Sunday, July 29, 2012

નાના માણસના કામને બિરદાવો અને ખુશી ફેલાવો

તમે સરળતાથી કોઈનું જીવનધોરણ ઉંચુ લાવી શકો છો અને એમ કરીને તમે પોતાનું જીવન ધોરણ પણ ઉંચુ આણો છો.


જો તમને એમ લાગતું હોય કે આ જગતમાં તમે મહત્વનું પરિવર્તન લાવી શકો એમ નથી તો આજે ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કરેલી આ કથા વાંચો.

થોડા સમય અગાઉ, હું અને એની કેલિફોર્નિયાના પેબલ બીચ પર આવેલી પંચતારક હોટલ 'સ્પેનીશ બે' ખાતે રોકાયા હતાં. અમે ત્યાં રહ્યા, એ દરમ્યાન એક કોરિયન યુવતિ ત્યાં અમારા રૂમની સફાઈ કરવા આવતી. તે પોતાનું કામ ખૂબ નિષ્ઠા,ખંત અને ચોકસાઈપૂર્વક કરતી. અમે તેનું નામ જાણી લીધું અને બીજા દિવસે જ્યારે અમારે કામ માટે બહાર જવાનું થયું એ પહેલા મેં તેના નામે, હ્રદય પૂર્વકનો આભાર માનતી અને તેના કાર્યને બિરદાવતી એક નોંધ લખેલી ચબરખી ટેબલ પર રૂમમાં મૂકી દીધી.

સાંજે અમે પાછા ફર્યા ત્યારે તે અમારા રૂમમાં આવી અને તેણે નમ્રતાપૂર્વક અમારો આભાર માન્યો.અમે નોંધ અંગ્રેજીમાં લખેલી અને તેને અંગ્રેજી આવડતું નહોતું પણ તેના ઉપરીએ તેણે અનુવાદ કરી સંભળાવ્યો હતો અને તેની ખુશીનો કોઈ પાર નહોતો! તેના ઉપરીને પણ અમારી નોંધ ખૂબ ગમી.

તેના અમારા રૂમમાં આવવાનું કારણ એ જ હતું કે તે અતિ ભાવુક અને ગળગળી થઈ ગઈ હતી. આથી તે અમારો આભાર વ્યક્ત કરવા ઇચ્છતી હતી અને અમને એ જણાવવા માગતી હતી કે એ ચિઠ્ઠીનું તેને મન કેટલું મહત્વ હતું! સુંદર સ્મિત સહ તેણે અમને વિનંતી કરી કે શું એવી જ એક બીજી ચિઠ્ઠી અમે તેને લખી આપી શકીએ.અમે લખેલી પહેલી આભારનોંધ તો તેના ઉપરીએ પોતાની પાસે રાખી લીધી હતી,હોટલમાં રીસેપ્શન પાસે ખાસ બોર્ડ પર લગાવવા. આથી બીજી નોંધ એ યુવતિ પોતાની પાસે રાખવા ઇચ્છતી હતી જેથી એને જોઈ પોતે રોજ પોતાનું સારું કાર્ય જાળવી રાખવા પ્રેરણા મેળવી શકે!

મેં સહર્ષ તેને બીજી આભારનોંધ લખી આપી.પહેલી આભાર નોંધ સાથે મેં બે ડોલરની ટીપ મૂકી હતી.બીજી વાર મેં તેને પાંચ ડોલરની ટીપ આપી.પણ એ સ્પષ્ટ હતું કે તેને મન પૈસાનું ઝાઝૂં મૂલ્ય નહોતું. તેની હોટલમાં ઉતરેલા અતિથી એ તેની મહેનતની કદર કરી અને તેની સારી કામગિરી બદલ તેની પ્રશંસા કરી એ બદલ તે ગદગદ થઈ ગઈ હતી.

તમે કોઈ પણ હોટલમાં ઉતરો, પછી ભલે તે ફાઈવસ્ટાર હોટલ હોય કે સામાન્ય દરજ્જાની લોજ હોય, ત્યાં સાફસફાઈનું કામ કરતાં કર્મચારીઓ ગરીબ હોય છે અને તેઓ પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણપોષણ સારી રીતે કરવા એ નોકરી કરતાં હોય છે.તેમનો પગાર કંઈ બહુ વધારે નથી હોતો.

આ કંઈ તેમના માટે સ્વપ્નમાં કલ્પી હોય તેવી નોકરી નથી કે નથી તેની સાથે કોઈ આકર્ષણ કે ભપકો જોડાયેલાં. તેઓ મજબૂરીથી જ હોટલની રૂમના જાજરૂ સાફ કરવાથી માંડી તમારા વાપરેલા ટુવાલ ઉપાડી, કચરો વગેરે સાફ કરવાના કામ કરતાં હોય છે.આ કામ બદલ મોટે ભાગે તેમને કોઈ પ્રતિભાવ આપતું નથી કે તેમને બિરદાવતું નથી.

પણ તમે આવો પ્રયત્ન કરી જુઓ.એકાદ આભારની ચિઠ્ઠી લખી જુઓ.એનાથી તમે માત્ર કોઈકના ચહેરા પર જ સ્મિત નહિં લાવો, પણ એ તેમના માટે જીવનભર સંઘરી રાખવા જેવું સંભારણું બની રહેશે. એનાથી તમને પોતાને પણ ઘણું સારું લાગશે.અને એ તમારો ફક્ત થોડો જ સમય માગી લેશે.

જો તમને સામે વાળી વ્યક્તિનું નામ ખબર ન હોય તો તમે હાઉસકિપીંગના નંબર પર ફોન કરી એ પૂછી શકો છો અથવા તેમની સાથે પ્રત્યક્ષ વાત કરીને પણ એ પૂછી શકો છો.

યાદ રાખો બીજાના ચહેરા પર ખુશી લાવી તમે પોતે પણ ખુશ થયા વગર રહી શકશો નહિં.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment