Sunday, August 22, 2010

મળવા જેવા માણસ - ડો. દેવી શેટ્ટી

ઘણાં વખત પહેલા ઇન્ટરનેટ કોર્નરમાં આપણે બેંગ્લોરના નારાયણ હ્રદયાલયના સુવિખ્યાત સર્જન-ડોક્ટર દેવી શેટ્ટી સાથેનો 'હ્રદયની કાળજી કેવી રીતે રાખવી' એ વિશે પ્રશ્નોત્તરી ધરાવતો વાર્તાલાપ વાંચ્યો હતો.આજે આપણે આ મહાન હસ્તી વિશેની બીજી એક રસપ્રદ પ્રેરણાત્મક ઉમદા બાબત વાંચીશું.


જો તમે ડો. દેવી શેટ્ટીના પ્રખ્યાત નારાયણ હ્રદયાલયની મુલાકાત લો તો સૌ પ્રથમ તેમાં પ્રવેશતા જ મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગ તરફ દોરી જતા થાંભલાઓ વચ્ચે છાપરા નીચે વચ્ચોવચ્ચ તમને એક નાનકડું ચાર બાજુઓ ધરાવતું દેવસ્થાન જોવા મળશે.તેમાં એક બાજુ મંદિર, બીજી બાજુ ચર્ચ, ત્રીજી બાજુ મસ્જિદ અને ચોથી બાજુ ગુરુદ્વારા બનાવાયેલ છે. નારાયણ હ્રદયાલયના ડોક્ટર્સ તમને કહેશે કે આ એ દેવસ્થળ છે જ્યાંથી કોઈ પણ ઇલાજ સાચા અર્થમાં શરૂ થાય છે - ભગવાન દ્વારા ડોક્ટર્સના હસ્તે.

અહિંથી થોડા આગળ વધો એટલે મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગમાં તમને એક અતિ સુવ્યવસ્થિત સ્વાગતકક્ષ (રીસેપ્શન) જોવા મળશે.થોડું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો સ્વાગતખંડના ટેબલપર એક ખૂણે એક નાનકડું પાટિયું મૂકેલું જોવા મળશે જેના પર લખ્યું છે - 'અહિં બંગાળીમાં વાતચીત કરી શકાશે'.

સાહજિક પ્રશ્ન થાય કે આવડી મોટી હોસ્પિટલમાં સ્વાગત કક્ષમાં એક ખૂણે અલાયદી સુવિધા ખાસ બંગાળી દર્દીઓ માટે શીદ ને ?પણ એની પાછળ એક ખાસ કારણ છે.આ હોસ્પિટલમાં અત્યાર સુધીના કેસોનાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે અહિં આવનારા દર્દીઓમાં સૌથી વધુ લોકો પશ્ચિમ બંગાળના કે બાંગ્લાદેશના હોય છે.આ દર્દીઓ સાથે આવનાર ગામડાનો કોઈ રહેવાસી કે દર્દીનો પતિ કે પત્ની કે સંબંધી કે મિત્ર આવેલ હોય તેના માટે આ શહેર અણજાણ હોય અને તેમને મુખ્યત્વે બંગાળી ભાષા જ આવડતી હોઈ હોસ્પિટલમાં અંગ્રેજી કે હિન્દીભાષી સ્ટાફ જ સ્વાગતકક્ષ પર પ્રાપ્ય હોય તો તેઓ માટે દર્દીને લઈ આવ્યા હોય એવા કપરા સમયે મુશ્કેલી ઉભી થાય.

ડો. શેટ્ટીએ પોતાની હોસ્પિટલ મોજૂદ માહિતી અને તેમના મુલાકાતી દર્દીઓ કેવું અનુભવે છે એ સમજી તે જ્ઞાનના આધારે બનાવી છે. લાંબા થાકભર્યા દિવસને અંતે ડો. શેટ્ટી પોતાની ઓફિસમાં બેસે છે અને દર્દીઓને પ્રત્યક્ષ ચકાસે છે.તેઓ હંમેશા દર્દી સાથે તેની માતૃભાષામાં થોડી વાતચીત કરે છે.આથી જ તેઓ એ તમામ દર્દીઓનો પ્રેમ સંપાદિત કરે છે અને તેમને આરામદાયી અને સારું મહેસૂસ કરાવે છે.દર્દીના સી.ટી. સ્કેન, રીપોર્ટ્સ વગેરે સઘળી માહિતી તેમજ દર્દીનો સંપૂર્ણ સ્વાસ્થ્ય ઇતિહાસ તેમની પાસે મોજૂદ હોવા છતાં તેઓ એક અતિ બિનજરૂરી અને જૂનવાણી પ્રક્રિયા કરે છે - દર્દીને સ્ટેથોસ્કોપથી ચકાસવાની.પણ તેમના આમ કરવા પાછળ એક ચોક્કસ કારણ છે.તેમની પાસે આવનારા મોટા ભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેમના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે જો ડોક્ટર તેમના હ્રદયના ધબકારા સ્ટેથોસ્કોપથી ન સાંભળે તો ડોક્ટરે તેમને બરાબર ચકાસ્યા નથી,તેમના પર બરાબર ધ્યાન આપ્યું નથી.એ તો ઠીક પણ ડો.શેટ્ટી તેમના દર્દીને ચકાસણી દરમ્યાન ઓછામાં ઓછી એક વાર અચૂક સ્પર્શે છે. આજકાલ ડોક્ટર્સ માનવીય સ્પર્શનું મહત્વ,તેની તાકાત સમજતા નથી.સ્પર્શ વગર રોગનું નિવારણ મુશ્કેલ બની જાય છે.સ્પર્શની અસર જાદૂઈ હોય છે.દર્દીને સંપૂર્ણપણે ચકાસ્યા બાદ બિલકુલ શાંતિથી ડો. શેટ્ટી તેમના દર્દીને પૂછે છે 'હવે તમારે મને કંઈ પૂછવું છે?'તેમના જેવી વ્યસ્ત અને મોટી હસ્તી માટે આ જોખમી ગણાય કારણ દર્દીઓને લાંબી લાંબી વાતો કરવી ગમતી હોય છે.પણ ડો. શેટ્ટી માટે આમ કરવું ખૂબ અગત્યની બાબત છે.તેઓ એક સાચા પ્રોફેશનલ છે અને સારા ડોક્ટર પણ.તમે લોકો સાથે કેવી વર્તણૂંક કરો છો તે તેમને યાદ રહે છે.

No comments:

Post a Comment