Saturday, September 3, 2011

પ્યાલો નહિં, તળાવ બનો

એક સંત ગુરૂના આશ્રમમાં એક નવો શિષ્ય રહેવા આવ્યો અને તે વારંવાર સંતગુરૂને પૂછતો કે જીવનમાં દુ:ખદર્દ આપણને આટલી બધી તકલીફ શા માટે પહોંચાડે છે અને તેમાંથી મુક્તિ કઈ રીતે મળી શકે?
એક દિવસ શિષ્યે જ્યારે ગુરૂને ફરી પાછો આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરૂએ તેને થોડું મીઠુ લઈ આવવા કહ્યું.જ્યારે પેલો ઉત્પાતિયો શિષ્ય મીઠુ લઈ પાછો આવ્યો એટલે સંતગુરુએ તેને એક પ્યાલામાં પાણી લઈ મીઠુ તેમાં ઓગાળવા કહ્યું. શિષ્યે તેમ કર્યું. ગુરુએ ત્યારબાદ એ પાણી શિષ્યને પી જવા કહ્યું અને પૂછ્યું તેને એ પાણીનો સ્વાદ કેવો લાગ્યો?
શિષ્યે જવાબ આપ્યો,"ખારો!"
ત્યારબાદ ગુરુએ શિષ્યને ચપટી મીઠુ હાથમાં લઈ પોતાની પાછળ પાછળ આવવા કહ્યું અને એ તેને પાસેના એક તળાવ તરફ દોરી ગયા. ત્યાં પહોંચ્યા બાદ ગુરુએ શિષ્યને મીઠુ તળાવના પાણીમાં નાંખવા કહ્યું અને પછી તળાવનું પાણી પીવા જણાવ્યું.
શિષ્યે ગુરુની આજ્ઞાનું કુતૂહલ સાથે પાલન કરતા મીઠુ તળાવમાં નાંખ્યું, ખોબામાં ભરાય એટલું પાણી તળાવમાંથી હાથમાં લીધું અને એ પાણી તે પી ગયો. તેના મોઢામાંથી થોડું પાણી બહાર ટપકી રહ્યું હતું એ તરફ આંગળી ચીંધી ગુરુ મહાત્માએ તેને પૂછ્યું,"તને આ તળાવના પાણીમાં મીઠાનો ખારો સ્વાદ વર્તાય છે?"
શિષ્યે જવાબ આપ્યો " બિલ્કુલ નહિં. મને પાણીનો સ્વાદ ખારો નહિં પણ મીઠો જ લાગે છે."

ગંભીર બની ગયેલા શિષ્યને પાસેના એક વૃક્ષના ઓટલે બેસાડી સંતે તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. તેમને પોતાની યુવાની વેળા પોતાની પણ એ શિષ્ય જેવી જ સ્થિતી અને મનોદશા યાદ આવી ગયાં.તેમણે શિષ્યને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું "વત્સ, જીવનના દુ:ખદર્દો અને મીઠામાં લેશમાત્ર ફરક નથી.
જીવનમાં દુ:ખની માત્રા ચોક્કસ જ હોય છે,વધતી કે ઘટતી નથી.આમછતાં ખારાશ કે કડવાશનો આધાર (એ દુ:ખ ની આપણા પર થતી અસર કે તેની તીવ્રતા) આપણે તેને કયા પાત્રમાં મૂકીએ છીએ તેના પર રહેલો છે.
આથી જ્યારે તમે વેદના કે દુ:ખ અનુભવતા હોવ ત્યારે તમારે જરૂર છે માત્ર તમારી લાગણીઓના સંવેદના તંત્રને વિસ્તારવાની...
પ્યાલો નહિં, તળાવ બનો."

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment