Saturday, April 14, 2012

ડોન્ટ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ...

[આજકાલ દારૂ પીને ગાડી ચલાવી બીજા નિર્દોષ લોકોની હત્યા કરવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે આજે ઇન્ટરનેટ કોર્નરની આ કવિતા દ્વારા આમ કરનાર લોકોની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે.વાંચીને તે તમારા પરિવારના અન્ય સભ્યોને,મિત્રોને અને સ્નેહીજનોને વંચાવજો...રખે ને કોઈની જાન બચાવવામાં આપણે સહભાગી બનીશું..]


હું પાર્ટીમાં ગયેલો, મોમ

મને યાદ છે તે શું કહેલું,

તે મને દારૂથી દૂર રહેવા કહેલું મોમ,

અને એટલે મેં ફક્ત સોડા પીધી...



મને અંદરથી ગર્વનો અનુભવ થતો હતો, મોમ

તે કહેલું ને હું અનુભવીશ, એમ જ!

મેં દારૂ નહિં પીને જ ડ્રાઈવ કર્યું, મોમ

મારા મિત્રોએ મને ખૂબ આગ્રહ કર્યો તેમ છતાં...



હું જાણું છું કે મેં (આમ કરીને) યોગ્ય જ કર્યું, મોમ

હું જાણું છું કે તુ સદાય મને સાચી અને સારી જ સલાહ આપતી હોય છે.

હવે પાર્ટી પૂરી થઈ ગઈ, મોમ

ને બધા પોતપોતાની ગાડી ડ્રાઈવ કરી ઘેર જવા માંડ્યા.



હું પણ આપણી ગાડીમાં બેઠો, મોમ

એમ ધારીને કે હું સહી સલામત પાછો ઘેર પહોંચી જઈશ

કારણ તે જે રીતે મને ઉછેરી મોટો કર્યો છે, મોમ

એક મીઠડો પણ જવાબદાર યુવાન...



મેં હળવેથી ડ્રાઈવ કરવું શરૂ કર્યું, મોમ

પણ થોડી જ ક્ષણો બાદ હું જ્યારે હાઈવે પર આવ્યો,

બીજી એક ગાડીએ મને કે મારી ગાડીને ન જોયાં, મોમ

અને હું કોઈ નિર્જીવ પત્થર હોઉં એમ તેણે મને કચડી નાંખ્યો…



હું જ્યારે ફંગોળાઈને રસ્તાની એક બાજુએ જઈ પડ્યો મોમ

ત્યારે મેં પોલિસને એમ કહેતા સાંભળ્યો કે

એ બીજી ગાડી વાળો પીધેલો હતો, મોમ

અને એની સજા ભોગવી રહ્યો હતો હું...



હવે થોડી જ ક્ષણોમાં હું પરમધામે પહોંચી જઈશ, મોમ

હું હ્રદયના ઉંડાણથી ઇચ્છું છું કે એ પહેલા એક વાર તું આહિં આવી પહોંચે,

મારી સાથે આવું શી રીતે બન્યું મોમ?

મારું જીવન એક ફુગ્ગાની જેમ ફૂટી ગયુ...



મારી આજુબાજુ લોહી જ લોહી છે,મોમ

અને એ મારું પોતાનું જ લોહી છે

મેં ડોક્ટરને કહેતાં સાંભળ્યા,મોમ

કે થોડી જ વારમાં હું મરી જઈશ...



મારે તને માત્ર એટલું જ જણાવવું છે, મોમ

કે મેં દારૂનું સેવન કર્યું નથી

એ બીજાઓ હતાં જેમણે એમ કર્યું હતું મોમ...

જેમણે વિવેકબુદ્ધિ ગુમાવી બીજાઓનો વિચાર પણ કર્યો નહિં...



જેની ગાડીએ મને કચડી નાંખ્યો

એ યુવાન પણ મારી સાથે જ પાર્ટીમાં હતો

પણ ફરક માત્ર એટલો જ હતો કે

તેણે દારૂ પીધો અને મરી જઈશ હું..



લોકો શા માટે પીતા હશે મોમ?

દારૂનું સેવન તમારા આખા જીવનને બરબાદ કરી નાંખે છે

હવે મને ખૂબ પીડા થઈ રહી છે, મોમ

જાણે મારા શરીર પર કોઈ ચાકુના ઘા કરી રહ્યું હોય...



એ યુવાન જેણે મને કચડી નાંખ્યો એ ચાલી રહ્યો છે, મોમ

અને હું નથી માનતો કે આ બરાબર છે

હું અહિં મરી રહ્યો છું અને કંઈ કરી શકું છું

તો એટલું જ કે માત્ર તેને તાકી રહેવું…



ભાઈને કહેજે કે એ બહુ રડે નહિં મોમ

અને પપ્પાને કહેજે કે તે હિંમત રાખે...

અને હું જ્યારે સ્વર્ગે સિધાવું ત્યારબાદ

મારી કબર પર લખાવજે 'ગુડ બોય'



કોઈકે પેલા યુવાનને પણ કહેવું જોઈતું હતું કે

તે દારૂ પીને ગાડી ન ચલાવે

જો કોઈકે તેમ કર્યું હોત તો

આજે હું મૃત્યુને બિછાને ન પડ્યો હોત...



હવે મારા શ્વાસ રૂંધાય છે મોમ

મને ડર લાગી રહ્યો છે…

મહેરબાની કરીને તું રડતી નહિં મોમ

જ્યારે જ્યારે મને તારી જરૂર હતી એ દરેક ઘડીએ તું મારી પડખે હતી…



મારે એક અંતિમ પ્રશ્ન પૂછવો છે, મોમ

હું અલવિદા કહી દઉં આ ફાની દુનિયાને એ પહેલાં...

મેં તો દારૂ પીને ગાડી હંકારી નહોતી

તો પછી મારું મૃત્યુ શા માટે મોમ?



કોઈકે આ કવિતા લખવાની જહેમત ઉઠાવી છે લોકોને માત્ર એટલું જ સમજાવવા કે દારૂ પીને ડ્રાઈવ કરશો નહિં. મહેરબાની કરી ડ્રિંકિંગ અને ડ્રાઈવિંગની ભેળસેળ કરશો નહિં...

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment