Friday, October 21, 2011

એ. આર. રહેમાન પાસેથી શીખવા જેવી પાંચ વસ્તુઓ (ભાગ - ૨)

૩.તમારા આત્માને જીવંત રહેવા દો


ભારતીય સિનેજગત અને સંગીત વિશ્વની મક્કા ગણાતી સ્વપ્નમયી મુંબઈ નગરી - એવું સતત ધબકતું શહેર જ્યાં પ્લાસ્ટીકી સંવેદનાઓના આવરણ મઢ્યા માણસોનાં ચહેરા પર કૃત્રિમ સ્મિત ફરકતું રહેતું હોય છે,જ્યાં માણસની કિંમત નથી,તેના જીવનની કિંમત નથી અને જ્યાં નફરતની છૂરીઓ જાહેરમાં અને છૂપી રીતે ફરતી રહેતી હોય છે. આ મોટા શહેરમાં દેશભરમાંથી હજારો સંગીતકારો આવે છે અને સારું-ખરાબ ગમે તેવું સંગીત પીરસી પેટિયું રળવા જેટલું તો કમાઈ જ લે છે.રહેમાન જેવા સબળા સંગીતકાર માટે તો બોમ્બે અને રોજાની સફળતા બાદ અહિં આવીને વસવું અને મોટા ગજાના ફિલ્મકારો સાથે મળી કામ કરવું અતિ આસાન હતું,પણ એમણે તેમ ન કર્યું.તરત પ્રસિદ્ધી,પૈસા અને સફળતાને ગેરન્ટી આપતા વિકલ્પને નકારી તેમણે પોતાના ઘરને,પોતાના મૂળીયા પાસે જ રહેવાનું પસંદ કર્યું.

રહેમાનની સફળતાનું એક રહસ્ય તેમનું ઘેરથી,ચેન્નાઈથી કામ કરવું એ છે.ઘર એક એવું ઠેકાણું છે જ્યાં તમારું શરીર,તમારો આત્મા,તમારું મન અને તમારું હ્રદય હોય છે.રહેમાનના ચેન્નાઈ,તેમના ઘેર હોવાને કારણે મુંબઈના કેટલાંયે નકારાત્મક પરિબળો તેમને સ્પર્શ્યા નથી.

રહેમાનના ચેન્નાઈથી જ કામ કરવાને લીધે ફક્ત ઉત્તમ સંગીતના આગ્રહી હોય એવા સિનેસર્જકો જ તેમનો સંપર્ક સાધે છે નહિંતર અત્યાર સુધીમાં તો રહેમાનના સંગીત વાળી ફિલ્મોના આંકડાઓએ ઇતિહાસ સર્જી દીધો હોત!

ભગવાનની કૃપા છે કે રહેમાન મુંબઈના અન્ય સંગીત દિગ્દર્શકોથી હજાર ગણા જુદા છે! મુંબઈમાં,સંગીતકારો પોતાનો મોટા ભાગનો સમય સ્ટુડિયોની બહાર વિતાવે છે જ્યારે ખરી રીતે તેમણે પોતાનો મોટા ભાગનો સમય સ્ટુડિયોમાં પસાર કરવો જોઇએ. અહિં તો કોઈક સંગીતકાર એકાદી ફિલ્મનું 'સંગીત' રચે(!) અને એ બહાર પડે.પછી તો એ સંગીતકાર ૨-૩ મહિના માટે બહાર જુદી જુદી સંગીતની પાર્ટીઓમાં કે તેની કે અન્યોની ફિલ્મોના સંગીતના ઉદ્ઘાટન નિમિત્તે કે '૧૫ દિવસના રેકોર્ડ બ્રેક' વેચાણની પાર્ટીમાં કે તેના ગાયક કે ગાયિકાને કોઈક એવોર્ડ માટે નામાંકન મળ્યાની પાર્ટીમાં,પ્રેસ કોન્ફરન્સીસમાં કે ટી.વી. મુલાકાતોમાં વ્યસ્ત થઈ જાય છે. અને પછી એ સંગીતકાર એવા ગાયબ થઈ જાય છે કે તેમના અસ્તિત્વની કોઈ ભાળ મળતી નથી.

આ સંગીતકારો શું પ્રાપ્ત કરે છે? કેટલાકને તેમની પાછલી એકાદી સારી ફિલ્મના ક્રેડિટ પર થોડું ઘણું કામ મળ્યા કરે છે તો કેટલાકને સંબંધો અને સંપર્કના જોરે. કેટલાક વહેલી ઉંમરે જ રિટાયર્ડ થઈ જાય છે અને કેટલાક અભિનય કે અન્ય કોઈ કારકિર્દીમાં સેટ થઈ જાય છે.

સદનસીબે રહેમાન આ બધા સામાજિક પી.આર.(પબ્લિક રિલેશન્સ - જનસંપર્ક) પ્રોટોકોલ્સથી જોજનો દૂર ચેન્નાઈના કોડમ્બક્કમની એક સાંકડી ગલીમાં વસે છે. કોઈ જ પ્રકારના અંતરાય વગર રહેમાન પોતાના આરામદાયક ઘરમાં જ રહી પોતાની બધી સર્જનાત્મક શક્તિ પોતાના કામ પર, પોતાના ઉત્તમ કક્ષાના સંગીત પર કેન્દ્રિત કરી શકે છે.મારા પિતાએ એક વાર કહેલું,"રહેમાનને જો.તેણે એક પણ પ્રોજેક્ટ માટે પોતાનું ઘર છોડ્યું છે? આટઆટલી સફળ બોલિવૂડની ફિલ્મોમાં સંગીત પીરસવા છતાં તે મુંબઈ જતો રહ્યો છે?"

અને મને મારા પિતાની એ વાતે વિચાર કરતો કરી મૂક્યો હતો. તમારા વતનમાં જ રહીને તમે કામ કરતા હોવ,તમારા કુટુંબ સાથે રહીને - એ બહુ સારા નસીબની અને મોટી વાત છે.



૪ તમારા કામને બોલવા દો

હા, તમારા કામને બોલવા દો.ઘણી વાર લોકો તમને તમે જેવા દેખાઓ છો, તમે જેવા વસ્ત્રો પરિધાન કરો છો, તમારો ઉછેર જે રીતે થયો છે કે પછી તમે કેવી આર્થિક પરિસ્થિતીમાંથી આવો છો એ બદલ તમારી સતત અને સખત ટીકા કરશે.તમારી મજાક પણ ઉડાવશે અને તમને નવા નવા ઉપનામોથી બોલાવશે. તમારા ઉપરીઓ પાસેથી તમે જેવી અપેક્ષા રાખો છો તેવી મદદ મળશે નહિં.પણ જો તમારું મનોબળ દ્રઢ હશે તો તમે આ બધાથી અસર પામશો નહિં અને તમારું કામ તમારી સાચી ઓળખ આપશે.

મારા જીવનમાં પણ એક અતિ કપરો તબક્કો આવ્યો હતો અને મારે મારા સપનાને અધુરૂ મૂકી પુણે પાછા ફરવું પડેલું કારણ સંગીત જગતમાં મારો સિક્કો જામી રહ્યો નહોતો. મારા ખરાબ અનુભવો જ્યારે મેં ચેન્નાઈમાં રહેમાન સામે વર્ણવ્યા ત્યારે તે આશ્ચર્ય પામ્યા અને તેમણે મને સલાહ આપી કે જીવનપથ પર પોતાના લક્ષ્યોને સિદ્ધ કરવામાં અડચણો તો અનેક આવે પણ તેનાથી તમારે ડગી કે અટકી જવું જોઇએ નહિં.તેમણે મને તેમનું પોતાનું ઉદાહરણ આપ્યું. તેઓ જ્યારે તેમની કારકિર્દીની ટોચ પર હતા એ સમયે કેટલાક અતિ પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શકોએ તેમની તેઓ જે પ્રકારનું સંગીત રચે છે તેને નિશાન બનાવી હાંસી ઉડાવી અને તેમને અપમાનિત કર્યા.

તેઓ આ વિષે ત્યારે કંઈ જ કરી શક્યા નહિં પણ તેઓ આ ઘટના બાદ જરાયે ડગ્યા નહિં અને તેમણે શાંત અને મૌન રહેવાનું પસંદ કર્યું.અને જ્યારે તેમનું એ કામ જાહેર થયું ત્યારે લોકોએ તેમને ખડી સલામી આપી એ કામ વધાવી લીધું અને તે સુપરહીટ સાબિત થયું.તે સંગીતે મેળવેલી એ અદભૂત અને અભૂતપૂર્વ લોકચાહના એ નિર્માતા-દિગ્દરશકોના મોં પર પડેલ તમાચા સમાન હતી.

આ શબ્દોએ મને હિંમત આપી અને ફરી ઉભા થઈ જીવન નવી તાજગી સાથે શરૂ કરવાની પ્રેરણા આપી.

મેં એક તદ્દન નવા વ્યક્તિત્વ સાથે જાણે પૃથ્વી પર નવજીવન શરૂ કર્યું અને મારા સ્ત્રોતો ભેગા કર્યાં. જ્ઞાન અને મારા માતાપિતા તેમજ બહેન પાસેથી મળેલા સ્નેહ અને પ્રેમના કારણે આજે હું જે મુકામે છું ત્યાં પહોંચી શક્યો. મેં કંઈ જીવનમાં અતિ મહાન લેખી શકાય એવી સિદ્ધી મેળવી નથી પણ લોકોને મારું કામ પસંદ પડ્યું છે તેથી જ મને થોડીઘણી સફળતા મળી છે.અને તેનાથી મને જીવનમાં વધુ આગળ વધવાનું અને મોટા મોટા પડકારો સહન કરવાનું બળ મળ્યું છે.



૫ નમ્ર બનો,પ્રમાણિક બનો અને સરળ બનો

જો ઉપર ચર્ચેલી દરેક બાબત કોઈ મનુષ્યમાં હોય તો નમ્રતા,પ્રમાણિક્તા અને સરળતા દ્વારા તે એક ઉત્તમ અને મહાન જીવન જીવી શકે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યા બાદ તેમને મળેલા સ્ટારડમ અને લોકચાહના અને ખ્યાતિ બાદ રહેમાન ઇચ્છત તો સ્લમડોગ મિલ્યોનાઈરના પ્રિમિયરમાં મુંબઈ ખાતે હાજર રહી શક્યા હોત પણ તેમણે પબ્લિસીટી કરતાં કામને વધુ મહત્વ આપ્યું,પ્રાધાન્ય આપ્યું. તે દિવસે જ ઓસ્કાર એવોર્ડ માટેના નામાંકનની જાહેરાત થઈ હતી અને તે ફિલ્મના દિગ્દર્શક ડેની બોઈલે કહ્યું હતું,"શું તમારા માન્યા માં આવે છે કે એ.આર. રહેમાનને ત્રણ ઓસ્કાર નોમિનેશન્સ મળ્યા છે જે એક બેહદ ખુશીની વાત છે પણ એ માણસ ત્યાં દક્ષિણમાં દિલ્હી-૬ ફિલ્મના સંગીતનું કામ કરવામાં મગ્ન છે! ખરેખર તે એક અતિ મહાન સંગીતકાર છે. તેમની નમ્રતાનો અનુભવ મને ત્યારે થયો જ્યારે મેં તેમની સાથે કામની શરૂઆત કરી. મારે એક સોફ્ટવેર પર કામ કરવાનું આવ્યું જે મને નહોતું આવડતું.તેમણે મને કહી દીધું કે મારે શું શું કામ કરવાનું હતું પણ જ્યારે તેમને સમજાયું કે મને એ સોફ્ટ્વેર આવડતું નથી ત્યારે તેમણે પોતે મારી બાજુમાં બેસી મને તેનાં પર કામ કરતાં શીખવ્યું અને હું કામ શરૂ કરું એ પહેલાં તેમણે ખાતરી કરી લીધી કે મને એ સોફ્ટવેર આવડી ગયું છે અને હું જે કરવાનો છું તે બરાબર સમજી શકું. મારે માટે જીવનનો આ એક બહુ મોટો પાઠ હતો જે મને રહેમાન પાસેથી શીખવા મળ્યો.

થોડાં મહિના બાદ બીજા આવા એક બનાવનો હું સાક્ષી બન્યો.રહેમાને કોઈક નવું પિચીંગ સોફ્ટવેર મંગાવ્યું હતું જે તેમના ઘેર ડિલીવર થયું.એ સોફ્ટવેરનું ખોખુ ખોલતી વેળાએ રહેમાન ખૂબ રોમાંચિત થઈ ઉઠ્યા અને તેમના મુખ પર એક બાળક પોતાની મનપસંદ ચોકલેટ ખોલતી વેળાએ અનુભવે તેવા ભાવ ઉપસી આવ્યાં! તે પોતાના કોઈક સહાયકને એ સોફ્ટવેર પર હાથ બેસાડાવી પછી તેની પાસેથી એનો ઉપયોગ કરવાનું શીખી શક્યા હોત પણ તેમણે પોતે એ સોફ્ટવેર જાતે જ ઉપયોગમાં લેતા શીખ્યું.તેમણે આ માટે પોતે એ સોફ્ટવેરની સી.ડી. કમ્પ્યુટરમાં નાખી અને આખી મેન્યુઅલ ઉથલાવી કાઢી અને એ સોફ્ટવેર પૂર્ણ પણે વાપરતા શીખી લીધું.

આ ઘટના પરથી હું એ જાણી શક્યો કે રહેમાન કોઈ પણ કાર્ય બીજાને સોંપતા પહેલા એ વાતની ખાતરી કરી લેતા કે એ કામ તેઓ પોતે વ્યવસ્થિત રીતે કરી શકે છે.બીજા કોઈને સોંપેલુ કોઈ પણ કાર્ય પોતાનાથી અજાણ્યુ હોય તે રહેમાન બિલકુલ પસંદ કરતા નથી. આ તેમની પ્રમાણિકતા,સાદગી અને નમ્રતા દર્શાવે છે. તેઓ પોતાની સાથે કોઈ પ્રકારનો ભાર ઉંચકીને ફરતા નથી જે તેમને સહેલાઈથી સંપર્ક કરી શકાય તેવા અને ઇમાનદાર અને સાચા માણસ છે. તેમનું બાળસમાન સ્મિત સામેવાળાના ભયનો નાશ કરે છે અને તેમને રૂબરૂમાં મળતી વખતે ઉદભવતા ઉચાટનો નાશ કરે છે.જાણે કે તેમનું સ્મિત હજારો શબ્દો ન કહેતું હોય એવું છે! એ તેમના હ્રદયની અને આત્માની શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે.

આજે રહેમાનનું એક અંગત મિત્ર વર્તુળ છે જેમાં સંગીત ગોઠવનારા, સહાયક સંગીત ઇજનેરો,સંગીત ઇજનેરો વગેરે એવા કેટલાક ખાસ લોકોનો સમાવેશ થાય છે જેમના કૌશલ્ય અને સર્જનાત્મકતા રહેમાનને મદદરૂપ થાય છે. રહેમાનને તેના આ મિત્ર વર્તુળના દરેક સભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એ તેમની દરેક જરૂરિયાત સમયે તેમની સાથે જ હોય છે. પોતાના શાશ્વત મૂલ્યો તેમજ સરળ જીવન જીવવાની રીત થકી એ. આર. રહેમાન આપણને સૌને વ્યવસાયિક રીતે સફળ થવાની પ્રેરણા આપે છે.જરૂર છે આ અમૂલ્ય પાઠો શીખી તેને આપણાં પોતપોતાના જીવનમાં યથાયોગ્ય રીતે અમલમાં મૂકવાની.

તમારી જાત સાથે બાંધછોડ કરશો નહિં.તમારી પાસે જે કંઈ છે એ પર્યાપ્ત છે અને તે જ તમારી સાચી ઓળખ છે.


(સંપૂર્ણ)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment