Saturday, August 13, 2011

કદાચ જિંદગી બદલાઈ રહી છે!

[ ઇન્ટરનેટ પર એક સરસ મજાની હિન્દી કવિતા વાંચવામાં આવી.તેના રચયિતાની તો
જાણ નથી પણ એમાં રજૂ થયેલાં વિચારો મને સ્પર્શ્યા એટલે તેનો ભાવાનુવાદ આજે
ઇન્ટરનેટ કોર્નરમાં તમારી સૌ સાથે શેર કર્યો છે.આશા છે તમને ગમશે.
તમને આ કવિતા અને આ કટાર કેવા લાગે છે એ લખી મોકલશો તો આનંદ થશે!]

કદાચ જિંદગી બદલાઈ રહી છે!

જ્યારે હું નાનો હતો ત્યારે દુનિયા બહુ મોટી લાગતી હતી...

મને યાદ છે મારા ઘરથી સ્કૂલ સુધીનો એ રસ્તો જ્યાં શું શું નહોતું?

પીપરમીટની દુકાનો,જલેબીની લારી,બરફના ગોળા અને ઘણું બધું...

હવે ત્યાં 'મોબાઈલ શોપ' અને 'વિડીયો પાર્લર' છે,

છતાં સાવ સૂનું સૂનું લાગે છે...

કદાચ હવે દુનિયા સમેટાઈ રહી છે...



જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ ખૂબ લાંબી રહેતી હતી..

હું હાથમાં પતંગની દોરી ખેંચી કલાકો સુધી તેને આકાશમાં ઉડાડ્યા કરતો હતો..

એ લાંબી 'સાયકલ રેસ',એ બાળપણની રમતો,રોજ સાંજે થાકીને લોથ થઈ જવું,

હવે સાંજ નથી પડતી,દિવસ આથમે છે અને સીધી રાત પડી જાય છે.

કદાચ સમય પણ સમેટાઈ રહ્યો છે...



જ્યારે હું નાનો હતો કદાચ દોસ્તી ખૂબ પાક્કી થયા કરતી હતી...

દિવસ આખો એ અલગારી રખડપટ્ટી મિત્રોના વૃંદ સાથે,દોસ્તોના ઘેર જ ખાવાનું...

અત્યારે પણ મારા ઘણાં મિત્રો છે પણ કોણ જાણે મિત્રતા ક્યાં ખોવાઈ ગઈ છે?

જ્યારે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર મળીએ ત્યારે 'Hi' થઈ જાય છે અને અમે

પોતપોતાના રસ્તે ફંટાઈ જઈએ છીએ,

હોળી,દિવાળી,જન્મદિવસ,નવા વર્ષના અનેક SMS આવી જાય છે...

કદાચ હવે સંબંધો બદલાઈ રહ્યા છે...



જ્યારે હું નાનો હતો ત્યારે રમતો પણ અજબ ગજબની રમાતી હતી...

થપ્પો,પકડાપકડી,લંગડી,ડબ્બા આઈસ પાઈસ,ગાંધીજી કહે છે કે...,ગોળ ગોળ ટામેટું...

હવે ઇન્ટરનેટ અને ઓફિસમાંથી ફુરસદ જ નથી મળતી.

કદાચ જિંદગી બદલાઈ રહી છે...



જિંદગીનું સૌથી મોટું સત્ય એ જ છે...જે મોટે ભાગે કબ્રસ્તાન બહાર બોર્ડ પર લખ્યું હોય છે...

'મંઝિલ તો આજ હતી મારી, બસ જિંદગી પસાર થઈ ગઈ મારી અહિં આવતા આવતા...'

જિંદગીની પળો ખૂબ નાની નાની હોય છે...

ગઈ કાલ વિતી ગયેલી વાત છે તો આવતી કાલ માત્ર સપનામાં જ હોય છે..

હવે બચી ગયેલી આ ક્ષણોમાં...

આશાઓ ભરી આ જિંદગીમાં,

આપણે સૌ માત્ર દોડી રહ્યા છીએ...

થોડી ગતિ ધીમી કરો,

મારા મિત્ર,

જીવનને માણો...

સુખેથી જીવો અને બીજાઓને જીવવા દો..


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment