Saturday, January 6, 2018

જલધિતટે કવિ



               ગુજરાતી ભાષાની સુવિખ્યાત પ્રાર્થના 'અસત્યો માંહેથી'...ના સર્જક કવિ એટલે શ્રી ન્હાનાલાલ ... શ્રી પી કે દાવડા સાહેબની એક બ્લૉગપોસ્ટમાંથી એક અદભૂત ફોટોગ્રાફ અને પાછળની કલાત્મક સ્ટોરી જાણવા મળી. તેમના જ શબ્દો કૉપી-પેસ્ટ કરું છું...

૧૯૩૬-૩૭ ની આસપાસની આ વાત છે. એક દિવસ જગન મહેતા(ગાંધીજીના ફોટોગ્રાફર)  જૂહુના દરિયા કિનારે લટાર મારતા હતા અને એમની નજર એક વૃધ્ધ દંપતી ઉપર પડી. જગન મહેતાના મનમાં એકાએક ‘ફ્લૅશ’ થયો આ તો કવિ ન્હાનાલાલ અને માણેકબા! એમનાં પત્ની! અહીં જૂહુના દરિયાકિનારે ક્યાંથી? એમની આ જીવનસંધ્યા છે અને સંધ્યાકાળે જ ‘સખી’ સાથે સમુદ્રકિનારે ફરવા આવે છે. એમની આ તસવીર પાડી લીધી હોય તો? એ સંધ્યા તો વીતી ગઈ, પણ બીજી સંધ્યાએ જગન મહેતા કૅમેરા લઈને હાજર થઈ ગયા. સારી વાર રાહ જોયા પછી કવિ ધીમી ચાલે આવતા દેખાયા. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજો હાથ વૃદ્ધા પત્નીના ખભે. કવિએ સ્મિત કર્યું : ‘અરે ભાઈ, હવે આ ઉંમરે અમારા ફોટા કેવા ! હવે તો અમે...’ એમણે ડૂબતા સૂરજ તરફ લાકડી ચીંધી. ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે, અને ડૂબતા સૂરજના તેજને લીધે પાછળ તરફ પડતા પડછાયાને ઝડપી લેવા જગન મહેતાએ પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, “જલધિતટે કવિ.” 



કુમારમાં એ ફોટો છપાયો અને આ ચિત્ર અમર બની ગયું. કવિની જીવનસંધ્યા અને આકાશી સંધ્યાનું એવું તો અદભૂત સંયોજન એ ફોટોગ્રાફમાં ઊતર્યું, એ માત્ર નિર્જીવ ચિત્રને બદલે કાગળ પર છાયાંકિત કવિતા બની ગઈ. ખુદ કવિ ન્હાનાલાલ અને માણેકબા રાજી થયા. ઉઘાડા પગે અને લાકડીના ટેકે દરિયા કિનારાની ભીની રેતીમાં ચાલતા કવિ શ્રી ન્હાનાલાલની આ ઐતિહાસિક તસ્વીર છે. તસ્વીરમાં રેતીનો વિશાળ પટ ખાસ ધ્યાન ખેંચે છે. જે સમયની આ તસ્વીરો છે, એ સમયમાં કેમેરા આજના જેવા શક્તિશાળી ન હતા. એ સમયે તસ્વીરોને Edit કરવાની પણ કોઈ ટેકનીક ન હતી. ત્યારે હોમાયબાનુ અને જગન મહેતાએ લીધેલી તસ્વીરો જોઈ વાહ વાહ બોલી જવાય છે.

 ('ઇન્ટરનેટ  પરથી')

No comments:

Post a Comment