Saturday, October 27, 2012

આપણે આનંદ ખોઈ બેસીએ છીએ.

એક વાર એક રાજા હતો જે તેના અપાર વૈભવ અને આરામદાયી શ્રીમંત જીવનશૈલી છતાં સુખી અને સંતુષ્ટ નહોતો.

એક દિવસ તેણે એક નોકરને જોયો જે હસતા હસતા ગાયે જતો હતો અને તેનું કામ કર્યે જતો હતો.

આ જોઈ રાજાને ખૂબ નવાઈ લાગી.તેને વિચાર આવ્યો કે પોતે એ સમગ્ર પ્રદેશનો મોટો શાસક હોવા છતાં દુ:ખી અને ઉદાસ હતો જ્યારે પેલો તુચ્છ નોકર ગરીબ હોવા છતાં કેટલો સુખી હતો.

રાજાએ તે નોકરને સીધું જ પૂછી લીધું:"તુ આટલો બધો આનંદિત કેમ છે?"

તે નોકરે જવાબ આપ્યો,"રાજાજી,હું તો એક મામૂલી નોકર છું.મારા કુટુંબ અને મારી જરૂરિયાત ખૂબ ઓછી છે.અમને માત્ર માથે એક છત અને પેટ ભરવા થોડા ધાનની જરૂર પડે છે."

રાજાને નોકરના એ જવાબથી સંતોષ થયો નહિ.આથી તેણે પોતાના વિશ્વાસુ સલાહકારોને બોલાવ્યા અને તેમની સાથે મસલત કરી.રાજાની વિમાસણ અને નોકરની પૂરી વાત સાંભળ્યા બાદ મંત્રીઓએ કહ્યું"રાજાજી અમારૂં માનવું એવું છે કે તમારો આ નોકર ૯૯મંડળનો ભાગ નથી."

રાજાને વધારે વિસ્મય થયું.આ વળી ૯૯મંડળ શું છે?

મંત્રીઓએ જણાવ્યું,"રાજાજી તમારે જો ૯૯મંડળનું રહસ્ય જાણવું હોય તો ૯૯ સોનામહોરો એક કોથળીમાં ભરો અને તે તમારા નોકરના ઘરના દરવાજે મૂકી દો!"

રાજાએ એ પ્રમાણે કર્યું અને જ્યારે નોકરે એ થેલી જોઈ કે તેણે તરત એ પોતાના ઘરમાં લઈ લીધી.થેલી ખોલતાં જ સોનામહોરો જોતાં તેના આશ્ચર્ય અને હર્ષનો પાર ન રહ્યો.તેણે એ ગણી નાખ્યાં.બેચાર વાર ગણ્યા બાદ જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે થેલીમાં ૯૯ સોનામહોરો હતી તેણે સ્વગત પ્રશ્ન કર્યો:"સો સોનામહોર હોવી જોઇએ.તેમાંથી એક સોનામહોર ક્યાં ગઈ હશે?કોઈ થેલીમાં ૯૯ સોનામહોર શા માટે મૂકે?"

તેણે બાકીની એક સોનામહોર શોધવાના અથાગ પ્રયત્નો કર્યા પણ એ તેને ક્યાંયે જડ્યો નહિ.છેવટે તેણે નિર્ણય લીધો કે તે ખૂબ મહેનત કરીને પણ વધુ કમાશે અને બાકીની એક સોનામહોર ખરીદી સોનામહોરની સોની સંખ્યા પૂર્ણ કરશે.એ દિવસ પછી તે નોકરનું જીવન સાવ બદલાઈ ગયું.

તે હદ બહારની મહેનત કરવા માંડ્યો.તેથી તે ક્રોધમાં રહેવા માંડ્યો.તેણે તેના પરિવાર પ્રત્યે લક્ષ આપવાનું છોડી દીધું.સોમી સોનામહોર ખરીદવા જરૂરી મસમોટી રકમ ભેગી ન કરી શકવાને કારણે તેણે પોતાનો ગુસ્સો પોતાના પરિવારજનો પર ઠાલવવાનું શરૂ કર્યું.તેનું કામ કરતી વેળાએ ગીત ગાવાનું બંધ થઈ ગયું.

આ નોંધનીય પરિવર્તન જોઈ રાજા મૂંઝવણમાં પડી ગયો.ફરી તેણે પેલા સલાહકાર મંત્રીઓના વ્રુંદને એકઠું કર્યું.તેમણે કહ્યું,"રાજાજી હવે તમારો એ નોકર ૯૯મંડળમાં સામેલ થઈ ગયો છે. ૯૯મંડળ એવા લોકોનું બનેલું છે જેમની પાસે સુખી થવા માટે જરૂરી ધન હોવા છતાં તેઓ ક્યારેય સંતુષ્ટ થતા નથી.કારણ તેઓ સદાય ઝૂરતા રહે છે,સતત એક વાતનું રટણ કરતા : બસ મને એ એક છેલ્લી વસ્તુ પ્રાપ્ત કરી લેવા દે,પછી હું જીવનભર માટે સુખી થઈ જઈશ."

આપણે જીવનમાં અલ્પ દ્વારા પણ સુખી થઈ શકીએ છીએ પણ જેવું આપણને કંઈક મોટું અને સારુ પ્રાપ્ત થાય છે કે તરત આપણને વધુ મેળવવાની ઝંખના જાગે છે. આપણે ઉંઘ ગુમાવી બેસીએ છીએ. આપણો આનંદ ખોઈ બેસીએ ચીએ.આપણા નિકટજનોને દુ:ખ પહોંચાડવા માંડીએ છીએ. આપણી વધતી જતી એષણાઓ,લાલચ અને જરૂરિયાતોની આવી મોંઘી અને આકરી કિંમત આપણે ચૂકવીએ છીએ. આ છે ૯૯ના મંડળનું રહસ્ય."

No comments:

Post a Comment