Saturday, June 12, 2010

જીવનયાત્રાનો સાચો માર્ગ

૧. જ્યાં બે કે તેથી વધુ રસ્તા અલગ અલગ દિશામાં જતા હોય,ત્યાંથી જ એક નવા માર્ગની શરૂઆત થતી હોય છે.ત્યાં થોડી વાર ઉભા રહી,થોડું વિચારી તમે નિર્ણય લઈ શકો છો કે તમારે કઈ દિશામાં જવું છે.પણ ત્યાં ઉભા રહીને વિચારવામાં એટલો લાંબો સમય પણ ન લગાડશો કે તમે ત્યાં જ ઉભા રહી જાવ અને યોગ્ય સમય અને તક ચાલ્યા જાય.તમારી જાતને સાચા માર્ગની પસંદગી વેળાએ કાર્લોસ કાસ્ટાનેડા વાળો ક્લાસિક પ્રશ્ન પૂછો:આ બધા માર્ગો પૈકી કયા માર્ગ પાસે/સાથે હ્રદય છે?

૨. કોઈ પણ માર્ગ શાશ્વત નથી.સારા માર્ગ પર થોડા સમય માટે ચાલવું આશિર્વાદ સમાન હોઈ શકે છે પણ એક દિવસ ચોક્કસ તે માર્ગનો અંત આવવાનો છે આથી એ કોઈ પણ ઘડીએ છોડવાની તમારી તૈયારી હોવી જોઇએ.

૩. તમારા માર્ગને સન્માન આપો.એ તમારી પસંદગી હતી,તમારો નિર્ણય હતો અને જો તમે જે ભૂમિ પર તમારા પગ છે તેનું માન રાખશો તો એ ભૂમિ પણ તમારા પગનું સન્માન રાખશે.હંમેશા તમારા માર્ગને સારામાં સારી રીતે જાળવવા પ્રયત્નશીલ રહો તો એ તમને જાળવશે.

૪. જરૂરી સાધનસામગ્રી થી સુસજ્જ રહો.યાત્રા માટે હંમેશા પોતાની સાથે એક ચટાઈ,ચાકુ,નાનો ભાલો વગેરે રાખો.કયુ શસ્ત્ર ક્યારે વાપરવું તેનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે.ચાકુથી તમે સુકા પાંદડા કાપી શકો નહિં અને ઉંડા મૂળિયા ધરાવતી ઔષધિય વનસ્પતિ માટે તમે નાનકડા ભાલાનો ઉપયોગ કરી શકો નહિં.તમારા શસ્ત્રોને સદાયે ધારદાર અને સજ્જ રાખો કારણ યાત્રા દરમ્યાન તે તમારા શ્રેષ્ઠ મિત્રો છે.

૫.માર્ગ આગળપાછળ થયા કરે છે.ક્યારેક તમારે પાછા ફરવું પડે,તમારી કોઈક ખોવાઈ ગયેલી કે પાછળ રહી ગયેલી વસ્તુ પાછી મેળવવા માટે અથવા કોઈકને આપવાના સંદેશનો પત્ર તમારા ખિસ્સામાં જ રહી જવા પામ્યો હોય તે યોગ્ય વ્યક્તિને પહોંચાડવા માટે. તમે કરેલા સાચા અને સારા માર્ગની પસંદગી આવે વખતે પાછા ફરવાને કારણે તમારા માટે કોઈ મોટી મુસીબત ઉભી કરતી નથી.

૬. તમારી આસપાસની બીજી બધી વસ્તુઓનું ધ્યાન રાખતા પહેલા તમારા પસંદ કરેલા માર્ગનું ધ્યાન રાખો.સજાગતા અને ધ્યાન ખૂબ મહત્વના છે.માર્ગની બાજુમાં પડેલા સૂકા પાંદડા પર ધ્યાન આપી ગુમરાહ ન થતા.તમારા પગલા જે માર્ગે સ્વીકાર્યા છે તે માર્ગનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે તમારી શક્તિ વાપરો.

૭. ધૈર્યવાન બનો.કેટલીક વાર તમારે એક નું એક કાર્ય વારંવાર કરવું પડશે જેમ કે માર્ગમાં વચ્ચે આવતા ઝાંખરા કાપી ને દૂર કરવા કે અણધાર્યા વરસાદથી સર્જાયેલા ગાબડા ભરી આગળ વધવું.એનાથી તમે અકળાઈ ન જશો.આ યાત્રાનો જ એક ભાગ છે.તમે થાકી પણ ગયા હોવ કે કોઈક કામ વારંવાર કરવું પડે તે છતાં ધીરજ જાળવી રાખો.

૮. માર્ગમાં ફાંટાઓ આવશે.લોકો તમને માહિતી આપી શકશે કે આગળ હવામાન કેવું છે.બધાની સલાહ સાંભળો.પણ નિર્ણય તમે પોતે જ લો.જે માર્ગ તમે પસંદ કર્યો છે તેની સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની છે.

૯. પ્રકૃતિ તેના પોતાના નિયમો અનુસરે છે.તમારે માર્ગમાં અચાનક આવી શકનાર હિમવર્ષા કે વંટોળ માટે તૈયાર રહેવું પડશે.વસંતમાં ફૂલોનું લોભામણું સૌંદર્ય કે ઉનાળામાં બપોરની સૂકી તીવ્ર તરસ તમને માર્ગ ભૂલાવી ન દે એ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે.આ બધી ઋતુઓનો બને એટલો તમારા ફાયદા માટે લાભ લઈ લો અને તેમના ગુણો વિષે ફરિયાદ કરવાનું ટાળો.

૧૦. તમારા માર્ગને તમારી આરસી બની જવા દો.બીજાઓ તેમના માર્ગને કઈ રીતે અનુસરે છે તેનો બિલકુલ પ્રભાવ તમારા પર પડવા દેશો નહિં.તમારી પાસે તમારો પોતાનો અંતરાત્મા છે જેને તમે સાંભળી શકો છો અને માર્ગમાં તમારો આત્મા શું કહી રહ્યો છે તેનો અનુવાદ પક્ષીઓ તેમના કલરવ દ્વારા તમને કરી સંભળાવશે, એ સાંભળી સમજતા શીખો.

૧૧.તમારા માર્ગને પ્રેમ કરો.એથી વિશેષ મહત્વનું બીજુ કંઈ નથી.

1 comment: