Friday, February 20, 2015

એક પ્રેમકહાની


રજનીના લગ્ન સુહાસ સાથે થયા. લગ્ન બાદ રજનીની માતાએ તેને એક નવા બચત ખાતાની પાસ બુક આપી જે તેમણે રજની અને સુહાસના સંયુક્ત નામે ખોલાવ્યું હતું અને તેમાં રૂપિયા એક હજાર જમા કર્યાં હતાં.

તેમણે કહ્યું : "રજની, પાસ બુક લે.તેને તારા લગ્નજીવનની નોંધપોથીની જેમ સાચવજે. જ્યારે તારા નવા જીવનમાં કોઈક સુખદ અને યાદગાર એવી ઘટના બને ત્યારે ખાતામાં થોડા રૂપિયા જમા કરાવી તેની વિગત યાદીમાં લખાવજે. જેટલી ઘટના વધુ સારી હોય એટલા વધુ રૂપિયા તું ખાતામાં જમા કરાવજે. મેં ખાતામાં પહેલી રકમ તારા લગ્ન થયાં એવી નોંધ સાથે જમા કરાવી છે હવે આગળ તારે અને સુહાસે ખાતું સંભાળવાનું છે. વર્ષો બાદ ક્યારેક પાસબુક જોશે ત્યારે તને ખ્યાલ આવશે તે કેટલું સુખદ જીવન જીવ્યું છે અને કેટલી સુખદ અવિસ્મરણીય પળો માણી છે!"

રજનીએ નવા ઘરે આવ્યા બાદ ખાતાની વાત સુહાસને કરી. બંનેને ખાતાની યુક્તિ ઘણી સારી અને નવલ લાગી.તેઓ બંને હવે પછીની રકમનો હપ્તો ક્યારે જમા કરી શકાય ઘડીની આતૂરતા પૂર્વક રાહ જોવા માંડ્યા.

થોડા મહિનાઓ બાદ પાસબુકમાણ કંઈક પ્રમાણેની નોંધો પ્રવેશ પામી.

૧૪ ફેબ્રુ. : રૂ.૧૦૦૦,    રજની અને સુહાસનાં શુભ લગ્ન

૨૭ ફેબ્રુ. : રૂ.૫૦૦,        લગ્ન બાદ સુહાસના પ્રથમ જન્મદિવસની ઉજવણી

માર્ચ : રૂ.૧૦૦૦,           રજનીનો પગાર વધ્યો

૨૦ માર્ચ : રૂ.૨૦૦૦,         અમારો પહેલો સહ-વિદેશ પ્રવાસ - લક્ષદ્વીપ

૧૫ એપ્રિલ : રૂ. ૧૦૦૦૦,  રજની પ્રેગનન્ટ થઈ!

જૂન : રૂ. ૧૦૦૦,           સુહાસને પ્રમોશન મળ્યું

---

---

વગેરે વગેરે

પણ પછી તો સમય વહેતો ચાલ્યો તેમ તેમનાં લાગણીના પ્રવાહમાં ઓટ આવતી ગઈ અને તેઓ નાની નાની વાતોમાં ઝઘડવા માંડ્યા.તેમની વચ્ચે શબ્દોની આપલે ઓછી થવા માંડી.એક સમય તો એવો આવ્યો જ્યારે તેમને એકબીજા માટે લાગ્યું કે તેઓ જગતના સૌથી ખોટા પાત્ર સાથે પરણવાની ભૂલ કરી બેઠા. તેમની વચ્ચેના પ્રેમનું સ્થાન પસ્તાવાએ લઈ લીધું.

છેવટે એક દિવસ રજનીએ તેની માતાને કહ્યું:"મમ્મી હવે મારાથી સહન નથી થતું.અમે સહમતિથી છૂટા પડવાનું નક્કી કર્યું છે.મને સમજાતું નથી મેં સુહાસ જેવી વ્યક્તિ સાથે કઈ રીતે અને શા માટે લગ્ન કર્યાં?"

તેની મમ્મીએ કહ્યું:"તારી ખુશીમાં અમારી ખુશી છે બેટા. જો તારાથી વધુ સહન થતું હોય તો તારો છૂટા પડવાનો નિર્ણય પણ અમે વધાવી લઈશું. પણ તારે પહેલા એક કામ કરવાનું છે. તને મેં તારા લગ્ન સમયે પેલું ખાતુ ખોલાવી આપેલું યાદ છે? ખાતામાંથી બધાં રૂપિયા ઉપાડી લે અને તે વાપરી નાંખ. તારે તારા નિષ્ફળ લગ્નજીવનની એક પણ સ્મૃતિ બાકી રાખવી જોઇએ નહિ."

રજનીને થયું મમ્મીની વાત સાવ સાચી છે.તેણે તે ખાતુ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો.તે બેન્કમાં ગઈ. પૈસા ઉપાડવા માટેની લાંબી કતારમાં ઉભી ઉભી  સમય પસાર કરવા તે પોતાની પાસબુકની નોંધો વાંચવા માંડી. તે એક પછી એક નોંધ વાંચતી ગઈ અને ભૂતકાળની મીઠી મધુરી સ્મૃતિઓ તેની આંખ સામે ફિલ્મ ના દ્રષ્યની જેમ તાજી થવા માંડી. તેનું મન અનેરી પ્રસન્નતાથી છવાઈ ગયું. તેની આંખના ખૂણા હર્ષાશ્રુથી ભીના બન્યાં.તે કતારમાં ઉભી રહી શકી અને દોડીને ઘેર આવી ગઈ.તેણે ઘરે આવી પાસબુક સુહાસને આપી અને તેણે છૂટાછેડા પહેલાં ખાતાની બધી રકમ તેને વાપરી નાંખવાની સૂચના આપી.

બીજા દિવસે સુહાસે રજનીને તે પાસબુક પાછી આપી.તેણે જોયું તો એમાં પાંચ હજાર રૂપિયાની નવી એન્ટ્રી હતી જેની સામે નોંધમાં લખ્યું હતું : દિવસ જ્યારે મને સમજાયું કે બધાં વિતેલા વર્ષોમાં આપણે કેટલો પ્રેમ એક બીજાને કર્યો હતો અને એક બીજાના જીવનમાં કેટલી ખુશી આણી હતી.

તેઓ એકબીજાને ભેટી પડ્યાં. બંને ની આંખોમાં અશ્રુઓ હતાં. ફરી તેમણે પાસબુક સાચવીને સલામત જગાએ મૂકી દીધી. ખબર છે છેવટે ખાતામાં કેટલી રકમ જમા થઈ હતી? જાણવું અગત્યનું નથી,અગત્યનું છે કે ખાતા અને તેની પાસબુકની નોંધોએ તેમની વચ્ચે પ્રેમ ફરી જીવિત કરી દીધો હતો અને પછી વર્ષો સુધી પ્રેમ અને સુખપૂર્વક એકમેક સાથે રહ્યાં.

જ્યારે તમે પડી જાવ છે ત્યારે જગાએ જુઓ જ્યાં તમે પડ્યા પણ જ્યાંથી તમારા પડવાની શરૂઆત થઈ હતી ધ્યાનમાં લો. જીવનમાં થયેલી ભૂલો સુધારી શકાય છે. પ્રેમમાં ફરી પડી શકાય છે


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫નાં 'ઇન્ટરનેટ કોર્નર'માં છપાયેલ એક પ્રેમકહાની ખુબ સારી હતે.આજની પેઢીના યુવાન-યુવતિઓએ તે ખાસ વાંચવી જોઇએ જેથી તેઓ લગ્નજીવન-સહજીવનનો મહામૂલો પથ શિખી શકે.
    - ભદ્રા છેડા

    ReplyDelete