Saturday, May 7, 2011

દિલ તો માતાનું જ રાખો ... - જેકી શ્રોફ

[૮મી મે 'મધર્સ ડે' તરીકે ઉજવાશે.માતાના ગુણગાન અને તેની મહાનતા શબ્દોમાં વર્ણવી જ ન શકાય પણ આજે માતાઓના ગૌરવની વાત જરા જુદી રીતે ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલા જેકી શ્રોફના આ ઇન્ટરવ્યુ દ્વારા કરીએ.આમ તો આ લેખમાં જેકી શ્રોફના જીવન અને તેની કારકિર્દીના શરૂઆતના તબક્કે તેણે કરવા પડેલા સંઘર્ષની વાત મુખ્ય છે પણ સુનિલ મિશ્રા સાથેની વાતચીતમાં અંતે માતા અંગે જેકીએ કરેલી વાતો હ્રદયસ્પર્શી અને માતાનું ગૌરવ કરનારી છે.દુનિયાભરની માતાઓને મધર્સ ડે નિમિત્તે સલામ!]



મુંબઇના વાલકેશ્વરમાં તીન બત્તી એરિયાની એક સીધીસાદી ચાલના એક રૂમમાં માતા-પિતા અને ભાઇ સાથે રહેતો. સાત રૂમની એ ચાલમાં કુલ ત્રીસ-બત્રીસ લોકો રહે. બધા વચ્ચે ત્રણ ટોઇલેટ. રીતસર લાઇન લાગે.

‘હીરો’ રિલીઝ થઈ તે પછી પણ ત્રણ-ચાર વર્ષ સુધી ત્યાં જ ઊભો રહેતો, ડબ્બો હાથમાં લઇ લાઇનમાં, જાજરૂ જવા માટે. મારા પિતાજી પત્રકાર અને એસ્ટ્રોલોજર હતા. તેઓ બી. કે. કરંજિયાસાહેબના ટેબ્લોઇડ ‘બ્લિટ્ઝ’માં લખતા. દસ વર્ષની ઉંમરે જ મેં મારા ભાઇને ખોઇ દીધો. નાનો હતો ત્યારે હું હંમેશાં ભયભીત રહેતો. ફટાકડાના અવાજથી પણ ડરતો. ૧૪-૧૫ વર્ષની ઉંમરે હું થોડો રફ થવા લાગ્યો. મને સમજાવા માંડ્યું કે સડક પર રહેવું હોય તો થોડું લડવું જોઇએ. હું કડક બનતો ગયો. લડતો રહ્યો, મોટો થતો રહ્યો.

ધો. ૧૧ પછી કોલેજ ન કરી શક્યો, કેમ કે પૈસા નહોતા. બે વર્ષ એમ જ આવારાગર્દી કરી. પછી એર ઈન્ડિયામાં એપ્લાય કર્યું, ત્યાંથી રિજેક્ટ થઇ ગયો. શેફ બનવાનું ઇચ્છ્યું, તો ત્યાંથી પણ રિજેક્ટ. પિતાજીએ ત્રણ મહિનાનો ક્રેશ કોર્સ કરાવી એક ટ્રાવેલ એજન્સીમાં ટ્રાવેલ એજન્ટ તરીકે લગાડી દીધો. એક વાર બસ સ્ટોપ પર કોઇએ પૂછ્યું, ભાઇ, શું કરે છે?

મેં કહ્યું, ટ્રાવેલ એજન્સીમાં કામ કરૂં છું. એમણે કહ્યું કે હું પણ તારી બાજુમાં જ એક મોડલિંગ એજન્સીમાં કામ કરૂં છું. તારા કદ-કાઠી સારા છે, મોડલ કેમ નથી બની જતો? મેં કહ્યું, મોડલ? એ શું વળી? એમણે કહ્યું, તારા ફોટા પાડશે અને તને પૈસા પણ આપશે. મેં કહ્યું, આ વળી નવું! ફોટા પાડશો અને સામેથી પૈસા પણ આપશો? એમણે કહ્યું, હા, હા, બેશક. હું એમની ઓફિસ ગયો. એમના બોસ મને જોઇને તરત જ બોલ્યા: ‘તમને પહેલી એડ આપી રહ્યા છીએ.’ આમ એલ્ડિયોબ્રાઉન નામના સૂટની એડ મળી ગઇ મને. આ રીતે મારી કમાણી શરૂ થઇ. થોડું થોડું કમાઇને ઘરમાં આપી દેતો.

એક દિવસ દેવ આનંદ સાહેબે મને બોલાવ્યો, વિલનના આસિસ્ટન્ટના રોલ માટે. મેં કરી નાખ્યો. સુભાષ ઘઇ સાહેબ એક ફિલ્મ બનાવી રહ્યા હતા. મને હિન્દી શીખવતા ઉષા ખન્નાજીના ભાઇ અશોક ખન્ના સાહેબે મને કહ્યું કે એક રોલ છે, સુભાષજીને મળી આવ. હું મળ્યો. સુભાષજીએ પૂછ્યું: હીરો કા રોલ હૈ, કરોગે? પછી ચહેરા પર દાઢી વધારેલી હોય એવો ફોટો બતાવીને કહ્યું: તારો આવો ફોટો જોઇએ. મેં કહ્યું: મળી જશે. પછી તેઓ કહે કે આવું થોબડું જોઇએ. મેં કહ્યું, એય મળી જશે.

મહિનો ટ્રેનિંગ લીધી. મોટર-સાઇકલ પર જમ્પ લેતાં શીખ્યો. ખરેખર માર્યા વગર સામેના માણસને કેવી રીતે મારવું એ શીખ્યો. ફાઇટ વગેરે શીખ્યો. જેવું જોઇતું હતું એવું હિન્દી ફરીથી શીખ્યો. પાછો સુભાષ ઘઇ સાહેબ સામે. કાન ખુલ્લા રાખ્યા અને મોં બંધ, જે હંમેશાં બધાએ કરવું જોઇએ. સાંભળવાની તાકાત હોવી જોઇએ. એ પણ કેળવી અને માની વાતની ગાંઠ મેં મનમાં બરાબર બાંધી રાખી હતી: મોટેરાંઓનો આદર કરવો જોઇએ. મેં સૌને રિસ્પેક્ટ આપ્યું. કોઇ ખરાબ બોલે-સંભળાવે ત્યારે હું કોઇને સામે કંઇ ખરાબ સંભળાવતો નહીં. પોતાના કામ સાથે જ મતલબ રાખ્યો. ડિસિપ્લિન રાખ્યું. બસ, ચાલીમાંથી ઊઠીને અહીં સુધી પહોંચી ગયો.

સુભાષ ઘઇની ‘હીરો’ વખતે ફિલ્મ રિવ્યુઅર ખાલિદ મોહમ્મદ જેવા લોકોએ તો મારાં છોતરાં જ કાઢી નાખેલાં. કહેલું કામ કરતા જ નથી આવડતું, છોકરી જેવો છે, દેવ આનંદ જેવું કરે છે. મેં વિચાર્યું: બાળક જન્મે છે ત્યારે એને કશું જ આવડતું નથી હોતું. ધીમે ધીમે શીખે છે. તમે તો આવતાંની સાથે જ મારા પર તૂટી પડ્યા. પછી થયું, હશે. આ લોકો સિનેમાના પંડિત-જાણકાર લોકો છે, પણ પિક્ચર તો ચાલી ગયું, ૭૫ અઠવાડિયાં!

હું જાણી ગયો કે ક્રિટિક્સ માથે માછલાં ધુએ ત્યારે માની લેવું કે પિક્ચર સારું જ હશે! આને એક્ટિંગ નથી આવડતી એવું કહેનારાં ‘કાશ’ જોઇને કહેવા લાગ્યા કે વાહ, ક્યા એક્ટિંગ હૈ! ત્યાં ‘પરિન્દા’ આવી અને એણે તો એવોર્ડ અપાવી દીધો, બેસ્ટ એક્ટરનો. પછી તો દોઢસો ફિલ્મો કરી.

પૂરી લાઇફ રફ રહી છે મારી. મારી મા બહુ માયાળુ હતી. ઘર સામેથી કોઇ ભૂખ્યું ન જઇ શકતું. પૈસા ભલે ન હોય પણ એનો ચૂલો હંમેશાં ગરમ રહેતો. સાડીઓ વેચીને, ક્યારેક વાસણ વેચીને અમારો ચૂલો હંમેશાં ચાલુ રહેતો. ઘરે જે આવતું એને ભરપેટ જમાડીને જ મા પાછો મોકલતી.

એ હંમેશાં કહેતી કે બેટા, જેટલું આપીશું એટલું પાછું આવશે, ફિકર ન કરતો. બધા સાથે પ્રેમ-મહોબ્બતથી કેવી રીતે રહેવું, નાનાને સંભાળવા, ગરીબોની સેવા કરવી અને હાથ ખુલ્લો રાખીને હંમેશાં આપતા રહેવું — એ માએ શીખવ્યું. જે માણસે પોતાની માની આંખોથી દુનિયા જોઇ હોય, જે માણસમાં પોતાની માનું હૃદય હોય, એ ખોટો હોઇ જ ન શકે. એ કોઇનું ખોટું કરી જ ન શકે. મને પિતાજીનો ચહેરો અને માનું દિલ મળ્યાં છે. હું ઈચ્છું છું કે આખી દુનિયાનાં બાળકો આ વાત શીખે કે દિલ તો માનું જ રાખો.

(સુનિલ મિશ્ર સાથેની વાતચીતના આધારે)


('ઈન્ટરનેટ પરથી')
 
*****************************************************
ઇન્ટરનેટ કોર્નરના ૩૫૦માં હપ્તા વેળાએ...


--------------------------------------------------

વ્હાલા વાચકમિત્રો,

ઇન્ટરનેટ કોર્નરનો આજે ૩૫૦મો લેખ રજૂ કરતાં મને ખૂબ હર્ષની લાગણી થઈ રહી છે. આ કટારને સાત વર્ષ પૂરા થઈ ગયાં છે ત્યારે મારે જન્મભૂમિ પરિવાર અને તમારા સૌ વાચક મિત્રોનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું કે તમે મને આ એક અતિ સબળ મંચ પૂરું પાડ્યું છે સારા વિચારો વ્યક્ત કરવાનું અને તેમને વહેતા કરવાનું.હું પોતે પણ આ કટારમાં ઇન્ટરનેટ પરથી સારા લેખ,વિચારો,વાર્તાઓ વગેરે ગુજરાતીમાં અનુવાદિત કરી તમારી સમક્ષ રજૂ કરતાં કરતાં ઘણું શીખ્યો છું અને મને ખાતરી છે તમે પણ એ વાંચી-વંચાવી કંઈક પામ્યાં હશો.ઘણાં વાચક મિત્રો મને સારા સારા ઇમેલ્સ સતત મોકલતા રહે છે તેનો પણ હું આ કટારમાં સમાવેશ કરતો રહું છું અને આ માટે તેમનો પણ હું વિશેષ આભાર માનું છું.આ કટારની લોકપ્રિયતા આપણાં સૌની સહિયારી સફળતા છે.આ કટાર પર આધારિત પાંચ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ અને ઝરૂખો) પણ જે સફળતા પામ્યાં છે અને આ કટારની સફળતાથી પ્રેરાઈને જ મારી જન્મભૂમિ પ્રવાસીમાં દર રવિવારે પ્રગટ થતી અન્ય કટાર 'બ્લોગને ઝરૂખેથી...' સુધીની મારી પ્રગતિયાત્રાનો બધો યશ હું જન્મભૂમિ પરિવાર તેમજ મારા વાચકમિત્રો તમને આપું છું. લાખ લાખ ધન્યવાદ!

- વિકાસ ઘનશ્યામ નાયક

No comments:

Post a Comment