Tuesday, September 24, 2013

આપણે ગુસ્સામાં શા માટે મોટેથી બોલીએ છીએ?


એક સાધુ મહાત્મા તેમના કેટલાક શિષ્યો સાથે ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા.ત્યાં તેમણે નદી કાંઠે એક પરિવારના સભ્યોને મોટેથી બરાડા પાડી ઝઘડતાં જોયાં.તેઓ પોતાના શિષ્યો તરફ સ્મિત કરતાં બોલ્યા,"તમને ખબર છે લોકો ગુસ્સામાં હોય ત્યારે મોટે મોટેથી બરાડા પાડીને કેમ એકબીજા સાથે વાત કરે છે?"

શિષ્યોએ થોડો વિચાર કર્યો. થોડી વાર પછી એક શિષ્યે જવાબ આપ્યો,"આપણે મગજ પરનો કાબૂ ગુમાવી બેસીએ છીએ. તેથી બરાડા પાડીએ છીએ."

મહાત્મા બોલ્યા,"પણ સામેની વ્યક્તિ તમારી બાજુમાં હોય છે તો પછી મોટેથી શા માટે બોલવું જોઇએ? તમારે જે કંઈ કહેવું હોય તે ધીમા અવાજે હળવાશથી પણ કહી શકાય ને?"

અન્ય શિષ્યોએ પણ બીજા જવાબ આપવા પ્રયાસ કર્યાં પણ કોઈ મહાત્માને સંતોષકારી ઉત્તર આપી શક્યું નહિ.

છેવટે મહાત્માએ સ્મિત સહ સમજાવ્યું,"જ્યારે બે વ્યક્તિઓ એકમેક પર ગુસ્સો કરે ત્યારે તેમના હ્રદય એકબીજાથી દૂર થઈ જાય છે. અંતરને  લીધે એકબીજા સુધી પહોંચવા,એકબીજાને પોતાનો મુદ્દો સમજાવવા તેમને જોરથી બોલવાની જરૂર પડે છે. જેથી તેઓ એકબીજાને સાંભળી શકે. તેઓ એકબીજાથી જેટલા વધારે ગુસ્સે હશે  તેટલું તેમની વચ્ચે અંતર વધારે હશે અને તેમણે એકબીજાને સાંભળી-સમજી શકવા એટલા વધુ જોરથી બોલવું પડશે.

જ્યારે બે જણ એકબીજાના પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ એકબીજા સાથે બરાડા પાડી વાત નથી કરતાં,એકબીજા સાથે અતિ ધીમેથી બોલે છે. કારણ તેમના હ્રદય એકમેકથી અતિ નજીક હોય છે.તેમની વચ્ચેનું ભૌતિક અંતર પણ નહિવત  હોય છે."

મહાત્મા આગળ બોલ્યા,"જો બે પ્રેમીઓ વચ્ચેનો પ્રેમ ઓર વધી જાય, હજી વધુ ઉત્કટ બની જાય તો શું થાય? તેમણે માત્ર ગણગણવાની જરૂર પડે છે એકમેક સાથે વાત કરવા અને તેમની વચ્ચેનું અંતર ઓર વધુ ઘટી જાય છે...છેવટે પ્રેમ વધતા વધતા એક અવસ્થા એવી આવે છે જ્યારે તેમણે વાતચીત કરવા શબ્દો પર પણ આધાર રાખવો પડતો નથી.તેઓ એકબીજા સાથે માત્ર આંખોના ઇશારાથી  વાતચીત કરી શકે છે. એકબીજાને  ઉત્કટ પ્રેમ કરતી વ્યક્તિઓ એકબીજાથી આટલી બધી નજીક આવી જાય છે."

તેમણે શિષ્યો તરફ ફરી સ્મિત કર્યું અને બોલ્યા,"આથી હવે તમે જ્યારે એકબીજા સામે દલીલ કરો ત્યારે એકબીજાના હ્રદય વચ્ચે અંતર વધવા દેશો.એવા વેણ કાઢશો જે તમને એકમેકથી વધુ દૂર લઈ જાય, નહિતર એક દિવસ એવો આવશે જ્યારે તમારી વચ્ચેનું  અંતર એટલું બધું વધી ગયું હશે કે તે સ્થિતીમાંથી પાછા ફરવાનો માર્ગ નહિ બચ્યો હોય."


 ('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment