Sunday, June 6, 2021

આઠ મિનિટની શ્રેષ્ઠ ફિલ્મ

      એક સિનેમાગૃહે જાહેર કર્યું કે આઠ મિનિટની એક ટૂંકી ફિલ્મને જગતની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી છે અને મહત્તમ લોકો તે જોઈ શકે એટલે તેના એક વિનામૂલ્ય શો નું આયોજન કરવામાં આવ્યું છે. નિયત દિવસે શો નો સમય થયો અને આખો સિનેમા હોલ ભરાઈ ગયો. ફિલ્મ શરૂ થઈ અને પડદા પર એક ખાલી ઓરડાની સાવ સાદી છત પ્રદર્શિત થઈ, કોઈ પ્રકારના રંગરોગાન કે ભપકા વગરની, માત્ર સફેદ રંગની સાદી છત.

ત્રણ મિનિટ પસાર થઈ ગઈ. પણ પડદા પરનું દ્રશ્ય બદલાયું જ નહીં. માત્ર પેલી ધોળી છત જ સિનેમા હોલના પડદા પર કાયમ રહી.

    બીજી ત્રણ મિનિટ પસાર થઈ ગઈ, પણ કેમેરો પેલી છત પરથી ખસતો જ નહોતો. છ મિનિટ પસાર થઈ જવા છતાં સિનેમા માં કંઈ આગળ જ વધતું નહોતું એટલે હવે પ્રેક્ષકો અકળાયા. કેટલાક ઉભા થઈ બહાર જવા પ્રયત્ન કરવા લાગ્યાં. કેટલાકે બૂમો પાડી વિરોધ નોંધાવ્યો અને એવો સૂર જતાવ્યો કે માત્ર છત બતાવવા બોલાવી શા માટે આટલાં બધાં લોકોનો સમય બરબાદ કર્યો.

   પણ વધુ હોબાળો થાય એ પહેલાં, સિનેમા હોલ ના પડદાં પરનો કેમેરો ધીમે ધીમે છત પરથી ખસી ઘરની એક ખાલી દિવાલ પર કેન્દ્રિત થયો અને થોડી વાર પછી ઘરની જમીન પડદા પર દેખાઈ. જ્યાં એક ખાટલો હતો અને તેના પર એક દિવ્યાંગ બાળક સૂતેલ નજરે ચડયો, જેના નાનકડા શરીરની કરોડરજ્જુમાં ઈજાને કારણે તે બિલકુલ હલનચલન કરી શકતો નહોતો.

    થોડી વાર પછી કેમેરો ફરી પાછો પેલી કંટાળાજનક છત પર પાછો ફર્યો પણ આ વખતે તેના પર આ પ્રમાણે લખાણ અંકિત થયેલું હતું :

અમે તમને આ બાળકની રોજનીશીમાંથી માત્ર આઠ મિનિટ બતાવી છે. તમે જે માત્ર થોડી મિનિટ જોયું તે આ દિવ્યાંગ બાળક તેની આખી જિંદગી જુએ છે. તમે એ માત્ર આઠ મિનિટ પણ સહન કરી શક્યા નહીં... આથી તમારા જીવનની સાજા સારા વિતાવેલી દરેક ક્ષણનું મૂલ્ય સમજો અને તેને ઈશ્વરના તમારા પર આશિર્વાદ સમજી એ માટે તેનો આભાર વ્યક્ત કરો. જીવન અને સમયનું મૂલ્ય તમે તેને ગુમાવી નહીં બેસો ત્યાં સુધી તમને સમજાશે નહીં.

તમે મુક્ત રીતે હલનચલન કરી શકો છો, ઘરની બહાર નીકળી જીવન, તાજી હવા, પ્રકૃતિ વગેરે જુદા જુદા રંગે, સ્વરૂપે માણી અને અનુભવી શકો છો. તેનું મૂલ્ય સમજી તેને વેડફી ન દો.

(ઇન્ટરનેટ પરથી)


1 comment:

  1. લાંબા સમય પછી પોસ્ટ મૂકી છે, તમારી પોસ્ટ ની રાહ જોઈએ છીએ.....આભાર..... વિકાસભાઈ.

    ReplyDelete