Friday, February 28, 2014

ઘણાં વર્ષો પહેલાં હાથ હલાવી કરેલું અભિવાદન


              દવાની દુકાનેથી જ્યારે હું પૈસા ચૂકવી મારી દવાઓ લઈ પાછી ફરવા જતી હતી ત્યારે યુવાન કેશિયરે મને પૂછ્યું,"તમે શ્રીમતી સદગુણા મહેતા ને?" ઉત્સાહ અને ઉત્સુકતા ભર્યાં સ્મિત સાથે મેં હકારમાં માથું ધૂણાવ્યું. તેણે પૂછ્યું,"શું હું તમને યાદ છું?" તેના શર્ટ પર તેના નામની પટ્ટી ચોડેલી હતી તેના પરથી વાંચીને મેં કહ્યું,"વિનય." અને સાંભળી તે યુવાનનો ચહેરો એવાં સ્મિતથી શોભી ઉઠ્યો કે મારે તેને સાચું કહી દેવું પડ્યું કે મેં તેને ઓળખ્યો નથી.
                તેણે કહ્યું કે તે જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે તે સ્કૂલે જતી બસમાં મારી દિકરી સાથે એક સીટ પર બેસતો. તેણે આગળ જણાવ્યું, "તમે એકમાત્ર એવી વ્યક્તિ હતાં જેમણે મારી સામે હંમેશા હાથ હલાવી મારૂં અભિવાદન કર્યું હતું."
                સાંભળતાં મારૂં હ્રદય ભરાઈ આવ્યું અને લીલી છમ્મ લાગણીથી ભીંજાઈ ગયું.
                મને વિચાર આવ્યો કે તેના બાળપણમાં તે એકલતાની કેટલી વેદના અનુભવતો હશે કે મેં હાથ હલાવી કરેલું સાવ સામાન્ય અભિવાદન તેને આટલાં વર્ષો સુધી યાદ રહ્યું હશે. મારી સાવ ક્ષુલ્લક લાગતી ચેષ્ટાએ તેના જીવનમાં કેટલો અગત્યનો ભાગ ભજવી તેને કેટલી ખુશી આપી હશે કે આટલાં વર્ષો બાદ પણ મને મારા નામથી બોલાવી રહ્યો હતો!
                હું ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ અને મને કોઈ તરફથી મળેલી સર્વોત્તમ ભેટ હતી.

 ('ઈન્ટરનેટ પરથી')
********************************************
'ઇન્ટરનેટ કોર્નર'નાં દસ વર્ષની સફર...
પ્રિય વાચકમિત્રો,
                જોતજોતામાં આજે 'ઇન્ટરનેટ કોર્નર'ને દસ વર્ષ પૂરાં થઈ ગયાં! ઇન્ટરનેટ મહાસાગર સમાન છે અને તેમાંથી સરસ મજાની વાતોરૂપી મોતી શોધી કાઢી તમારાં સૌ સાથે માણતાં માણતાં ક્યારેય એક આખો દસકો પૂરો થઈ ગયો તેની ખબર પડી!
                કટાર પર આધારીત પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખોની ચાર આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે તમારાં પ્રેમ અને શુભાશિષ વગર શક્ય બન્યું હોત  અને હવે શ્રેણી પર આધારીત ત્રણ નવા પુસ્તકો પણ તૈયાર થઈ રહ્યાં છે તેનાં નામો શું રાખવા નક્કી કરવામાં તમારાં સૌ પાસેથી મદદની અપેક્ષા રાખું છું.મને ઇમેલ અથવા મોબાઈલ પર જણાવશો તો તમારો આભારી રહીશ. તમારા મૂલ્યવાન પ્રતિભાવોનો ધોધ પણ વહાવ્યે રાખજો એમાં ડૂબકી મારીને હું પ્રેરણા પામતો રહું છું વધુ સારા લેખો લખવા માટે!
                સારા વિચારો ઇશ્વર આપણને સૌને આપતાં રહે અને એનો ફેલાવો આપણે કરતાં રહી આપણું અને આસપાસનાં સૌનું જીવન સુંદર અને સુખાકારી બનાવતા રહીએ એવી અભ્યર્થના...
આભાર!                                                 
- વિકાસ ઘનશ્યામ નાયક

No comments:

Post a Comment