Saturday, May 27, 2017

માતાપિતા પ્રત્યે દુર્લક્ષ સેવશો નહિ

આપણે કમાવામાં એટલા વ્યસ્ત થઈ જતા હોઇએ છીએ કે જીવતા ભૂલી જઇએ છીએ.આપણે આપણી જાતમાં એટલા રચ્યાપચ્યા રહેતા હોઇએ છીએ કે ક્યારેક પણ યાદ નથી રહેતું કે સમય સતત સરી રહ્યો છે અને દરેક વિતતી ક્ષણ સાથે આપણા માતાપિતા વધુ ઘરડા થતા જાય છે. તો એક આકરું પણ સનાતન સત્ય છે કે આપણા આત્મીયજન સદાયે આપણી સાથે રહેવાના નથી.ભલે ગમે તેટલી આકરી અને ગેરવ્યાજબી જણાય પણ હકીકત છે કે એક દિવસ આપણા માતાપિતા આપણો સાથ સદાયને માટે છોડી ચાલ્યા જવાના છે. વિશ્વવિખ્યાત શેફ વિકાસ ખન્નાએ વિશેની હ્રદયસ્પર્શી પોસ્ટ તેના પિતાને સ્મરીને ફેસબુક પર થોડા સમય પૂર્વે મૂકી હતી , તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કરી છે, જે આપણને સૌને એક યાદ રાખવા જેવો પાઠ શિખવી જાય છે. એક અગમ્ય વાસ્તવિકતા છે કે આપણામાંના મોટા ભાગના લોકો માતાપિતાને ગણકારતા નથી, તેમના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.જો તમે જાણ્યે-અજાણ્યે એમ કર્યુ હોય તો લેખ તમારી આંખો ખોલનારો સાબિત થશે.
વર્ષ ૨૦૧૫ના જાન્યુઆરીની ૩૧મી સવારના નિત્યક્રમ પ્રમાણે મેં મારા માતાપિતા સાથે વાત કરવા ઘેર ફોન કર્યો. પપ્પા બે કારણોસર અતિ ઉત્સાહમાં હતા : એક સેરેના વિલિયમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફાઇનલ માટે રમી રહી હતી અને બીજું મર્સીડીઝે મને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો હતો. તેમણે મને કહ્યું કે તેમના દીકરાની મર્ક ગાડીમાં સફર કરવાનું તેમનું સ્વપ્ન હતું! મેં તેમને હસીને કહ્યું કે વાત તેમણે મને પહેલા કેમ કરી? તેમણે પણ મજાકીયા સ્વરમાં કહ્યુ,"તે મને ક્યારેય પૂછ્યું ક્યાં હતુ?" અમે બંને વાત પર હસ્યા અને અમારી વાત પૂરી થઈ.
દિવસે બપોરે તેઓ ગુજરી ગયા. કોઈ સંતાન આવડી મોટી દુ:ખદ ઘટના માટે તૈયાર નથી હોતું, તમારા હ્રદયમાં - જીવનમાં એવો એક શૂન્યાવકાશ પેદા કરે છે જે ફરી પાછો ક્યારેય ભરી શકાતો નથી. ભગવાને તમને છેતર્યા હોય એવી લાગણી તમને થાય છે. તમે એક પ્રકાર ની અસુરક્ષિતતા અનુભવો છો.
મારા મનમાં તેમણે મને છેલ્લે કહેલા શબ્દો હજી પડઘાયા કરે છે " તે મને ક્યારેય પૂછ્યું ક્યાં હતુ?" ગોઝારા દિવસ પછી મને હજારો વાર એવો વિચાર આવ્યો છે કે કાશ હું તેમના માટે થોડું વધુ કરી શક્યો હોત, તેમને વધુ ગૌરવની લાગણીનો અનુભવ કરાવી શક્યો હોત,તેમની સઘળી ઇચ્છાઓ પૂર્ણ કરી શક્યો હોત...
જીવનમાં શિખવા જેવો પાઠ : એક પણ વધુ ક્ષણની રાહ જોશો. આપણાં માતાપિતા ક્યારેય આપણી પાસે કંઈ માગશે નહિ અને પોતાની પૂરી જિંદગી આપણી માટે ખર્ચી નાંખશે. તેમને સરપ્રાઈઝ આપો, તેમને બાળકની જેમ લાડ લડાવો, તેમને આલિંગન આપો, તેમને તેમના સપનાઓ-અરમાનો વિશે પૂછો અને તેમને ભરપૂર પ્રેમ આપો. કારણ એક દિવસ તમે ગાડીઓનો કાફલો ખરીદવા જેટલા સમર્થ હશો પણ તમે ક્યારેય સમય ખરીદી શકશો નહિ. આપણે સૌ ઇચ્છીએ છીએ કે સમયનું ચક્ર ઉલટું ગુમાવી આપણા સદગત સ્વજનોને ફરી પાછા લઈ આવીએ. પણ શું શક્ય છે? બદનસીબે ના, શક્ય નથી!
તો જરા જેટલીયે રાહ જુઓ...તેમની દરેક ઇચ્છા પૂરી કરો. તમારા માતાપિતાના ગુજરી ગયા બાદ તેમનું મનપસંદ ખાણું ૧૦૦ બ્રાહમણોને ખવરાવવાનો કોઈ અર્થ નથી. તેમને અત્યારે ખવડાવો અને તેમની આંતરડી ઠારો. તમે આજે જીવો છો કારણકે તેઓ તમને જગતમાં લાવ્યા તો હવે તમારો વારો છે. તેમને સઘળુ આપો જેથી તેમને જગતમાં તમને લાવ્યા બદલ ગર્વ અને ખુશી ની લાગણી થાય! તેમના માટે તો તમે એમની દુનિયા છો.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment