Saturday, January 12, 2013

મા, બાપ અને ભાઈ ને એક દીકરી અને બહેન નો પ્રેમ ભર્યો પત્ર

વાચક મિત્રો, અત્યાર સુધી મેં ઇન્ટરનેટ કોર્નરમાં મને ગમેલી કે મારા વાંચવામાં આવેલી સારી સારી વાતોને જ અનુવાદિત કરી તમારા સૌ સમક્ષ રજૂ કરી છે પણ થોડા સપ્તાહ પહેલા એક અજાણી યુવતિએ ઇમેલ દ્વારા પોતાની વાત તેની સાચી ઓળખ રજૂ કર્યા વગર તમારા સૌ સમક્ષ મૂકવા આજીજી કરી છે અને તેની આ વાત મારા હ્રદયને ચોક્કસ સ્પર્શી છે તેથી તે સાચી છે કે ખોટી તેની ઝાઝી શોધખોળ કર્યા વગર તેના જ શબ્દોમાં થોડા ભાષાકીય સુધારાવધારા સહ રજૂ કરું છું એવી આશા સાથે કે તેનો સંદેશ દરેક મા-બાપ અને ભાઈઓ સુધી પહોંચે...


- વિકાસ ઘનશ્યામ નાયક

મારું નામ સુષમા છે.હું તમને આ લેખ લખી મોકલી રહી છું એવી આશા સાથે કે તમે તે તમારી કોલમમાં છપાવશો અને મારી સંવેદના તમારા હજારો વાચકો સુધી પહોંચાડશો.આમ થશે તો હું તમારો ઉપકાર જિંદગી ભર નહિ ભૂલું.

અને આ ઇમેઇલ હું તમને મારા 'ડમી' આઈડી પરથી મોકલી રહી છું. મારા ઘર માં છોકરીઓ ને જીમેલ કે ફેસબુક વાપરવાની છૂટ નથી.હું તમને મારા ફેમિલી ની એક સાચી વાર્તા કહેવા માંગું છું જે હકીકત છે.અમે લોકો ગુજરાતના પાલનપુર બાજુના છીએ.પણ મુંબઈ શહેર માં રહીએ છીએ.હું ૧૬ વર્ષની છું. અને હું જે કહેવા માંગુ છું એ આ દુનિયા ના દરેક મા,બાપ અને ભાઈ માટે છે.એ એક એવી વાત છે જે હું આટ્લી નાની ઉંમરે ફક્ત એક ડાયરી વાંચી ને સમજી ગઈ પણ મારા પરિવારજનો હજુ સુધી નથી સમજી શક્યા.એટલે હું ઇચ્છું છું કે તમે આ લેખ ને શિર્ષક 'મા, બાપ અને ભાઈ ને એક દીકરી અને બહેન નો પ્રેમ ભર્યો પત્ર' હેઠળ છાપો.અમે ૪ ભાઇ બહેન છીએ.હું સૌથી નાની.મારા થી મોટી મારી એક બહેન હતી જે ખૂબ જ સુંદર હતી. હતી એટલા માટે કારણકે હવે એ આ દુનિયા માં નથી.ઘર ના બધા લોકો નું એ ખૂબ જ ધ્યાન રાખતી.બહુ જ પ્રેમાળ હતી એ........અને એટલેજ ભગવાને તેને કદાચ જલ્દી પોતાની પાસે બોલાવી લીધી.માફ કરજો હું મારા પરિવારજનોની સાચી ઓળખ નહિ આપી શકું.મારી એ બહેન જેને હું પ્રેમ થી સ્વીટી દીદી બોલાવતી, તેમના થી એક ભૂલ થઈ ગઈ.એ કોઇ ને પ્રેમ કરી બેઠા.અને એ પણ ત્યારે જ્યારે એ ભણતા હતા.એક દિવસ અચાનક એમના આ પ્રેમ ની ઘરમાં બધા ને ખબર પડી ગઈ.અને દીદી ને સખત ચેતવણી આપી દેવાઈ કે તેઓ એ છોકરા ને ક્યારે પણ ન મળે અને ક્યારેય ફોન ના કરે.ભાઇ તો હંમેશા દીદી ની હરકતો પર ધ્યાન રાખતો અને મારી બીજી મોટી દીદી તો હંમેશા સ્વીટી દીદી ને ટોણા મારતી.મારા ઘરવાળાઓએ એક વાર પણ એ ના પુછ્યું કે એ છોકરો શું કરે છે? ક્યાં રહે છે ? વગેરે. અને જો દીદી કંઈ પણ કહેત તો પણ મારા ઘરવાળાઓ એ ના જ સાંભળત કારણ કે અમારા ઘરમાં અને સમાજમાં પ્રેમ લગ્ન અને પરગ્ન્યાતિમાં લગ્ન મંજૂર નથી.એ દિવસ પછી દીદી તે છોકરા ને ક્યારેય ન મળી.થોડો સમય બધું ઠીકઠાક ચાલ્યું.બે વર્ષ પછી મારી મોટી દીદી ના છૂટાછેડા થઈ ગયા. તેઓ પોતાના બે છોકરાઓ સાથે અમારે ઘેર પાછા ફર્યા. મારા ભાઈ નું સગપણ ત્રણ વાર થયું અને તૂટી ગયું.ઘરવાળા એમ સમજતા હતા કે નસીબ માં જે હશે એ જ થશે પણ એમને એ ન દેખાયું કે મારી દીદી ના પ્રેમ ને તેમણે રૂંધ્યો હતો. હંમેશા તેઓ હીટલર જ બની ને રહેતા.ક્યારેય મારી દીદી સાથે પ્રેમ થી વાત નથી કરી કે એક વાર એમ નથી પૂછ્યું કે શું એ છોકરાને તું સાચે ચાહે છે.....

