Saturday, April 21, 2012

પારસમણિ

કહેવાય છે કે જ્યારે એલેક્સેન્ડ્રિયાનો ગ્રંથાલય બળીને રાખ થઈ ગયો ત્યારે માત્ર એક પુસ્તક બચી જવા પામ્યું. પણ આ પુસ્તક કોઈ ખ્યાતનામ ગ્રંથ નહોતો અને આથી એક ગરીબ માણસ જે બરાબર વાંચી પણ શકતો નહોતો, તેને સાવ થોડા રૂપિયા આપી ખરીદી ગયો.


આ પુસ્તક કંઈ ખાસ રસ પડે તેવું નહોતું પણ તેના પાનાઓ વચ્ચે જરૂર રસપ્રદ એવી એક વાત છૂપાયેલી હતી.એક જગાએ ઉપસેલા અક્ષરોમાં ખાસ અલગ રંગના અક્ષરોમાં આ પુસ્તકમાં 'પારસમણિ'નું રહસ્ય છપાયેલું હતું.

પારસમણિ એક એવો નાનકડો ગોળ કાંકરો હતો જેના સ્પર્શ માત્રથી ગમે તે ધાતુનું સોનામાં પરિવર્તન થઈ જાય.પુસ્તકના લખાણમાં એવી માહિતી હતી કે આ પારસમણિ તેના જેવા જ દેખાતા અન્ય હજારો-લાખો કાંકરા વચ્ચે એક ખાસ દરિયા કાંઠે પડેલો હતો. પણ રહસ્ય એ હતું કે બીજા બધાં કાંકરાઓ કરતાં પારસમણિ અડીએ તો સહેજ વધુ ગરમ લાગે, અન્ય કોઈ પણ કાંકરો સ્પર્શે સાવ ઠંડો લાગે.

માણસ તો આ વાંચી પોતાનું જે કંઈ થોડુંઘણું રાચરચીલું હતું તે વેચી દઈ, પોતાની સાથે સાવ ઓછો જરૂરિયાત જેટલો જ સામાન લઈ નિકળી પડ્યો પુસ્તકમાં લખેલી જગાએ - દરિયા કિનારે, પારસમણિની શોધમાં. તેણે તો દરિયાકિનારે જ તંબુ બાંધ્યો અને તે આસપાસ પડેલા કાંકરા તપાસવા માંડ્યો.

તેને લાગ્યું કે જો તે સામાન્ય કાંકરો ઉપાડી તે ઠંડો જણાય તો તેને નીચે નાંખી દેતા ફરી તે બીજા હજારો કાંકરામાં ભળી જશે અને તે લાખો પ્રયત્ન છતાં સાચા પારસમણિને શોધી શકશે નહિં.આથી તે જે જે કાંકરો હાથમાં લઈ સ્પર્શે ઠંડો જણાય તેને દરિયામાં નાંખી દેવા લાગ્યો. આખો એક દિવસ આમ કાંકરા ચકાસવામાં નિકળી ગયો અને તેણે હજારો સામાન્ય કાંકરા દરિયામાં પધરાવી દીધા પણ પારસમણિ તેના હાથે લાગ્યો નહિં.પણ તે નિરાશ થયો નહિં.તેણે થાક્યા વગર 'કાંકરો ઉપાડવો - તે ઠંડો છે એમ જાણવું - તેને દરિયામાં નાખી દેવો - ફરી નવો કાંકરો ઉપાડી ચકાસવો' આ પુનરાવર્તી પ્રક્રિયા ચાલુ રાખી.

આજ રીતે દિવસોના દિવસો, સપ્તાહોના સપ્તાહો અને મહિનાઓના મહિનાઓ વિતી ગયાં.આખરે એક દિવસ બપોરે તે માણસના હાથમાં એક કાંકરો આવ્યો જે સ્પર્શે બીજા બધાં કાંકરાઓ કરતાં ગરમ હતો.પણ હજી એ અનુભવે કે તે શું કરવા જઈ રહ્યો છે કે તેણે શું કરવું જોઇએ, તેણે આ કાંકરાનો પણ સીધો દરિયામાં ઘા કરી દીધો.

મહિનાઓ સુધી એકની એક પ્રક્રિયા કરી તેને એટલી હદે કાંકરા દરિયામાં ફેંકવાની આદત પડી ગઈ હતી કે તેણે જ્યારે, જેની શોધમાં તે આટલી આકરી મહેનત કરી રહ્યો હતો તે પારસમણિ હાથમાં આવ્યો ત્યારે તેને પણ સામાન્ય કાંકરો સમજી દરિયામાં ફેંકી દીધો.

આવું જ આપણાં જીવનમાં આવતી તકોનું હોય છે.જો આપણે સતત જાગૃત ન હોઇએ તો કઈ ઘડીએ આવેલી ક્ષણ હાથમાંથી છટકી જાય એ કોઈ જાણી શકતું નથી.આપણે પોતે જ જાણ્યે-અજાણ્યે તેને જતી કરી દેતાં હોઇએ છીએ.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment