Sunday, August 29, 2010

ત્રણ કાવ્યો

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

કવિ : 'અજ્ઞાત'

**********************************************************************

તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર.
ઉંબર,આંગણ ઓળંગીને જવા દુર સુદૂર.

અમે જ ખોલી'તી બારી,અમે બારણા પણ ખોલીશું.
આવ્યા ત્યારે આવો કીધું, આવજો પણ બોલીશું.

જીવતાં જીવતાં જે સમજાયું ,એ કહેવું છે મારે.
હું જાણું છું તારું જીવન જીવવાનું છે તારે.

બેટા, આવ બેસ પાસે.
સાંભળ. જે કહું છું આજે .

કદીક લાગશે જીવન તો છે મનગમતો તહેવાર,
કદીક લાગશે જીવન તો છે અણગમતો વહેવાર.

જીવનપથ પર મળશે હોટલ, કદીક મળશે ઘર.
શું છે સગવડ? શેમાં સુખ છે?જાણવાનો અવસર.

હોઠ ભીંજવતું પીણું શું? શું તરસ છીપવું , પાણી
શું છે જળ અને શું મૃગજળ એ ભેદ લેવો ને જાણી.

અહંકાર અને અધિકારની મનડું ગૂંથે જાળ.
ઉડતા શીખવી,ઉડવા પણ દઈ, રાખીશું સંભાળ

માંગતા ભૂલી, આપતા શીખો ,પામશો આપોઆપ.
આજ નહીતો કાલે મળશે, વાટ જુઓ ચુપચાપ.

જીવન મળ્યું છે જીવવા માટે લાગણીભીનું જીવો.
તૂટે ત્યાંથી તરત જોડજો, ફાટે ત્યાંથી સીવો.

સડી જાય એ કાપવું પડશે એટલું લેજો જાણી
જાગ્યા ત્યાંથી સવાર સમજો, જીવન બને ઉજાણી.

કોઈને ગમતી રાતરાણી ને કોઈને પારીજાત,
કોઈને ઢળતી રાત ગમે ને કોઈને ગમે પ્રભાત .

પોતપોતાની પસંદમાંહે સહુ કોઈ રહેતા મસ્ત,
સુરજ પાસે શીખવા જેવું : ઉગે તેનો અસ્ત.

સંપતિને, સમૃદ્ધિને, વૈભવ તો છે વહેમ.
"જીવન જીવવા જેવું છે" એના કારણમાં છે પ્રેમ.

બાળપણમાં લન્ચબોક્ષમાં મમ્મી નાસ્તો ભરતી.
કદીક ભાવતું, કદીક તને ના ભાવતુંએ પણ મૂકતી.

ભાવતું જોઇને હરખાતી, નાભાવતું એ ખાતી.
હાથ નહિ રોકાતો, જયારે ભૂખ લાગતી સાચી.

ગમતું ,અણગમતું, સઘળું જે કામનું લાગ્યું મને,
બેટા, એનું જીવનભાથું મેં બંધાવ્યું તને.

આભે ઉડતા જોઈ તને બસ ! અમે રાજી રહેશું
અમારી છે આ દીકરી એમ ગૌરવથી અમે કહેશું.

બેટા, ઊડ હવે તું આગળ !
લખજે તું કદીક કાગળ !

કવિ : 'અજ્ઞાત'

***************************************************************************

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

કવિ : 'અજ્ઞાત'

No comments:

Post a Comment