Wednesday, November 7, 2018

સાયક્લિંગ રેસ

વહેલી સવારે સાયક્લિંગ કરતી વખતે મારું ધ્યાન એક વ્યક્તિ પર ગયું જે મારા કરતા અડધો એક કિલોમીટર આગળ હશે. મને લાગ્યું કે તે મારા કરતા ધીમી સાઇકલ હાંકી રહ્યો છે અને હું સરળતાથી તેની આગળ નીકળી જઈશ. આ લાગણી અનુભવી મને સારું લાગ્યું. અને મેં મારી ઝડપ ક્રમશ : વધારવી ચાલુ રાખી. થોડી જ વારમાં હું તેનાથી માત્ર સો એક ડગલાં પાછળ હતો. હવે મેં વધુ જોશથી ઝડપ વધારી. હું તેના સુધી પહોંચી, તેનાથી આગળ નીકળી જવા કૃતનિશ્ચયી હતો. અંતે હું એમ કરવામાં સફળ રહ્યો. મને મનમાં થયું મેં તેને હરાવ્યો. અલબત્ત તેને તો ખબર પણ નહોતી કે મેં તેની સાથે સ્પર્ધા લગાવી છે.
તેનાથી આગળ નીકળી ગયા બાદ મને ભાન થયું કે તેની સાથે સ્પર્ધા કરવાના ઝનૂનને લીધે હું મારા ઘર તરફ લઈ જતી ગલી ચૂકી ગયો હતો.મારી આંતરિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હું ચૂકી ગયો હતો, આસપાસની લીલોતરી નું સૌંદર્ય માણવાનું પણ હું ચૂકી ગયો હતો.આત્મ શોધ કરાવતું ધ્યાન ધરવાનું હું ચૂકી ગયો હતો. ઉલટું, બિનજરૂરી ઉતાવળને કારણે મારો પગ બે ત્રણ વાર પેડલ પરથી સરકી જવાને કારણે હું કદાચ ક્યાંક પડી ગયો હોત તો મારા અંગને ઈજા પહોંચાડી શક્યો હોત. 
મને સમજાયું  કે જીવનનું પણ આવું જ છે. જ્યારે આપણે આપણાં સહકર્મચારીઓ સાથે, પાડોશી કે મિત્રો કે કુટુંબીજનો સાથે તેમનાથી આગળ થઈ જવા સ્પર્ધા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એ સાબિત કરવા કે આપણે તેમનાથી વધુ મહત્વના કે સફળ કે સુખી છીએ ત્યારે આ સોદામાં આપણે અંગત સુખ-ચેન ખોઈ બેસતા હોઈએ છીએ. 
આપણે એમ કરવા જતા એટલો બધો સમય અને શક્તિ વેડફી નાખીએ છીએ કે પોતાની મંઝિલ એમાં ક્યાંક વિસરી જઈએ છીએ. બિનતંદુરસ્ત સ્પર્ધાનો ગેર ફાયદો એ છે કે તેનો ક્યારેય અંત આવતો નથી. કોઈક ને કોઈક સદાયે તમારી આગળ હશે, કોઈકની નોકરી તમારા કરતા વધુ સારી હશે તો કોઈક ની ગાડી તમારી ગાડી કરતા વધુ મોટી 
ને મોંઘી હશે, કોઈકનું બેંક બેલેન્સ તમારા કરતા વધુ હશે તો કોઈક નું શિક્ષણ તમારા કરતાં વધુ, કોઈકની પત્ની તમારી પત્નીથી વધુ સુંદર હશે તો કોઈકના બાળકો તમારા બાળકો કરતાં વધુ આજ્ઞાકારી તો વળી કોઈકની પરિસ્થિતી અને સંજોગો તમારાં કરતા વધુ ઉજળા હશે. 
પણ એક અતિ મહત્વની વાત એ છે કે તમે જ્યારે કોઈ સાથે સ્પર્ધા ન કરતાં હોવ ત્યારે તમે શ્રેષ્ઠતમ બની શકો છો. કેટલાક લોકો અસુરક્ષિતતા અનુભવતા હોય છે કારણ તેઓ સતત પોતાની સરખામણી બીજાઓ સાથે કર્યા કરતા હોય છે, તેઓ સતત ધ્યાન
 એ રાખવામાં રત હોય છે કે અન્યો ક્યાં જાય છે, અન્યો શું પહેરે છે, શું વાત કરે છે, કઈ ગાડી ચલાવે છે વગેરે. તમને ઈશ્વરે જે ઉંચાઈ, વજન અને વ્યક્તિત્વ આપ્યા હોય તેનો સ્વીકાર કરો. અનુભવો કે તમારા પર ઈશ્વરની કૃપા અવતરી છે. 
સજાગ રહો, સચેત રહો અને તંદુરસ્ત જીવન જીવો. 
કિસ્મતમાં કોઈ કોઈની સ્પર્ધા કરી શકતુ નથી. દરેકની કિસ્મત તેની પોતાની જ હોય છે. 
સરખામણી અને સ્પર્ધા આનંદ હરી લેનારા છે, તે તમને સુખેથી જીવવા દેતા નથી. 
તમારી પોતાની દોડ માણી શાંતિપૂર્ણ, આનંદી અને લાંબુ જીવન જીવો. 
🚴♂🚴♂🚴♂
(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment