Saturday, February 12, 2011

વેલેન્ટાઈન ડે સ્પેશિયલ : પ્રેમ… પ્રેમ… પ્રેમ…

હું તને પ્રેમ કરું છું એટલે હું તારો, તું જે વ્યક્તિ છે એ વ્યક્તિ તરીકે જ સ્વીકાર કરું છું અને હું તને બીજી કોઈ વ્યક્તિમાં બદલી નાંખવા ઇચ્છતો/ઇચ્છતી નથી.એનો અર્થ એવો પણ થાય કે હું તારામાં સંપૂર્ણતા ઝંખતો/ઝંખતી નથી અને તું પણ આમજ વર્તે એવી અપેક્ષા રાખું છું.
હું તને પ્રેમ કરું છું એટલે હું તને સદાય પ્રેમ કરતો/કરતી રહીશ અને ગમે તેવા કપરા સમયમાં પણ તારી પડખે ઉભો/ઉભી રહીશ.આનો અર્થ એ પણ થાય છે કે તું જ્યારે ખરાબ મૂડમાં હોય ત્યારે પણ કે તું ખૂબ થાકેલો/થાકેલી હોય અને હું જે કરવા ઇચ્છતો/ઇચ્છતી હોઉં તે ન કરે ત્યારે પણ હું તને પ્રેમ કરતો/કરતી રહીશ.પ્રેમમાં હોવાનો અર્થ ફક્ત ખૂશીમાં સાથે ઝૂમવું એવો નથી પણ મુશ્કેલીઓ અને દુ:ખોમાં પણ સાથે ઝઝૂમી તેમનો સહિયારો હિંમતપૂરક સામનો કરવો એ છે.
પ્રેમનો અર્થ એવો છે કે હું તારા છૂપામાં છૂપા રહસ્યો પણ જાણતો/જાણતી હોવા છતાં તારું મૂલ્યાંકન એના આધારે નથી કરતો/કરતી અને તારી પાસે પણ બદલામાં એવી જ અપેક્ષા રાખું છું.એનો અર્થ એવો પણ થાય છે કે હું તારા પ્રત્યે ખૂબ કાળજી ધરાવું છું અને તને એટલો પ્રેમ કરું છું કે કોઈ પણ ભોગે તારો સાથ છોડવા ઇચ્છતો/ઇચ્છતી નથી.એનો અર્થ એવો પણ થાય કે હું તારા વિષે વિચારું છું,તારા સ્વપ્નો જોઉં છું,સતત તારો સહવાસ ઝંખું છું અને આશા રાખું છું કે તું પણ મારા માટે આવી જ લાગણી અનુભવતો/અનુભવતી હોય...

હું તને ખૂબ પ્રેમ કરું છું...સદાય માટે....


#########################################################


જો તમે કોઈના પ્રેમમાં પડો અને તે કોઈ તમારા પ્રેમમાં પડે અને પછી જો પ્રેમ ચાલ્યો જાય તો તેને ફરી બોલાવવાની કોશિષ કરશો નહિં,કે એક બીજા પર દોષારોપણ પણ કરશો નહિં.તેનું કંઈક કારણ હોય છે અને તેનો કંઇક અર્થ થતો હોય છે.સમય તે અર્થ અને કારણને છતા કરશે.

યાદ રાખો તમે પ્રેમને પસંદ કરતા નથી.પ્રેમ તમને પસંદ કરે છે.તમે ફક્ત તે જ્યારે તમારા જીવનમાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલા બધાં છૂપા રહસ્યો સહિત તેનો સ્વીકાર કરી શકો છો.જ્યાં સુધી તે છલકાઈ જાય ત્યાં સુધી તેને માણો અને તેને વહેંચો.તમારા જીવનમાં તેને લઈ આવનાર વ્યક્તિના જીવનને પણ તેનાથી ભરી દો.તમારી આસપાસ સર્વેને એ વહેંચો.અહિં જ પ્રેમીઓ ભૂલ કરી બેસતા હોય છે.અત્યાર સુધી લાંબા સમય સુધી પ્રેમથી દૂર રહયા હોવાથી તેઓ પ્રેમને એક જરૂરિયાત રૂપે જ જુએ છે.તેમને મતે તેમના હ્રદય ખાલી જગા જેવા છે જે તેઓ પ્રેમથી ભરી દેવા ઇચ્છે છે અને તેઓ પ્રેમને પોતનામાંથી ઉદભવી બહાર તરફ વહાવવાને બદલે બાહ્ય જગતથી તેમના તરફ વહેતો જોવા ઝંખે છે.

પ્રેમનો પ્રથમ સ્પર્શ તેમના સમગ્ર અસ્તિત્વને લાગણીની ભીનાશમાં તરબતર કરી દેનારો બની રહે છે પણ પછી જેમ જેમ તેમનો પ્રેમ ઠંડો પડતો જાય છે તેમ તેમ તેઓ પ્રેમને જરૂરિયાત તરીકે જોવા માંડે છે.તેઓ પોતે પ્રેમના ઉદગમસ્થાન બનવાને બદલે પ્રેમ સતત બહારના જગતમાંથી શોધતા ફરે છે.તેઓ પ્રેમ વિષેના એ રહસ્ય-સત્યને વિસરી જાય છે કે પ્રેમ એક એવી ભેટ છે જે આપવાથી વધે છે.

આ સતત યાદ રાખો અને તેને તમારા હ્રદયવગુ રાખો.પ્રેમનો પોતાનો સમય હોય છે,પોતાની આગવી ઋતુ હોય છે અને પ્રવેશવાના અને ગાયબ થઈ જવાના પોતાના આગવા કારણ હોય છે.તમે એને લાલચ આપી કે બળજબરીપૂર્વક કે બીજા કોઈ કારણસર પરાણે રોકી શકો નહિં.તમે ફક્ત એ આવે ત્યારે એને આલિંગન આપી શકો અને એ તમારી પાસે આવી જાય ત્યારબાદ તેને બીજાઓ સાથે વહેંચી શકો.પણ જો એ તમારા કે તમારા પ્રેમીજનના હ્રદયમાંથી વિદાય લેવાનું નક્કી કરે તો તમે કંઈ કરી શકો નહિં અને તમારે કંઈ કરવું પણ જોઈએ નહિં.

પ્રેમ સદાકાળ એક રહસ્ય જ બની રહ્યો છે અને રહસ્ય જ બની રહેશે.તમારા જીવનમાં એ થોડી ઘણી ક્ષણો માટે પણ આવ્યો એ વાતની ખુશી અનુભવો.

#########################################################
પ્રેમના લક્ષણોમાં શરીરમાં ધ્રુજારીના અનુભવથી માંડી તાવ સુધીના હોઈ શકે છે.પ્રેમ સતત બદલાતા થર્મોમીટર જેવો છે અને તે ટેનિસની રમત જેવો પણ છે.

પ્રેમ હ્રદયના જોશ,ઉમંગ અને ઉત્સાહ,કવિતાની ભાષા અને કાલ્પનિક રહસ્યકથાના રહસ્ય મિશ્રિત મનોરંજક નાટક જેવો હોય છે.
પ્રેમ એટલે ઉનાળાના કોઈક પ્રકાશિત દિવસે બે ઝાડ વચ્ચે બાંધેલા જાળીથી બનેલા હેમોક ઝૂલા પર ઝૂલતા ઝૂલતા એક્મેકના શ્વાચ્છોશ્વાસમાં ઓગળી જવું તે.
પ્રેમ લાંબુ ચાલનારી બેટરી જેવો છે જેને નિયત સમયે નિયમિત રીતે રીચાર્જ કરતા રહેવું પડે છે.
પ્રેમ તમારા પ્રિયપાત્ર સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત માણવામાં રહેલો છે.
પ્રેમ એટલે તમારા પ્રિય પાત્રને ભાવપૂર્વક કરેલું લાંબુ ભીનું ભીનું ચુંબન...
પ્રેમ એટલે હ્રદયના બદલાતા ભાવોનું તમે અંગત ડાયરીમાં કરેલું વિવરણ કે તમે લખેલા લાગણીની ભીનાશથી નીતરતા પ્રેમપત્રો કે તમારા પ્રિયપાત્રને તમે સમર્પિત કરેલી સંવેદનાભરી કવિતા...
ભરતી અને ઓટ આવે-જાય છે,પંખીઓ ઉડી જાય છે અને વસંતમાં પાછા ફરે છે, પણ પ્રેમની સ્મૃતિમાં લખાયેલું સાહિત્ય, આવતી કાલની આશાને જીવંત રાખે છે...

હ્રદયની સાચી લાગણીથી પ્રેરાઈને કરાયેલા હાવભાવ કે વર્તન, કોઈ હલકો - છૂપો આશય ધરાવતા હોતા નથી પણ તે સાચા પ્રેમની અભિવ્યક્તિ દર્શાવે છે...
પ્રેમ સરળતા અને સહજતાથી સ્મિત સાથે થતાં બે પાત્રો વચ્ચેના ચુંબનમાં છે.
પ્રેમ ભક્તિ અને ભાવથી લખાયેલી કવિતા છે.
('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment