Saturday, June 16, 2012

આંતરિક સાચી ઓળખ

એક વાર એક માણસ કોઈ દરિયા કિનારે ભટકતા ભટકતા ત્યાં રહેલી એક ગુફામાં જઈ ચડ્યો. ત્યાં ગુફામાં તેને એક ગુણી મળી જેમાં કેટલાક માટીના ગોળ દડા જેવા ગુલ્લા હતાં.એવું લાગતું હતું જાણે કોઈએ સૂર્યપ્રકાશમાં તપાવી આ ગુલ્લા, ભઠ્ઠીમાં જેમ ભઠિયારો ઈંટ પકવે તેમ તપાવીને તૈયાર કર્યા હતાં. આ ગુલ્લામાં પેલા માણસને કંઈ વિશેષ ન જણાયું. પણ તે અમસ્તો જ એ ગુણી પોતાની સાથે ગુફાની બહાર લઈ આવ્યો.


તે દરિયા કિનારે આંટા મારતા મારતા સમય પસાર કરવા, માટીના ગુલ્લા એક પછી એક પોતાનાથી બની શકે એટલા દૂર દરિયામાં ફેંકવા લાગ્યો. તેણે વગર કંઈ વિચાર્યે જ આ પ્રક્રિયા ચાલુ રાખી.પણ ત્યાં એક ગુલ્લુ દરિયામાં એકાદ ખડક પર અફળાયું અને તેના પર રહેલું માટીનું પડ તૂટી જતા તેની નજરે પડ્યું. ખડક પર તે ગુલ્લામાંથી નિકળેલી સોનામહોર ચમકી રહી હતી. તેણે હવે પોતાની પાસે બચેલા થોડાં જ ગુલ્લા પૈકી એકને પત્થર સાથે જોરથી અફાળી તોડી પાડ્યું અને તેમાંથી પણ સોના મહોર બહાર નિકળી. તેણે બાકી બચેલા બધાં ગુલ્લા આ રીતે તોડી પાડ્યા અને તે દરેકમાંથી સોના મહોર નિકળી.

તેને ભાન થયું કે તેણે પચાસથી સાંઠ ગુલ્લા દરિયામાં દૂર ફેંકી દઈ તેટલી સોનામહોરો ગુમાવી દીધી હતી. તેના હાથમાં માત્ર દસ-બાર સોનામહોરો જ આવી. લાખો રૂપિયા મેળવી શકવાને બદલે તેણે માત્ર થોડાં હજાર રૂપિયાના મૂલ્યની મહોરો થી જ સંતોષ માનવો પડ્યો.

કેટલીક વાર આપણી આસપાસના માણસોની બાબતમાં પણ આમ જ બનતું હોય છે.આપણે બીજા સામે જોઇએ કે ઘણી વાર તો આપાણી પોતાની જાત સામે પણ જોઇએ ત્યારે આપણને પેલું બહારનું માટી જેવું આવરણ જ નજરે પડે છે. જેના કારણે ઉપરછલ્લી દ્રષ્ટી એ જ જોતાં અંદરના ખરા ગુણો,મૂલ્યો વગેરેનો ખ્યાલ નથી આવતો.બહારનું પડ સુંદર કે ચકચકિત ન હોવાને કારણે આપણે તેને ગણકારતાં નથી.આપણે ફક્ત બહારથી ટીપટોપ, ફેશનેબલ કે સ્ટાઈલીશ દેખાતી કે સમ્રુદ્ધ વ્યક્તિને વધારે મહત્વની ગણીએ છીએ.

પણ આપણે તે વ્યક્તિની અંદર ભગવાને છૂપાવેલા ખજાનાને પિછાણવાની કોશિશ નથી કરતા.આ છૂપો ખજાનો આપણાં દરેકમાં રહેલો હોય છે.આપણું શરીર જ નહિં આપણું આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ અતિ મૂલ્યવાન હોય છે જે પેલા ગુલ્લા પરના માટીના આવરણની જેમ બાહ્ય પડથી ઢંકાયેલું હોય છે.

પણ જો તમે એ અંદરની ખરી વ્યક્તિને જાણવા પ્રયત્ન કરશો અને જો તેની આધ્યાત્મિક ઓળખ કેળવવા પ્રયત્ન કરશો તો પેલી માટી ખરી પડશે અને તમારું આંતરિક વ્યક્તિત્વ ઝળહળા પ્રકાશથી ચમકી ઉઠશે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment