Sunday, October 16, 2011

એ. આર. રહેમાન પાસેથી શીખવા જેવી પાંચ વસ્તુઓ (ભાગ - ૧)

પ્રશાંત પિલ્લાઈ નામના સંગીત નિર્માતા અને મિડીયા એન્ત્રેપ્રેન્યોર તેમજ ફૂડીએ પોતાના બ્લોગ પર એ. આર. રહેમાન સાથેની તેમની મુલાકાત વર્ણવી હતી તે મારા વાંચવામાં આવી અને હું એ.આર. રહેમાનનો જબરદસ્ત મોટો ફેન છું એટલે મેં આ ઇન્ટરવ્યુ ધ્યાનથી વાંચ્યો.એમાંથી દરેક જણ કંઈક શીખી શકે એમ હોવાથી તેનું ભાષાંતર આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.


આજે વિશ્વભરમાં એ. આર. રહેમાન સંગીત ક્ષેત્રનું એક અતિ જાણીતું નામ બની ચૂક્યું છે.ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી ફિલ્મ 'સ્લમડોગ મિલ્યોનાયર'માં તેમણે આપેલા અદભૂત અને કર્ણપ્રિય સંગીત બદલ તેમને મળેલા ઓસ્કાર એવોર્ડ સહિતના અનેક પુરસ્કારો અને અઢળક નામાંકનો બાદ રહેમાનનો ભાવ આખી દુનિયામાં પૂછાવા માંડ્યો.પણ હું તો રહેમાનને ૧૯૯૨માં રીલીઝ થયેલી તેમના સંગીત ધરાવતી ફિલ્મ રોઝાના સમયથી ઓળખું છું, બીજા લાખો કરોડો ભારતીયોની જેમ...૧૯ વર્ષ સારો એવો લાંબો સમય ગણાય..!

બધાં આજે રહેમાન એક સેલિબ્રિટી બની ગયા હોઈ, તેમના સંગીતની,તેઓ શું ખાય છે,શું ઓઢે છે,ક્યારે સૂએ છે,શું પીએ છે અને જ્યારે થોડા ફ્રી હોય ત્યારે શું કરે છે આવી અનેક વાતો રસપૂર્વક વાંચે છે,ચર્ચે છે.પણ આ જિનિયસના જીવનની ઘણી વાતો એવી છે જે વધુ લોકો જાણતા નથી પણ એમાંથી આપણે જીવનના મહામૂલા પાઠ શીખી શકીએ એમ છીએ.

સદાય રહેમાન વિષે સારું સારું બોલનારાઓથી ઘેરાયેલા રહેવા છતાં એમના વિષે કેટલીક વાતો છે જે ક્યારેય કોઇએ કહી નથી અને તેમની કેટલીક ખાસિયતો જેના ઉપર આપણે ઝાઝું ધ્યાન આપતા નથી એ જ તેમને અન્ય સામાન્ય લોકોથી જુદા પાડી દે છે.

રહેમાનના એક મહાન સંગીતકાર હોવું તેમના વ્યક્તિત્વ અને સિદ્ધાંતોને આભારી છે.ર્રહેમાનની સફળતામાંથી એવી મૂલ્યવાન પ્રેરણા મળી શકે એમ છે જે કોઈ વ્યવસાયિક જો પોતાના વ્યવસાયિક જીવનમાં અપનાવે તો તેને પોતાના લક્ષ્યો આસાનીથી સિદ્ધ કરવામાં સફળતા મળી રહે.


૧. તમારા માતાપિતાને ખૂબ પ્રેમ અને માન આપો.

રહેમાને પોતાના માતાપિતાને ભરપૂર પ્રેમ કર્યો છે અને એ તેમને ખૂબ માન આપે છે.પિતા આર. કે. શેખર તો રહેમાન નવ વર્ષના હતા,ત્યારે જ જન્નતનશીન થઈ ગયા હતા પણ રહેમાનની માતા કરીમા બેગમે તેમનામાં એક આશાનું કિરણ જગાડ્યું અને જીવન જીવવાનું નવું પીઠબળ પૂરું પાડ્યું.કરીમા બેગમે અપાર કષ્ટો વેઠી કુટુંબનું ભરણપોષણ કર્યું અને તેમની મહેરબાનીથી જ એ. આર. રહેમાન આજે જ્યાં છે એ મુકામે પહોંચી શક્યા છે.

કરીમા બેગમ જેટલું રહેમાનને ચાહે એટલો જ પ્રેમ અને સન્માન,આદર રહેમાનને કરીમા બેગમ પ્રત્યે. રહેમાનના પોતાની માતા પ્રત્યેના ગૂઢ આદર અને સ્નેહ ભાવની પ્રતીતિ મને પહેલી વાર ત્યારે થઈ જ્યારે હું તેમને પહેલી વાર તેમના નિવાસ સ્થાને ચેન્નઈ ખાતે મળ્યો. તેમની સાથેનો ઔપચારિક વાર્તાલાપ પતાવ્યા બાદ જ્યારે હું નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મને વિચાર આવ્યો કે મારે મને મળેલી આ તકને છોડવી ન જોઇએ.રહેમાન સાથે સંગીતનું કામ કરવાનું મારું સ્વપ્ન મારી જીવી લેવું જોઇએ!મેં મારા મનનો આ ક્ષણિક આવેગ તેમના પ્રતિ પ્રદર્શિત કરતાં પૂછી નાંખ્યું કે શું તેઓ મારી સાથે કામ કરશે? તેમનો જવાબ હતો કે તેઓ તેમની માતાને પૂછીને મને જવાબ આપશે કે તે મારી સાથે કામ કરશે કે નહિં. હવે આજના યુગના કયા માણસ પાસેથી આવા જવાબની અપેક્ષા રાખી શકાય? અને મને લાગે છે કે તેમની માતાએ તેમને મારી સાથે કામ કરવાની પરવાનગી આપી દીધી અને હું પુનાથી ચેન્નાઈ ફરી વાર આવી પહોંચ્યો તેમની સાથે કામ કરવા.આ છે રહેમાનની મહાનતા અને કૃતજ્ઞતા જે તેમનો માતા પ્રત્યેનો અપાર પ્રેમ અને માનની લાગણી પ્રદર્શિત કરે છે. પછી તો મેં કરીમા બેગમની પણ મુલાકાત લીધી જે ઘણી યાદગાર રહી.તેમણે મને હું મારે ઘેર જ હોઉં એવો અનુભવ કરાવ્યો અને મારા કુટુંબ, કામકાજ ને જીવન વિષે ઘણી ચર્ચા કરી.

જો તમે નોંધ્યું હશે તો તમને ખ્યાલ હશે કે રહેમાન પોતાના મોટા ભાગના સંગીત આલ્બમોનું અનાવરણ પોતાની માતાને હાથે જ કરાવે છે.ફિલ્મ કે સંગીત જગત સાથે સંકળાયેલી જૂજ વ્યક્તિઓ આ સિદ્ધાંતને અનુસરતી હશે.


૨ આધ્યાત્મિક બનો.

એ. આર. રહેમાન ઇશ્વર અને આધ્યાત્મિકતામાં માને છે.એ દિવસમાં પાંચ વાર નમાઝ પઢે છે અને ઇસ્લામ ધર્મ પાળે છે પણ તેમની આધ્યાત્મિકતા આટલે થી જ અટકતી નથી.

ધાર્મિક અને આધ્યાત્મિક હોવા વચ્ચે ફરક છે.રહેમાન આધ્યાત્મિક છે. રહેમાન કહે છે, '"આજે ધાર્મિક એક બીભત્સ શબ્દ બની ગયો છે.હું આધ્યાત્મિક છું.આધ્યાત્મિકતા સતત હોવી જોઇએ.જ્યારે તમે વિકાસ પામો છો ત્યારે તમને આધ્યાત્મિકતાનું પ્રમાણ,તેનું મહત્વ અને તેની જરૂરિયાત સમજાય છે.એ એક અતિ સુંદર અને રોમાંચક અનુભવ છે. એ તમને બધીજ નકારાત્મકતાથી દૂર લઈ જાય છે.મારા અને મારા સંગીત માટે આધ્યાત્મિકતા એક પ્રમાણભૂત અને અતિ મહત્વનું તત્વ છે અને આધ્યાત્મિકતા વગર હું કદાચ આજે જે પ્રકારના અને જે સ્તરના સંગીતનું સર્જન કરું છું એ શક્ય ન બન્યું હોત."

રહેમાન કહે છે ,"હું છેલ્લા પંદર વર્ષથી પ્રાર્થના બાબતે અતિ ચોક્કસ છું.મને મળેલી સફળતા અને ખ્યાતિ બાદ પ્રાર્થનાની તાકાતમાં મારી શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ છે."

આધ્યાત્મિકતા એ રહેમાનને ફક્ત તેમના સંગીત સાથે જ નથી જોડ્યા પણ તેના કારણે જ તેઓ માણસાઈ સાથે પણ જોડાણ થયાનો અનુભવ કરે છે.તે વિવિધ સામાજિક પહેલો/કાર્યો અને તેમના એ.આર. રહેમાન ફાઉન્ડેશન નામના ચેરીટી સંસ્થા સાથે સંકળાયેલા છે એ વાતની સાબિતી પૂરી પાડે છે.

કેટલાય પ્રસંગોમાં રહેમાન અને તેમની માતા એ જરૂરિયાતમંદ લાયક લોકોને અનેક રીતે મદદ કરી છે જે સદભાગ્યે મિડીયાની નજરમાં આવ્યું નથી નહિંતર તેમણે રહેમાનને એક 'સુપર હ્યુમન' તરીકે ચિતરી નાંખ્યા હોત!કેટલીક વસ્તુઓ ન કહેવી વધુ સારું હોય છે.

આજે ઘણાં નવા સંગીતકારો રહેમાનની નકલ કરવા જાય છે,તેમના જેવું જ તેમની શૈલીનું સંગીત પીરસવા જાય છે.તેઓ એવો પ્રતિભાવ પણ મેળવે છે કે તેમનું સંગીત રહેમાનના સંગીતને મળતું આવે છે અને આ સાંભળી તેઓ ગર્વ અનુભવે છે!તેમને ક્યારેક અલ્પાયુષી 'હાઈપ' પણ મળી જાય છે!પણ રહેમાનની સતત ખુદા સમક્ષ નમતા રહેવાની અને એમાં જ શાંતિ અને પરમ સંતોષ પામવાની વ્રુત્તિ જ તેમને અન્યો કરતાં અલગ તારવે છે અને તેમના સંગીતને શ્રેષ્ઠ,અમર અને બેજોડ બનાવે છે.

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment