Saturday, November 27, 2010

હેપ્પી બર્થડે કસબ

મોહમ્મદ અજ્મલ કસબ,


તને 'વહાલા' તો શી રીતે લખી શકું? પણ હું તો માણસ છું ને? તારી જેમ થોડો...?

ખેર જવાદે...તને જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ...

હા...જો અમારા શાંતિ પ્રિય સત્તાવાળાઓએ તારી આટલી બધી અને સરસ કાળજી ન લીધી હોત તો તું તો ૨૬મી નવેમ્બર ૨૦૦૮ની એ ગોઝારી રાતે જ મરી ચૂક્યો હોત.

જ્યારે તે તારા બદ ઇરાદાને પાર પાડવા હજારો નિર્દોષ ભારતીયો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવેલી. તું કેટલો નસીબ વાળો છે કે તારી એક બંદૂકના ટ્રિગર વડે તે કેટલા બધાં મનુષ્યોનો વધ કરી નાંખ્યો હોવાં છતાં પોતે એક નવી ઝિંદગી મેળવી!

તું આમચી મુંબઈમાં ગેરકાનૂની રીતે ઘૂસ્યો અને તે અમારા સાંસ્ક્રુતિક વારસા સમી ભવ્ય ઇમારતોને નુકસાન પહોંચાડ્યુ, ક્રૂરતા પૂર્વક સેંકડો નિર્દોષ લોકોના જાન લીધા,કેટલીયે કમનસીબ સ્ત્રીઓને વિધવા બનાવી,કેટલાયે બાળકોને અનાથ બનાવ્યા અને તારા ઘ્રુણાસ્પદ હિચકારા હૂમલા દ્વારા અમારી પ્રિય મુંબઈ નગરીને મોટું, ન ભરપાઈ થઈ શકે એવું નુકસાન પહોંચાડ્યું.

હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તો - તને જીવતો અને હ્રુષ્ટપુષ્ટ, અમારા કરોડો રૂપિયાના ખર્ચ પર નભતો ,ઉચ્ચ પ્રકારનું ખાવાનું આરોગી,અમારા લોહીપાણી એક કરી કમાયેલા પૈસા પર તાગડધિન્ના કરતો જોઈ મારું લોહી ઉકળે છે...

એ દુર્ભાગ્યની વાત છે કે અમારી કમાઈ અને કરમાં ભરેલા રુપિયા પર તારા જેવો રાક્ષસ નભે છે, ખાય છે,પીએ છે અને આરામ ફરમાવે છે અને અમે અહિં ફફડતા જીવીએ છીએ કે ક્યાંક બીજો કોઈ કસાબ આવી અમારું જીવવું હરામ ન બનાવી દે.

જ્યારે ભારતમાં લાખો લોકો રસ્તાઓ પર પોતાનું જીવન વ્યતિત કરે છે અને જીવવા માટેની મૂળભૂત જરૂરિયાત તેમજ દવાદારૂ પણ પામતા નથી અને સતત એવા ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે કે ક્યાંક તારા જેવો કોઈ જંગલી હેવાન તેમને આ દશામાં પણ જીવવા ન દે અને પોતે અંઅધાધૂંધ ગોળીબારનો ભોગ ન બની બેસે ત્યારે અમારા સત્તાધારીઓ એ વાતનું ધ્યાન બારીકાઈથી રાખે છે કે તને કોઈ હેરાનગતિ ન થાય,તું સગવડપૂર્વક આરામદાયી જીવન જીવી શકે.



મને ખાતરી છે કે પોલિસ કસ્ટડીમાં તારી આજુબાજુ ગોઠવાયેલા પહેરેદારો તારી નાનામાં નાની વાત - જરૂરિયાતનું ધ્યાન રાખતા હશે.



અમને અમારી ન્યાયપ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ છે.અને અમને ખબર છે કે પેટિયુ રળવાની કે બે છેડા પૂરા કરવાની કોઈ માથાકૂટ વગર તું હંમેશ માટે જેલની ચાર દિવાલો વચ્ચે આરામથી તારું જીવન જીવવા પામીશ.

અમારી પાસે તો બીજા કેટલા મોટા મુદ્દાઓ છે જેના પર અમારે ધ્યાન આપવાનું છે અને હિંસા અને દમનથી રાજ કરવાનું છે જેમકે કોઈ મરાઠી સિવાય બીજી ભાષાનો પ્રયોગ કરે તો તેને અમારો પરચો બતાવી દેવાનો કે પછી મુંબઈ ને બદલે કોઈ ભૂલથીયે બોમ્બે બોલે તો તેના હાડકા ખોખરા કરી નાંખવા.

તે તારો ગુનો કબૂલી લીધાને મહિનાઓ વીતી ગયા અને હવે તો તને ગુનેગાર કરાર આપી સજા પણ સુણાવી દીધાં છતાં, અમારી 'કાર્યક્ષમ' સિસ્ટમ આવનારા દિવસોમાં પણ તારું, તારી સુરક્ષિતતાનું અને તારા આરામદાયી જીવનનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખશે. અને અમે સામાન્ય માણસ બે ટંકના રોટલા કમાવાની અને જીવનજંગમાં ટકી રહેવાની પળોજણ માં જ ગળાડૂબ વ્યસ્ત રહીશું.

તને જન્મદિવસની અનેકગણી શુભેચ્છાઓ કસાબ!મને ખાતરી છે તને અમારી સરકાર અને ન્યાયપદ્ધતિ સામે કોઈ ફરિયાદ નહિં જ હોય!

- એક સાચો ભારતીય


[આ પત્ર ગયા વર્ષે જ્યારે કસાબને જેલમાં એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે લખાયેલો જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તેની પાછળ ૩૧ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી હતી.અને એ પછીના એક વર્ષમાં તો તે ગુનેગાર પુરવાર થઈ ગયો હોવા છતાં,તેને મ્રુત્યુદંડની સજાનો ચુકાદો પણ જાહેર થઈ ગયા બાદ હજી કસાબ જેલમાં જીવન ગુજારી રહ્યો છે અને ૨૬મી નવેમ્બરે તેનો બીજો જન્મદિવસ (અને આ પછી પણ ભગવાન જાણે બીજા કેટલા જન્મદિવસો) ઉજવશે???]


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment