Saturday, July 29, 2017

બાળકને ઉતારી પાડવું નહિ

હાલમાં હું કલાસ-1 અધિકારી તરીકે  સ્પિપામાં ફરજ બજાવું છું. સ્પિપા એ ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપતી સંસ્થા છે. સરકારમાં નવા નિમાયેલા કર્મચારીઓની તાલીમ બેચમાં હું રેગ્યુલર લેક્ચર લેવા જાવ.મારા સ્વાભાવ પ્રમાણે લેક્ચરમાં એકદમ હળવું વાતાવરણ રાખું અને તાલીમાર્થીઓ પણ કંઇક બોલે એવો પ્રયાસ કરું.

એક બેચમાં એક હોશિયાર કર્મચારી ક્યારેય ચર્ચામાં ભાગ લેતો નહોતો. લેખિત પેપરમાં સારામાં સારા માર્ક હોઈ પણ કલાસમાં કંઈ જ ના બોલે. એકદિવસ મેં એને કલાસ પૂરો થયા પછી મારી ચેમ્બરમાં બોલાવ્યો. મેં એને પૂછ્યું કે તું કંઈ બોલતો કેમ નથી ? મને કહે 'સાહેબ, બોલવાની ઈચ્છા બહુ થાય પણ બોલી શકાતું નથી. શબ્દો બહાર નીકળતા જ નથી' મેં કહ્યું 'પણ આવું કેમ થાય છે ?' એણે મને જે વાત કરી એ શિક્ષકો અને માતા-પિતાને એક અદભૂત સંદેશો આપી જાય છે.

એ યુવકે કહ્યું, "સાહેબ, હું 7માં ધોરણમાં ભણતો ત્યારે અમારી આખી શાળામાં મારા જેવું પ્રવચન બીજું કોઈ ના કરી શકતું. હું અભિમાન નથી કરતો પણ હું ખુબ સારો વક્તા હતો. એકવાર અમારી શાળાના એક શિક્ષકે એમણે લખેલી વાર્તા મારી પાસે તૈયાર કરાવી. આ વાર્તા મારે શનિવારની સભામાં બોલવાની હતી. ગામના લોકો અને આગેવાનોની હાજરીમાં મારે આ વાર્તા કહેવાની હતી. મેં ખૂબ સરસ રીતે વાર્તા તૈયાર કરી હતી પણ ખબર નહિ હું થોડી વાર્તા બોલ્યો અને પછી ભૂલી ગયો. આવું પહેલી વખત થયું. કેમ આવું થયું એ મને આજે પણ નથી સમજાતું પણ થયું એ વાસ્તવિકતા છે. પછીતો શાળાના બધા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીમાં મારા શિક્ષકે મારું અપમાન કર્યું. બસ તે દિવસથી મારી જીભ જતી રહી. ઈચ્છા હોય પણ થોડા લોકો હાજર હોય તો શબ્દો બહાર નીકળે જ નહિ." 

પેલા શિક્ષકે તો થોડા શબ્દો બોલીને પોતાનો ગુસ્સો ઠાલવી દીધો પણ એને ખબર જ નહિ હોય કે એણે કોઈની જીભ છીનવી લીધી છે. અમુક બાળકો ખુબ લાગણીશીલ હોય છે આપણે કરેલું અપમાન એના હૃદય પર ઊંડા ઘા પાડે છે જે જીવનભર રુજાતા નથી. જરૂર પડે તો બાળકને ઠપકો જરૂર આપીએ પણ જાહેરમાં એને ઉતારી પાડવાનું કૃત્ય નાં થવું જોઈએ. આ છોકરા સાથે વાત કરી ત્યારે ખબર પડી બાકી બિચારા કેટલાયને શબ્દોનાં બાણ વાગ્યા હશે અને એનાથી એની જિંદગી બરબાદ થઇ ગઈ હશે. આપણને બોલવું સાવ સહજ લાગે પણ સામેવાળાને એ ચોંટી જતું હોય.

માતા-પિતાએ પણ આ બાબતે a રાખવું જરૂરી છે. એક કોલેજિયાન  છોકરાએ મારી પાસે કબુલેલું "હું જ્યારે પરિણામ લઈને પપ્પા પાસે જાવ ત્યારે ગમે તેટલું સારું પરિણામ હોય તો પણ મારા પગ ધ્રુજતા કારણકે એકવાર પપ્પા ખીજાયા અને મારું અપમાન કર્યું ત્યારે મારું પેન્ટ ભીનું થઇ ગયું હતું બસ ત્યારથી એમની બહુ બીક લાગે છે. આજે તો મારા લગ્ન થઇ ગયા છે પણ પપ્પાની હાજરીમાં આજે પણ બોલી શકતો નથી."

જેને ભરપૂર પ્રેમ કરતા આવડતું હોય એને જ ખિજાવાનો અધિકાર છે. બાળકને કંઈ બોલ્યા હોય તો બીજી જ ક્ષણે બધું ભૂલીને એને ગળે લગાડતા પણ આવડવું જોઈએ અને જાહેરમાં બધાની વચ્ચે તો  બાળકને ઉતારી પાડવાનું કામ ક્યારેય ના થવું જોઈએ. 

યાદ રાખજો તમારા બે ચાર કડવાં શબ્દો કોઈની આખી જિંદગીને કડવી કરી નાંખશે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment