Sunday, April 25, 2010

ઇન્ટરવ્યુના અજબ ગજબ સવાલ જવાબ

આપણામાંના ઘણાંએ જીવનમાં ક્યારેક ને ક્યારેક 'ઈન્ટરવ્યુ'નો સામનો કર્યો હશે.મોટે ભાગે આવા 'ઈન્ટરવ્યુ'માં એકસરખા પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમના બીબાઢાળ જવાબો અપાતા હોય છે.પણ આજના 'ઇન્ટરનેટ કોર્નર'માં 'ઈન્ટરવ્યુ'માં પૂછાતા સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તરો વાંચવાની તમને ચોક્કસ મજા પડશે.વાસ્તવિક 'ઇન્ટરવ્યુ'માં આ જ કે આવા ઉત્તરો આપતા નોકરી મળે કે ન મળે પણ આ જવાબો તમારા મોઢા પર સ્મિત પણ લાવી દેશે એ નક્કી!

૧.તમે આ નોકરી/પદ માટે શા કારણથી અરજી કરી રહ્યા છો?
જવાબ : મેં તો અહિંની સાથે બીજી અનેક જગાએ અરજી કરી છે પણ તમારે ત્યાંથી મને અત્યારે બોલાવવામાં આવ્યો છે તેથી હું અહિં છું.

૨. તમારે અમારી કંપનીમાં શા માટે જોડાવું છે?
જવાબ : મારે તમારી કંપનીમાં જ જોડાવું છે એવું નથી. મારે તો નોકરી કરવી છે, જે કંપની સારું કામ અને સારો પગાર આપે તેમાં જોડાવા હું તૈયાર છું.

૩. મારે તમને શા માટે નોકરીએ રાખવા જોઇએ?
જવાબ : તમારે કોઈકને તો નોકરી આપવાની જ છે.તો પછી મને શા માટે નહિં?

૪. જો તમને આ નોકરી મળી જાય તો તમે શું કરશો?
જવાબ : સાચુ કહું તો હું ખૂબ મૂડી છું. આથી મને જો આ નોકરી મળી જાય તો મારા તે સમયના મૂડ અને પરિસ્થિતી પર હું શું કરીશ તેનો આધાર રાખે છે.

૫. તમારી મોટામાં મોટી લાયકાત કે તાકાત કઈ?
જવાબ : સાચુ કહું તો જે કંપની મને ખૂબ ઉંચો પગાર આપે તે કંપનીના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમાં જોડાઈ જવાની તાકાત...

૬.તમારી સૌથી મોટી નબળાઈ?
જવાબ : છોકરીઓ.

૭. તમારી સૌથી મોટી ભૂલ તમે કઈ કરેલી અને તેમાંથી તમે શું શીખ્યા?
જવાબ : મારી પાછલી કંપનીમાં જોડાયો એ અને શીખ્યો કે મારે વધારે ઉંચો પગાર મેળવવા બીજી નવી જગાએ જોડાવું પડશે અને તેથી જ આજે અહિં 'ઇન્ટરવ્યુ' માટે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું.

૮. તમારી છેલ્લી નોકરીમાં મેળવેલી કઈ કઈ સિદ્ધીઓ બદલ તમે ગૌરવ અનુભવો છો?
જવાબ : જો એવી કોઈ સિદ્ધી મેળવી હોત તો મારે નવી નોકરી શોધવા શીદને નીકળવુ પડત?પગાર વધારો માગી ત્યાં જ ન ટક્યો હોત?

૯.એક પડકારભરી પરિસ્થિતીનું વર્ણન કરો જેનો તમે સામનો કર્યો હોય અને તમે એમાંથી કઈ રીતે બહાર આવ્યા તે જણાવો.
જવાબ : સૌથી મોટો પડકાર છે "તમે શા માટે નવી નોકરી શોધી રહ્યા છો" એ પ્રશ્નનો જવાબ આપવામાં. અને તેનો સામનો મેં વ્યર્થનો બડબડાટ કરીને સામે વાળાને ગૂંચવી મારી કર્યો હતો.

૧૦. તમે શા માટે તમારી પાછલી નોકરી છોડી દીધી/ છોડવા જઈ રહ્યા છો?
જવાબ : એજ કારણથી જેને લીધે તમે તમારી પાછલી નોકરી છોડી દીધી હતી.

૧૧. તમને આ નવી નોકરી પાસેથી શી શી અપેક્ષાઓ છે?
જવાબ : ઓછામાં ઓછા કામ અને વધારેમાં વધારે પગાર અને નિયમિત પગારબઢતીઓની.

૧૨. તમારા કારકિર્દી ધ્યેય કયા કયા છે અને તમે તે કઈ રીતે હાંસલ કરવા ઇચ્છો છો?
જવાબ : વધુ માં વધુ પૈસા કમાવા અને એ માટે દર બે વર્ષે નોકરીઓ બદલ્યા કરવી.

૧૩. તમે અમારી કંપની વિષે સાંભળ્યુ છે?તમે અમારા વિષે શું જાણો છો?
જવાબ : હા, હું જાણતો જ હતો કે તમે આ પ્રશ્ન પૂછશો.એટલે જ અહિં આવતા પહેલા હું તમારી વેબસાઈટ ખૂંદી વળ્યો હતો.

૧૪. તમને કેટલા પગારની અપેક્ષા છે અને તમે તેને કઈ રીતે યથાર્થ લેખાવશો?
જવાબ : કોઈ પોતાની પહેલી નોકરી જેટલા જ પગાર માટે નોકરી બદલે નહિં, આથી હું ઓછા માં ઓછા ૨૦% ઉંચા પગાર સાથે જોડાવા ઇચ્છીશ. (મને ખબર જ છે હું ગમે એટલો પગાર વધારવા કહીશ,તમે એ સંદર્ભે ભાવતાલ કરવાના જ છો.તેથી મેં મારી હાલની નોકરીમાં મેળવુ છું એ કરતાં ૩૦% ઉંચો પગાર જ તમને જણાવ્યો છે!)


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. વાહ, આવા જવાબ દેવા માટે પણ ભેજું તો જોઈએ જ..

    ReplyDelete