તો તેમને દીદી ની બદદુઆ તો લાગવાની જ હતી અને ભલે દીદી તેમને બદદુઆ ન આપે પણ તેમના પ્રેમ ને દૂર કરી દીધો તેની સજા તો ભગવાન આપવાના જ ને...ભાઈ ઘણી છોકરીઓ જોડે ફોન પર વાત કરતો પણ જો મારા સ્વીટી દીદી કોઇ પણ છોકરા સાથે વાત કરતા તો હજાર પ્રશ્નો ચાલુ થઈ જતા ઘરવાળાઓના. એટલું જ નહિ એમના ફોન માં પણ એકેય છોકરાનો નંબર સ્ટોર થયેલો હોવો જોઇએ નહિ.મારા મમ્મી ભાઈ માટે છોકરીઓ જોવાનું બંધ કરતા જ નહોતા.અને જે કોઈ માગા આવતા હતા એ 'સાટા' માંજ આવતા હતા એટલે કે સામે વાળા ની છોકરી આપણા ઘરે આવે અને આપણી છોકરી એમના ઘરે જાય.મારા દીદી ફાર્મસી નું ભણેલા.અને જે પણ માગા આવતા હતા એ બધા ગામડામાં જ રહેવાના આવતા એટલે કે દીદી એ લગ્ન પછી હંમેશા ત્યાંજ રહેવાનું અને એમની કારકિર્દી ત્યાંજ પૂરી થઈ જાય.પણ મારા માતાપિતા તો એના માટે પણ તૈયાર હતા કે જો ભાઈ ને સારી છોકરી મળે છે તો બધું ચાલશે પછી દીદી માટે ભલે ને છોકરો ગમે તેવો હોય.દીદી આ બધી વાત થી ખૂબ જ દુ:ખી થતા.એક દિવસ અચાનક દીદી નું અભ્યાસનું ફાઈનલ એક્ઝામનું પરીણામ આવ્યું. અને એ એમાં નાપાસ થયા.ઘરવાળાઓ એ દીદીને એવા જ મહેણાટોણા માર્યા કે હજુ એ છોકરા ના વિચારોમાં અને તેની જોડે ફોન પર સમય વેડફતી હશે એટલે જ આવું પરિણામ આવ્યું. એ દિવસે દીદી બહુ રડ્યા.એ નાપાસ થયા એ માટે નહિ પણ તેમનો પોતાનો પરિવાર,તેમના સગા મા-બાપ અને ભાઈ બહેન તેમને સમજી શકતા નહોતા.એ ક્યારે પણ પોતાના મનની વાત કોઇ ને ન કહેતા.એટલે જ એમને ડાયરી લખવાની આદત હતી.અને એ ડાયરી મા મેં વાંચ્યુ કે દીદીએ તે દિવસે એમ લખ્યું હતું કે બધાને એમ જ લાગે છે કે હું એને હજુ પણ મળતી હોઈશ એને લીધે જ આ પરીણામ આવ્યું છે,પણ હકીકત તો એ છે કે મને એના થી દૂર કરી એની અસર મારા અભ્યાસ પર પડી છે.હું એને મળતી નથી.પણ જો મને તેની યાદ આવે તો હું શું કરી શકું?પ્રેમ કર્યો છે, કેવી રીતે ભૂલી જઉં? અને પ્રેમ હંમેશા મળે એ જરૂરી નથી પણ આપણા મન માં થી એને કઈ રીતે દૂર કરી શકાય?

એમણે એ પણ લખેલું કે હું લગ્ન કરી દેશમાં જવા નથી ઇચ્છતી.મારી મંઝિલ તો પહેલેથી જ અહિં શહેર માં છે જેને હું પ્રેમ....પણ આ વાત હું મારા પરિવાર ને તો કહી જ ન શકું અને કંઈ કહ્યા વિના તેઓ કંઈ સમજી શકશે નહિ...અને જો હું કહી પણ દઈશ તો તેઓ એમનો અહમ ક્યારેય નહિ ત્યજે. અને હું જાણું છું કે ભૂલ મારી જ છે. પ્રેમ કરવાની ભૂલ...જેની સજા મને ઘરવાળાઓ એ આપી.જે નસીબ માં હોય એ કબૂલ.

ડાયરીના પછીના પાને દીદી એ લખેલું કે હું જ્યા ક્યાંય પણ જા ઉં છું ભાઈ માટે હંમેશા દૂઆ કરું છું કે ભાઈ એક વાર કોઇ ને પ્રેમ કરે અને એ અનુભવે કે પ્રેમ એ કેટલી સુંદર ભેટ છે. જે બધાનાં નસીબમાં નથી હોતી...અને પ્રેમ કરવો એ કોઇ પાપ નથી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ પ્રેમ કર્યો હતો રાધાજી ને...તો આવા પવિત્ર પ્રેમ ને તમે પાપ કેવી રીતે કહી શકો?અને હા ભાઈ તને આ દુનિયા ની સૌથી સારી છોકરી મળશે. આ મારી દૂઆ છે તારા માટે. મમ્મી માટે લખેલું કે મમ્મી મારો શું વાંક હતો કે ભાઈ માટે સારી છોકરી પસંદ કરવા માટે તમે મારો સોદો કરવા પણ તૈયાર થઈ ગયા?મને ગમે તેવા ગામડાના છોકરા સાથે પરણાવી દેવા રાજી થઈ ગયા?પપ્પા માટે કહેલું કે પપ્પા તમને તો હું મારા શ્રેષ્ઠ મિત્ર સમજતી હતી,જેમની સાથે હું મારી બધી વાતો શેર કરતી હતી..પણ આ વાત તમને ન કહી શકી કે પપ્પા હું જેને પસંદ કરું છું, તેને એક વાર જોઈ લો અને મારા લગ્ન તેની સાથે જ કરાવજો..પપ્પા, એ મને આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે..હું નહિ જીવી શકું એના વિના..કાશ આ બધું તમને કહેવાનો મને એક મોકો મળે..

અને એના બીજાજ દિવસે દીદી એ આત્મહત્યા કરી લીધી ટ્રેન નીચે આવી જઈ ને...કેટલું દુ:ખ અને કેટલી ખ્વાહિશો મારા દીદી એમની સાથે જ લઈ ને જતા રહ્યા અને એ તો તમે સમજી શકશો કે એ કેટલા પીડાયા હશે એ વાત થી કે એમને સમજવાવાળી એક વ્યક્તિ પણ એમના ઘરમા નહોતી. એટલે જ એમણે આવું અંતિમ પગલું પસંદ કર્યું હશે...

મારી હાથ જોડીને વિનંતિ છે આ દુનિયાના દરેક મા-બાપ ને કે મહેરબાની કરીને એક વાર પોતાની દીકરી ને તેના દિલ ની વાત પૂછ જો એના લગ્ન ગમે ત્યાં કરાવતા પહેલા.એની મરજી પૂછ જો એક વાર.અને જો એ કોઈ ને પ્રેમ કરતી હોય તો એના પ્રેમ ને માન આપ જો અને એક વાર એ છોકરાને મળી જો જો કે એ કેવો છે,શું કરે છે,કેટલો લાયક કે હોંશિયાર છે..વગેરે વગેરે..પછી જ વાત આગળ વધાર જો.પણ પહેલા જ ના પાડી ને તમારી દીકરીઓ ને જીવતી જ ન મારી નાંખશો.અને આટલું કહ્યા પછી પણ જો કોઈ મા બાપ મારી વાત નથી સમજી શકતા કે નથી સમજ્વા માગતા તો એમના માટે હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા કરતા તો એ મા-બાપ સારા જે છોકરી જન્મતા કે એના પહેલા જ એને મારી નાખે છે.આખી જિંદગી તેને દુ:ખ આપવા કે રડાવવા કરતા તો એ સારુ છે.એ નહિ ભુલો કે એક દીકરી કે બહેન ના દિલ ને દુ:ખી કરી ને કે ઠેસ પહોંચાડી ને આ દુનિયામાં કોઈ સુખી નથી થઈ શકવાનું...


1 comment:

  1. ગયા શનિવારે એક યુવતિ દ્વારા લખાયેલી જે સાચી કથા 'મા,બાપ અને ભાઈને એક દીકરી,બહેનનો પ્રેમભર્યો પત્ર' શિર્ષક હેઠળ છાપી હતી તે વાંચી ઘણાં વાચકમિત્રોના પ્રતિભાવ ફોન અને એસ.એમ.એસ દ્વારા મળ્યા.આ વાત વાચકોના હ્રદયને સ્પર્શી ગઈ કારણ તે ખરા હ્રદય પૂર્વક લખાયેલી વાત હતી.કેટલાક પ્રતિભાવ આ મુજબ છે.

    Hi..just nw i read yr article frm jnmbmi, superb story of girl..simply the best.
    Honestly while reading, tears came out frm eyes...n kept on sobbing,, thinking abt tht little girl, who realy passed through this situation.
    - કવિતા સંઘવી (SMS દ્વારા)

    તમે આ એક અતિ સંવેદનશીલ વાત લખી અનેક માબાપોને સાચી સમજ આપી છે.
    - કૌશિક દવે

    તમે આ વાત લખી અનેક માબાપોની આંખ ઉઘાડી છે.અમારા સમાજમાં આજે પણ આ પ્રકારના કિસ્સા બને છે.એક છોકરીને ગુમાવ્યાનું દુ:ખ તેના માબાપ જ સમજી શકે છે.
    - આ વાત જેવો જ કિસ્સો જેના જીવનમાં બન્યો છે તેવા એક પિતા (ફોન પર વાત કરતા કરતા તે ગળગળા થઈ રૂદન ખાળી શક્યા નહોતા)

    તમારૂં હ્રદય ખૂબ ઉંડું હોવું જોઇએ અને તમે હ્રદયથી વિચારનાર વ્યક્તિ હશો.આથીજ આટલી સુંદર વાત હ્રદયસ્પર્શી વાત આપની કોલમમાં છાપી શક્યા.અભિનંદન!
    - નરોત્તમ મહેતા

    ReplyDelete