Showing posts with label philosophy. Show all posts
Showing posts with label philosophy. Show all posts

Wednesday, November 7, 2018

સાયક્લિંગ રેસ

વહેલી સવારે સાયક્લિંગ કરતી વખતે મારું ધ્યાન એક વ્યક્તિ પર ગયું જે મારા કરતા અડધો એક કિલોમીટર આગળ હશે. મને લાગ્યું કે તે મારા કરતા ધીમી સાઇકલ હાંકી રહ્યો છે અને હું સરળતાથી તેની આગળ નીકળી જઈશ. આ લાગણી અનુભવી મને સારું લાગ્યું. અને મેં મારી ઝડપ ક્રમશ : વધારવી ચાલુ રાખી. થોડી જ વારમાં હું તેનાથી માત્ર સો એક ડગલાં પાછળ હતો. હવે મેં વધુ જોશથી ઝડપ વધારી. હું તેના સુધી પહોંચી, તેનાથી આગળ નીકળી જવા કૃતનિશ્ચયી હતો. અંતે હું એમ કરવામાં સફળ રહ્યો. મને મનમાં થયું મેં તેને હરાવ્યો. અલબત્ત તેને તો ખબર પણ નહોતી કે મેં તેની સાથે સ્પર્ધા લગાવી છે.
તેનાથી આગળ નીકળી ગયા બાદ મને ભાન થયું કે તેની સાથે સ્પર્ધા કરવાના ઝનૂનને લીધે હું મારા ઘર તરફ લઈ જતી ગલી ચૂકી ગયો હતો.મારી આંતરિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હું ચૂકી ગયો હતો, આસપાસની લીલોતરી નું સૌંદર્ય માણવાનું પણ હું ચૂકી ગયો હતો.આત્મ શોધ કરાવતું ધ્યાન ધરવાનું હું ચૂકી ગયો હતો. ઉલટું, બિનજરૂરી ઉતાવળને કારણે મારો પગ બે ત્રણ વાર પેડલ પરથી સરકી જવાને કારણે હું કદાચ ક્યાંક પડી ગયો હોત તો મારા અંગને ઈજા પહોંચાડી શક્યો હોત. 
મને સમજાયું  કે જીવનનું પણ આવું જ છે. જ્યારે આપણે આપણાં સહકર્મચારીઓ સાથે, પાડોશી કે મિત્રો કે કુટુંબીજનો સાથે તેમનાથી આગળ થઈ જવા સ્પર્ધા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એ સાબિત કરવા કે આપણે તેમનાથી વધુ મહત્વના કે સફળ કે સુખી છીએ ત્યારે આ સોદામાં આપણે અંગત સુખ-ચેન ખોઈ બેસતા હોઈએ છીએ. 
આપણે એમ કરવા જતા એટલો બધો સમય અને શક્તિ વેડફી નાખીએ છીએ કે પોતાની મંઝિલ એમાં ક્યાંક વિસરી જઈએ છીએ. બિનતંદુરસ્ત સ્પર્ધાનો ગેર ફાયદો એ છે કે તેનો ક્યારેય અંત આવતો નથી. કોઈક ને કોઈક સદાયે તમારી આગળ હશે, કોઈકની નોકરી તમારા કરતા વધુ સારી હશે તો કોઈક ની ગાડી તમારી ગાડી કરતા વધુ મોટી 
ને મોંઘી હશે, કોઈકનું બેંક બેલેન્સ તમારા કરતા વધુ હશે તો કોઈક નું શિક્ષણ તમારા કરતાં વધુ, કોઈકની પત્ની તમારી પત્નીથી વધુ સુંદર હશે તો કોઈકના બાળકો તમારા બાળકો કરતાં વધુ આજ્ઞાકારી તો વળી કોઈકની પરિસ્થિતી અને સંજોગો તમારાં કરતા વધુ ઉજળા હશે. 
પણ એક અતિ મહત્વની વાત એ છે કે તમે જ્યારે કોઈ સાથે સ્પર્ધા ન કરતાં હોવ ત્યારે તમે શ્રેષ્ઠતમ બની શકો છો. કેટલાક લોકો અસુરક્ષિતતા અનુભવતા હોય છે કારણ તેઓ સતત પોતાની સરખામણી બીજાઓ સાથે કર્યા કરતા હોય છે, તેઓ સતત ધ્યાન
 એ રાખવામાં રત હોય છે કે અન્યો ક્યાં જાય છે, અન્યો શું પહેરે છે, શું વાત કરે છે, કઈ ગાડી ચલાવે છે વગેરે. તમને ઈશ્વરે જે ઉંચાઈ, વજન અને વ્યક્તિત્વ આપ્યા હોય તેનો સ્વીકાર કરો. અનુભવો કે તમારા પર ઈશ્વરની કૃપા અવતરી છે. 
સજાગ રહો, સચેત રહો અને તંદુરસ્ત જીવન જીવો. 
કિસ્મતમાં કોઈ કોઈની સ્પર્ધા કરી શકતુ નથી. દરેકની કિસ્મત તેની પોતાની જ હોય છે. 
સરખામણી અને સ્પર્ધા આનંદ હરી લેનારા છે, તે તમને સુખેથી જીવવા દેતા નથી. 
તમારી પોતાની દોડ માણી શાંતિપૂર્ણ, આનંદી અને લાંબુ જીવન જીવો. 
🚴♂🚴♂🚴♂
(ઇન્ટરનેટ પરથી)

Monday, March 12, 2018

ચાર સાધુઓના મૌનની વાર્તા


ચાર સાધુઓ બે અઠવાડિયા સુધી મૌન રહી ધ્યાન ધરવાનું નક્કી કર્યું. અતિ ઉત્સાહમાં તેમણે પહેલો આખો દિવસ મૌન રહી ધ્યાન માં પસાર કર્યો. પહેલો દિવસ પૂરો થયા બાદ રાત્રિએ તેમણે સામે પ્રગટાવેલી મીણબત્તીની જ્યોત સંકોરાઈ અને બુઝાઈ ગઈ.
જોઈ પહેલો સાધુ બોલી ઉઠ્યો," અરે રે! મીણબત્તી બુઝાઈ ગઈ. "
સાંભળી બીજો સાધુ બોલી પડ્યો," અરે ચૂપ રહે... આપણે બોલવાનું નથી! "
ત્રીજા સાધુથીયે રહેવાયું અને તે ગુસ્સામાં બોલી ઉઠ્યો," શું? તમે બે જણે મૌન શા માટે તોડયું? "
ચોથો હસતા હસતાં બોલ્યો," વાહ! એક માત્ર મેં મૌન જાળવ્યું! "

વાર્તા નો સાર :

દરેક સાધુએ મૌન તોડ્યું જુદા કારણ સર. કારણો આપણી અંત:યાત્રામાં સામાન્ય રીતે વિઘ્નરૂપ બનતી આડખીલીઓ છે : અડચણ , અન્ય પ્રત્યે જલ્દીથી અભિપ્રાય બાંધી લેવાની વૃત્તિ, ક્રોધ અને અભિમાન.
પહેલો સાધુ પોતાના અનુભવ દરમ્યાન એક અડચણ (મીણબત્તી) દ્વારા વિચલિત થઈ ગયો અને શું વધારે મહત્વનું છે તેનું ભાન ભૂલી ગયો. પ્રતિક્રિયા આપ્યા વિના સાક્ષી બની રહેતાં શીખવું જોઈએ.
બીજો સાધુ પોતાના કરતાં, બીજાઓ નિયમો અનુસરે છે કે નહિ તે અંગે વધારે ચિંતિત હતો. તે બીજાની કોઈક નિયમ અનુસરવા બદલ ટીકા કરતી વેળા ભૂલી ગયો કે પોતે પણ નિયમ નો ભંગ કરી રહ્યો છે.
ત્રીજા સાધુ પર પહેલા બે સાધુઓ પ્રત્યેનો ક્રોધ અસર કરી ગયો અને માત્ર ક્ષણિક ક્રોધના આવેગે તેની આખા દિવસ ની મૌન રહેવાની મહેનત પર પાણી ફેરવી દીધું.
ચોથા સાધુ નું અભિમાન તેની હાર નું કારણ બન્યું. તેને એમ લાગતું હતું કે તે અન્ય સાધુઓ કરતાં શ્રેષ્ઠ છે અને લાગણીએ તેનું ભાન ભૂલાવ્યું.
બોલ્યો શા માટે?   ચૂપ રહી શક્યો હોત અને તેમણે નક્કી કરેલ અભિયાનમાં તે સફળ થઈ શક્યો હોત. પણ એમ થાત તો કદાચ બાકી ના ત્રણ સાધુઓએ ઝઘડવાનું ચાલુ રાખ્યું હોત અને ચોથા સાધુ નું મૌન તેમનાં ધ્યાન બહાર રહી જાય એમ બની શક્યું હોત.
કેટલાક લોકો આવાં હોય છે. તેમનો આશય હોય છે કે અન્યો તેમણે કરેલા કોઈક સારા કામની નોંધ લે, જો એમ બને તો તેઓ કદાચ સારું કામ કરે નહીં એમ પણ બને! તેમની માન્યતા એવી હોય છે કે સારા કામ નો બદલો પ્રયત્ન માં નહીં પણ ખ્યાતિ માં હોય છે.
એક સરસ વાક્ય છે : જ્ઞાનનું કામ છે બોલવું પણ શાણપણનું કામ છે સાંભળવું.
જ્યારે આપણે સાચા અર્થમાં સાંભળતા શીખી જઈએ છીએ,અડચણ આવ્યે ત્વરીત પ્રતિક્રિયા ના આપવાનું શીખી લઈએ છીએ અન્ય પ્રત્યે પૂર્વગ્રહ નથી બાંધી લેતાં અને ક્રોધ અને અભિમાન મનમાં નથી આણતા ત્યારે આપણે સાચા મૌનનો અર્થ સમજી શકીએ છીએ.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 12, 2017

મનનું રહસ્ય

       ભૌતિક શાસ્ત્ર નો એક નિયમ છે એ મુજબ બ્રહ્માંડ માં રહેલ કુલ ઉર્જા નો જથ્થો અચલ છે. ઉર્જા ન તો સર્જી શકાય છે, ન તેનો વિનાશ કરી શકાય છે. વિજ્ઞાન માં હજી આવાં બીજાં ઘણાં નિયમો છે જે વિજ્ઞાન સાથે તર્કશાસ્ત્ર ને પણ લાગુ પડે છે. 
      દરેક મનુષ્ય પણ ચોક્કસ પ્રમાણમાં ઉર્જા ધરાવતું નાનકડું બ્રહ્માંડ છે. એક અતિ સરળ પણ સાત્વિક નિયમ તેને લાગુ પડે છે. જેટલા પ્રમાણમાં હકારાત્મક કે નકારાત્મક ઉર્જા આપણે ઉત્સર્જીત કરીએ છીએ તેટલી જ ઉર્જા આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણી પાસે પાછી ફરે છે.
    જો હું કોઈક ને મદદ કરું અને તે આ ચેષ્ટા નો બદલો ન વાળી આપે તો ભવિષ્યમાં જ્યારે કોઈક વખત મને ખરી જરુર હશે ત્યારે મને એ
સારા કામ નો બદલો મળી રહેશે. કોઈક તરફ મેં વહેતી કરેલી હકારાત્મક ઉર્જા ચોક્કસ મારી પાસે પાછી ફરશે, એ વ્યક્તિ તરફથી નહિ તો બીજી કોઈક વ્યક્તિ તરફથી. તો પછી આપણે કોઈક ને કરેલી મદદ નું વળતર યોગ્ય રીતે તરત ને તરત ન મળ્યાનો વસવસો વ્યર્થ નથી?
      ગીતા માં પણ અપાયેલ કર્મ નાં આ સરળ સિદ્ધાંત ના સારમાં જો આપણે સૌ શ્રદ્ધા રાખતા શીખી જઈશું તો જીવન ઘણું સુગમ અને સુખી બની રહેશે. તમારું કર્મ ફળ ની આશા રાખ્યા વગર કરતા રહો, ફળ કુદરત આપી રહેશે. 
      જ્યારે આપણે કોઈક ખરાબ કામ કરતા હોઈએ છીએ ત્યારે આ નક્કર હકીકત આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ આપણે ફેલાવેલી કે સર્જેલી નકારાત્મક ઉર્જા ફરી આપણી પાસે આવ્યા વગર રહેતી નથી, તરત નહિ તો પછી થી.
      આ સમજ જો આપણે અમલમાં મૂકીએ તો તરત આપણને કાવાદાવા કરી રહેલો સહકર્મચારી, ષડયંત્ર રચી રહેલો પરિવારજન, માથા ભારે પાડોશી - એ બધું વામણું લાગવા માંડશે. કારણ તેમના નકારાત્મક વિચારો તમારા પર અસર કરી શક્શે નહીં, જ્યાં સુધી નકારાત્મક ઉર્જા તમારાં શરીર દ્વારા ઉત્સર્જીત થશે નહીં.
     મન નું આ રહસ્ય જેને સમજાઈ જાય તે મહા શક્તિશાળી બની શકે છે અને તેની આત્મા માંથી પરમાત્મા બનવાની સફર શરૂ થઈ જાય છે.

(ઇન્ટરનેટ પર થી) 

Saturday, September 17, 2016

નાનકડી કીડી અને મોટું પાન

રવિવારની એક સવારે એક શ્રીમંત શેઠ પોતાના બંગલાના વરંડામાં બેઠા બેઠા કુમળા તડકાની મજા અને ચાની ચૂસકી માણી રહ્યા હતા ત્યાં તેમની નજર એક નાનકડી કીડી પર પડી જે પોતાના કદ કરતા ઘણું મોટું લીલું પાન પોતાના માથે ઉંચકી એક જગાએ થી બીજી જગાએ લઈ જઈ રહી હતી.
                શેઠને દ્રષ્યમાં રસ પડ્યો અને તે ઘણી વાર સુધી જોતા રહ્યા. તેમણે જોયું કે નાનકડી કીડીના માર્ગમાં અનેક અડચણો આવી.તે અટકતી, ક્યાંક માર્ગ બદલી લેતી અને ફરી આગળ વધતી અને અંતે તે પોતાની મંઝીલ સુધી પહોંચી ગઈ.
એક સમયે તેના માર્ગમાં એક મોટી તિરાડ આવી ત્યારે નાનકડી ચતુર કીડીએ જરા વાર થોભી, જાણે સમસ્યાનો ઉકેલ વિચાર્યો, પાનને તિરાડ પર મૂકી દીધું, પોતે તિરાડની બીજી બાજુ ચાલી ગઈ અને પછી બીજી બાજુએ થી ફરી પાન ઉંચકી પોતાની યાત્રા આગળ વધારી.
શેઠ તો ઇશ્વરના અદભૂત સર્જન એવા નાનકડા જીવના ખંત અને ચતુરાઈ પર વારી ગયા! પ્રસંગે શેઠને આભા બનાવી મૂક્યા અને તે સર્જન પ્રક્રિયાના ચમત્કાર વિશેના ચિંતનમાં ખોવાઈ ગયા. પ્રસંગ સર્જકની મહાનતા છતી કરતો હતો.
થોડી વાર પછી કીડી જ્યારે પોતાના દર સુધી પહોંચી ગઈ ત્યારે તેણે નોંધ્યુ કે પાન તેના ઘરના પ્રવેશ દ્વાર કરતા કદમાં ઘણું મોટુ હોવાને લીધે અંદર લઈ જઈ શકાશે નહિ.આથી નાનકડા જીવે આટલી મથામણ અને મહેનત બાદ, માર્ગમાં આવેલી દરેક મુસીબતોનો હિંમત પૂર્વક સામનો કર્યા બાદ ત્યાં સુધી તાણી આવેલું પાન પ્રવેશદ્વાર પાસે મૂકી દીધું અને ઘરમાં ખાલી હાથે જતી રહી.
કીડી અંત વિશે પોતાની યાત્રા શરૂ કરતા પહેલા વિચાર્યું નહોતું. અંતે તો તેણે માથે ઉંચકી આટલી મહેનત બાદ તાણી આવેલું તેના કદ કરતા ઘણું મોટું પાન તેના માટે બિનજરૂરી ભાર સાબિત થયું. નાનકડા જીવ પાસે તેને ત્યજી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહિ, જેથી પોતાના ધામમાં પ્રવેશી શકે. શેઠે થોડો ઉંડો વિચાર કરતા બીજું એક અતિ મહત્વનું રહસ્ય તેમને લાધ્યું.
આપણે સૌ પેલી કીડી સમાન છીએ. આખી જિંદગી આપણે આપણા પરીવારની ચિંતા કરીએ છીએ, આપણા નોકરી-ધંધાની ચિંતા કરીએ છીએ, કઈ રીતે વધુમાં વધુ પૈસા કમાવા તેની ચિંતામાં રમમાણ રહીએ છીએ. ત્રણ બેડરૂમ કે ચાર બેડરૂમ વાળા ઘરમાં રહીશું - મર્સીડીઝ ,બી.એમ.ડબલ્યુ કે પોર્શ કાર વસાવીશું, કયા પોષાક પહેરીશું વગેરે અનેક ચિંતાઓ આપણને સતાવે છે. પણ જ્યારે આપણે આપણા અંતિમ સ્થાને, પરમ ધામે સિધાવીએ છીએ ત્યારે સઘળું આપણે ત્યજી દેવું પડે છે.
આપણી જીવન યાત્રા દરમ્યાન આપણને વાત નો ખ્યાલ નથી આવતો કે બધો નિરર્થક બોજ છે જે આપણે અતિ કાળજી પૂર્વક વેંઢારીએ છીએ અને સતત એને ગુમાવી બેસવાનો ડર સેવતા હોઇએ છીએ પણ અંતે તેમાનું કંઈ આપણે સાથે લઈ જઈ શકતા નથી... 


('ઈન્ટરનેટ પરથી')