Monday, March 9, 2020

પ્રતિક્રિયા આપતા પહેલા વિચારો

     એક ગધેડાને તેના માલિકે એક ઝાડ સાથે બાંધ્યો હતો. શેતાને આવીને ગધેડાને મુક્ત કરી દીધો. ગધેડો સીધો ખેતરમાં દોડ્યો અને તેણે પાકને નુકસાન પહોંચાડવા માંડ્યું. ખેડૂતની પત્નીએ આ જોયું અને તેણે ગધેડાને ઠાર માર્યો.
    ગધેડાના માલિકે આ જોયું અને તેણે ગુસ્સે ભરાઈ ખેડૂતની પત્નીને મારી નાખી. ખેડૂતને આ બાબતની જાણ થતાં, તેણે ગધેડાના માલિકની હત્યા કરી નાંખી. ગધેડાના માલિકની પત્નીએ વેર વાળવા પોતાના પુત્રોને ખેડૂતનું ઝૂંપડું બાળી નાખવા મોકલ્યા.
    ગધેડાના માલિકના પુત્રોએ મોડી સાંજે માતાની આજ્ઞાનું પાલન કરતા ખેડૂતનું ઝૂંપડું બાળી નાખ્યું. તેમણે ધાર્યું કે ઝૂંપડા ભેગો ખેડૂત પણ બળી મર્યો હશે, પણ એમ બન્યું નહીં. ખેડૂતે આ દુર્ઘટનાની જાણ થતાં ગધેડાના માલિકની પત્ની અને તેના પુત્રોને મારી નાખ્યાં.
    આખરે પસ્તાવાની આગમાં તડપતા ખેડૂતે શેતાનને પૂછ્યું આ બધું શા માટે બન્યું?
શેતાને જવાબ આપ્યો, "મેં તો કંઈ જ કર્યું નથી. માત્ર ગધેડાને ખુલ્લો મૂકી દીધો. ત્યાર બાદ તમે બધાએ પ્રતિક્રિયા આપી, ઉગ્ર પ્રત્યાઘાત આપ્યાં અને તમારામાં રહેલા આંતરીક શેતાનને છૂટ્ટો દોર આપી દીધો."
   સમજાયું?
    શેતાન કંઈ કરતો નથી, માત્ર તમારાં અહમ્ ને જગાડી વિનાશની લીલા નોતરે છે અને તેમાં તમે, તમારી આસપાસના સર્વે બરબાદ થઈ જાઓ છો.
   તો હવેથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પહેલા, જવાબ આપતા પહેલા, પ્રતિભાવ આપતા પહેલા, કોઈને ઠપકો આપતા પહેલા, વેર વાળવાનો વિચાર કરતા પહેલા થોભો અને વિચારો. ધ્યાનથી પરિસ્થિતી મૂલવો. ઘણી વાર શેતાન માત્ર આપણી અંદરના 'ગધેડા' ને મુક્ત કરવાનું જ કામ કરતો હોય છે.

(ઇન્ટરનેટ પરથી) 

No comments:

Post a Comment