈ પાછા ફર્યા.
      પાછા ફર્યા બાદ તરત સલીમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી પ્રાણીશાસ્ત્રમાં ડીગ્રી હાંસલ કરી. ૧૯૧૮ના ડિસેમ્બરમાં તેમણે દૂરના સગામાં થતા તેહમીના બેગમ સાથે નિકાહ પઢ્યા. ૧૯૨૬માં બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયમાં તેમણે ગાઇડ તરીકે નોકરી મેળવી.
  તે મુલાકાતીઓને સંગ્રહાયેલા પક્ષીઓ બતાવતા અને તેમના વિશે માહિતી પૂરી પાડતા. તેમનો પંખીઓની જીવવાની રીત, ટેવો વગેરેમાં રસ ઓર વધ્યો. આથી સલીમ જર્મની ગયા અને ત્યાં વસતા વિશ્વ વિખ્યાત પક્ષીવિદ ડૉ. ઈર્વિન સ્ટ્રાસમેનને મળ્યા. એક વર્ષ પછી ૧૯૩૦ માં તેઓ ભારત પરત ફર્યા પણ ત્યારે આર્થિક સંજોગોને કારણે બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયની તેમની ગાઇડની નોકરીનું પદ કાઢી નાખવામાં આવ્યું હતું.
     સલીમ અલીને પરિણીત હોઈ પૈસાની જરૂર હતી આથી પેટીયું રળવા તેમણે સંગ્રહાલયમાં જ કારકૂન તરીકેની નોકરી સ્વીકારી લીધી. આ નોકરીએ તેમને પક્ષી જગતનું તેમનું સંશોધન ચાલુ રાખવાની તક આપી. તેમની પત્નીનું ઘર મુંબઈ નજીક કિહિમ નામના નાનકડા ગામે હતું જે વૃક્ષોથી ઘેરાયેલું એક શાંત સ્થળ હતું. અહીં સલીમ પોતાનો મોટા ભાગનો સમય વણકર પંખીની દિનચર્યા નો અભ્યાસ કરવામાં વિતાવતા.
     ૧૯૩૦માં તેમણે એક સંશોધન પત્ર રજૂ કર્યું જેમાં વણકર પક્ષીના સ્વભાવ અને પ્રવૃત્તિઓની વિસ્તારથી ચર્ચા હતી. આ લેખે તેમને સારી એવી પ્રસિદ્ધિ અપાવી અને પક્ષીશાસ્ત્ર ક્ષેત્રે તેમનું નામ અગ્રેસર બન્યું. સલીમ એક જગાએ થી બીજી જગાએ પક્ષીઓના સર્વેક્ષણ માટે જવા લાગ્યા અને તેમણે પક્ષીઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો.
    બદનસીબે ૧૯૩૯માં એક સાધારણ શસ્ત્રક્રિયા દરમ્યાન તેમની પત્ની નું મૃત્યુ થયું.
      તેમણે પક્ષીઓ અંગે જે જે બાબતો નોંધી હતી તે સઘળું એક પુસ્તક તરીકે પ્રકાશિત થયું જેનું નામ હતું "The Book of Indian Birds in 1941". આ પુસ્તકમાં ભારતીય પંખીઓના પ્રકાર અને આદતોની માહિતી હતી. ઘણાં વર્ષો સુધી આ પુસ્તકની સારી એવી નકલો વેચાતી રહી. તેમણે અન્ય એક વિશ્વ વિખ્યાત પંખી નિષ્ણાત એસ. ધિલ્લો રિપ્લે સાથે મળી પંખી સંશોધનની દિશામાં ઘણું મહત્વનું કામ કર્યું જે "Handbook of the Birds of India and Pakistan" (૧૦ પુસ્તકોનો સંપુટ) માં પરિણમ્યું. આ પુસ્તકો તેમની ૧૯૬૪ થી ૧૯૭૪ ના એક દસકાની મહેનતનો નિચોડ હતાં જેમાં ઉપખંડના પક્ષીઓનું વર્ણન, તેમના દેખાવ, રહેઠાણ, પ્રજોત્પત્તિ, સ્થળાંતર વગેરે સમાવિષ્ટ હતાં.
     સલીમે અન્ય પણ કેટલાંક પ્રખ્યાત પુસ્તકો લખ્યાં છે જેમકે "Common Birds" (૧૯૬૭), તેમની રસપ્રદ આત્મકથા “The Fall of Sparrow” (૧૯૮૫)
     સલીમે માત્ર પંખીઓ અંગે સંશોધન જ નથી કર્યું પણ પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ અતિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના અસામાન્ય પ્રયાસો બદલ તેમને પાંચ લાખ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો પણ તે આખી રકમ તેમણે બી. એન. એચ. એસ.ને દાનમાં આપી દીધી. ભારત સરકારે પણ તેમને ૧૯૫૮માં પદ્મભૂષણ અને ૧૯૭૬માં પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા.
આ મહાન વિભૂતિનું ૯૦ વર્ષની વયે ૧૯૮૭ માં જૂનની ૨૦મી તારીખે પ્રોસ્ટેટ કેન્સર સામે લાંબી લડત બાદ નિધન થયું.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment