Saturday, November 19, 2011

અમાપ પ્રેમ


ફ્રેડા બ્રાઈટ કહે છે,"માત્ર ઓપેરા (નાટકો)માં લોકો પ્રેમ માટે મરી જાય છે."

આ સાચું છે. તમે કોઈ માટે જાન આપી દો એટલો પ્રેમ કોઈને કરી શક્તા નથી.મેં એવા ઘણાં લોકોને જોયા છે જેમનું મૃત્યુ પ્રેમ ન મળવાને કારણે થયું હોય,પણ કોઈ કોઈની પાછળ પ્રેમ ખાતર મરી ગયું હોય એવું મેં આજ સુધી જોયું નથી.એટલો પ્રેમ કદાચ આપણે કોઈને કરી શક્તા જ નથી.

એક હ્રદયસ્પર્શી વાત વાંચીએ. એક સ્ત્રીએ આખરે પોતાના બોસને પગાર વધારવા કહેવાનું નક્કી કરી જ નાંખ્યું. એ આખો દિવસ તેણે ઉચાટ અને ડરમાં વિતાવ્યો. મોડી બપોર પછી તેણે પોતાના બોસને પ્રત્યક્ષ આ વિશે વાત કરવાની હિંમત કરી અને તેના સુખદ આશ્ચર્ય સાથે તેના બોસ તેનો પગાર વધારવા સંમત થઈ ગયા!

સાંજે તે જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનું ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવેલું હતું અને તેના પર નવો ઉત્તમ કક્ષાનો ડિનર સેટ ગોઠવેલો હતો. સુગંધિત મીણબત્તી જલી રહી હતી. તેનો પતિ જલ્દી ઘેર આવી ગયો હતો અને તેણે પોતે આ બધી સજાવટ કોઈ તહેવાર હોય એમ કરી હતી! સ્ત્રીને લાગ્યું તેની ઓફિસમાંથી કોઈકે તેના પતિને પગાર વધારાની ખુશ ખબર આપી દીધી હોવી જોઇએ કે પછી તેના પતિને વિશ્વાસ હતો કે તેની પત્નીની માગણી ઇશ્વર ચોક્કસ પૂરી કરશે?

તે ઘેર આવી ત્યારે તેનો પતિ રસોડામાં હતો. તેણે ત્યાં જઈ તેને આ ખુશ ખબર આપ્યા. તેઓ ભેટ્યા અને પ્રેમથી સાથે ડાયનિંગ ટેબલ પર આવી બેઠાં. સ્ત્રીની સુશોભિત ડિનરપ્લેટ પાસે એક સુંદર પત્ર પડ્યો હતો. તેણે એ ઉપાડી વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું : "હાર્દિક શુભેચ્છઓ ડિયર! મને ખાતરી હતી તને પગારમાં બઢતી મળશે જ! આ બધી સજાવટ તારી ખુશીની ક્ષણો ઉજવવા માટે અને મારો તારા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે...! હું તને ખૂબ ચાહું છું..."

ડિનર પતાવ્યા બાદ જ્યારે તેઓ ઉભા થયા અને તેનો પતિ બીજા રૂમમાં જવા ગયો ત્યારે તેના ખિસ્સામાંથી એક બીજો પત્ર બહાર પડી જતાં સ્ત્રી જોઈ ગઈ. તેણે એ ઉપાડી વાંચવા માંડ્યો. તેમાં લખ્યું હતું:"તને પગાર વધારો ન મળ્યો એ બદલ બિલકુલ નિરાશ ન થઈશ.તું એ માટેની લાયકાત ધરાવે જ છે.આજે નહિં તો કાલે તને એ મળશે ખરા. આ બધી સજાવટ મારો તારા પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા માટે છે ડિયર!"

કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રેમનું સાચું માપ ત્યારે જ કાઢી શકાય જ્યારે તે અમાપ હોય!

વાર્તામાં પતિનો તેની પત્ની પ્રત્યેનો ભાવ સંપૂર્ણ સ્વીકાર્યતા અને સાચા પ્રેમનો છે,પછી ભલે પત્ની સફળ જાય કે નિષ્ફળ. પતિનો પ્રેમ પત્નીની સફળતાનો ઉત્સવ મનાવે છે અને તેના જખમોને રૂઝવે પણ છે.

તે સદાય પત્નીને પડખે ઉભો રહે છે પછી ભલે તેમના જીવનમાં ગમે તેવી મુશ્કેલી કેમ ન આવી હોય. તે કહે છે તે પોતાની પત્ની પર જાન પણ ન્યોછાવર કરી શકે છે. પણ તેની જરૂર નથી. તેનો પ્રેમ તેમના જીવનને જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે.

મધર ટેરેસાને જ્યારે શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું: "તમે વિશ્વમાં શાંતિના પ્રસાર માટે શું કરી શકો? ઘેર જાઓ અને તમારા કુટુંબને ભરપૂર પ્રેમ આપો." ...અને તમારા મિત્રોને પ્રેમ આપો. જીવનપર્યંતનો પ્રેમ...

- સ્ટીવ ગૂડિયર

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment