Wednesday, September 19, 2012

માર્ગમાં અડચણ

ઘણાં વર્ષો પહેલાં એક રાજાએ એક વાર પોતાના નગરમાં પ્રજાની કસોટી કરવા મુખ્ય માર્ગની વચ્ચોવચ એક મોટો પથ્થર મૂકાવ્યો.પછી તે થોડે દૂર એક ઝાડ પાછળ સંતાઈને જોવા લાગ્યો કે કોઈ એ પત્થરને હટાવે છે કે નહિં.રાજાના કેટલાંયે ઓળખીતા શ્રીમંત વેપારીઓ અને દરબારીઓ તે પત્થર પાસેથી પસાર થઈ ગયાં પણ કોઇએ એ પત્થર માર્ગ વચ્ચેથી ખસેડ્યો નહિં.કેટલાક નગરજનોએતો રાજાને માર્ગની યોગ્ય દેખરેખ ન રાખતો હોવાની નિંદા કરી રાજાને ગાળો પણ ભાંડી પણ કોઇએ અન્ય વિશે ન વિચાર્યું અને માર્ગ વચ્ચે નડી રહેલા એ પત્થરને ખસેડી બાજુ પર ન મૂક્યો.


થોડાં સમય બાદ એક ગરીબ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતો ભોળો ગામડિયો ત્યાંથી પસાર થયો.તેના માથે શાકભાજી ભરેલો મોટો વજનદાર ટોપલો હતો.પણ જેવી તેની નજર રસ્તા વચ્ચે પડેલા અડચણરૂપ પથરા પર પડી કે તરત તેણે પોતાનો ટોપલો માથા પરથી નીચે ઉતારી બાજુ પર મૂક્યો અને તે પથરો તેણે ઉપાડી રસ્તાની એક બાજુએ કોઈને નડે નહિં એ રીતે મૂકી દીધો. પથરો મોટો હતો અને તેને ખસેડી,ઉપાડતા એ ગરીબ શાકભાજીવાળાને ખાસ્સો શ્રમ પડ્યો અને તે પસીને રેબઝેબ થઈ ગયો. પણ તે ફરી પોતાનો બાજુએ મૂકેલો ટોપલો લેવા પાછો ફર્યો ત્યારે તેનું ધ્યાન તેણે ખસેડેલા પત્થર નીચે ઢંકાઈને પડેલી સોનામહોર પર પડી. ગરીબ પણ પ્રમાણિક એવો તે શાકભાજીવાળો સોનામહોર જોઈ વિચારમાં પડી ગયો ત્યાં જ રાજાએ તેની પાસે આવી એ મહોર પોતે ઉપાડી તેને ભેટમાં આપી અને એ તેને માનભેર રાજમહેલમાં લઈ ગયો અને દરબાર વચ્ચે એણે તેનું બીજી પચાસ સોનામહોર ભેટમાં આપી.

ઘણી વાર જીવનમાં અડચણ આપણાં માટે સુવર્ણ તક સમાન સાબિત થતી હોય છે.આપણે માત્ર પોતાના અંગત સ્વાર્થનો વિચાર ન કરતાં બીજાઓના ભલાનો વિચાર પણ કરવો જોઇએ.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment