Showing posts with label inspiring. Show all posts
Showing posts with label inspiring. Show all posts

Sunday, July 18, 2021

જીવન જીત કે હારથી કંઈક વિશેષ છે

એક દિવસ એક યુવાન લામાઓનાં મઠમાં જઈ તેને ખાવાનું અને કંઈક કામ આપવાની વિનંતી કરવા લાગ્યો.

મુખ્ય લામાએ તેને પૂછયું કે તે શું શું જાણે છે? તેણે શું શું વાંચ્યું છે? તે કયા કયા કામ કરી જાણે છે?

યુવાને જવાબ આપ્યો : હું શાળામાં તો ક્યારેય જઈ શક્યો નથી કે નથી મારી પાસે કોઈ વિશેષ પ્રકારની આવડત. મેં અત્યાર સુધી છૂટક છૂટક કામો કર્યાં છે જેવા કે એઠાં વાસણ ધોવા, મકાન સાફ કરવું વગેરે. મને બીજું કંઈ ખબર નથી.

મુખ્ય લામાએ ફરી પ્રશ્ન કર્યો : શું તને ખાત્રી છે કે તને બીજું કંઈ આવડતું નથી?

યુવાને જવાબ આપ્યો : અરે હા! હવે યાદ આવ્યું, હું સારી રીતે શતરંજ રમી જાણું છું.

મુખ્ય લામાએ કહ્યું : સરસ. તારે આ સાબિત કરવા કસોટીમાંથી પસાર થવું પડશે. તેણે અન્ય એક લામા સાધુને શતરંજનું પાટીયું અને સોગઠીઓ લઈ આવવા જણાવ્યું અને એક લામા જેને શતરંજ રમતા આવડતી હતી તેને યુવાન સાથે રમત શરૂ કરવા જણાવ્યું.

હવે શતરંજની રમત શરૂ થાય એ પહેલાં એક તલવાર હાથમાં લઈ તેમણે એલાન કર્યું કે જે આ રમત હારશે તેનું નાક આ તલવારથી કાપી નાખવામાં આવશે.

યુવાન થોડો ગભરાયો. પણ તેણે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ શરત સ્વીકારી લીધી અને રમત શરૂ કરી.

શરૂઆતમાં યુવાને થોડી ભૂલો કરી અને રમતમાં તેની સ્થિતી અતિ ખરાબ બની ગઈ. પણ પછી તેણે સ્વસ્થતા હાંસલ કરી, પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત કર્યું અને હારેલ બાજી તેણે સુધારી લીધી. હવે જીત તેના હાથવેંતમાં હતી.

તેણે સામે બેઠેલા લામા સાધુ સામે જોયું. તે અસ્વસ્થ નહોતો પણ રમતની સ્થિતી તેની તરફેણમાં ન રહેતા તે થોડો વિચલિત જણાયો.

યુવાને વિચાર્યું, "હું સાવ નકામો છું. હું હારી જઈશ અને મારું નાક કપાઈ જશે તો દુનિયામાં કોઈને કંઈ ફરક પડવાનો નથી. પણ આ લામા સાધુ જ્ઞાની છે, ધ્યાન ધરે છે અને બુદ્ધત્વ ધારણ કરવાના માર્ગે છે. તે શા માટે હારી જવો જોઈએ. એ હારશે તો ચોક્કસ ફરક પડશે. એમ ન થવું જોઈએ." આમ વિચારી તેણે જાણી જોઈને એવી ચાલ ચાલી કે પોતે હારી જાય અને સામે વાળા લામા સાધુને જીતવાની તક મળે.

મુખ્ય લામા આ સમગ્ર ઘટના ક્રમ નિહાળી રહ્યા હતા. તેમણે અચાનક રમત પૂરી થાય એ પહેલાં તલવાર વડે રમત વિખેરી નાખી અને કહ્યું રમત પૂરી થઈ ગઈ છે. છોકરા, તું જીતી ગયો. હવે તું અમારી સાથે જ મઠમાં કાયમ માટે રહી શકશે.

યુવાન મૂંઝાઈ ગયો. મુખ્ય લામા એ તેને સમજાવ્યું : મેં તને શતરંજ રમવા તારું રમતમાં કૌવત કેટલું છે તે સાબિત કરવા નહતો આમંત્ર્યો. પણ મારે બે અતિ મહત્ત્વની બાબતો તારામાં ચકાસવી હતી.

એક છે મહા પ્રજ્ઞા. પોતાની જાત અંગે સભાનતા. જે મેં તારામાં જોઈ છે. જ્યારે તું હારવા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એક સમયે તે એ અંગે જાગૃત થઈ પોતાનું સંપૂર્ણ ધ્યાન રમત સુધારવા પર કેન્દ્રિત કરી બાજી પલટી નાંખી. તું જીત સુધી પહોંચી ગયો. આ મહા પ્રજ્ઞા છે.

બીજી છે મહા કરુણા. દયા. એ પણ તે ખૂબ સારી રીતે દાખવી. જ્યારે તારો પ્રતિસ્પર્ધી હારવાની અણી પર હતો ત્યારે તે પરમ કરુણા દાખવી અને જાણી જોઈને એવી ચાલ ચાલી કે એ જીતી શકે.

આ બે સદ્ગુણો તમે જે જીવન જીવી રહ્યા છો તે અર્થપૂર્ણ બનાવવા અને સાધના કરવા પૂરતા છે.

જીવન માત્ર જીતવા કે હારવાનું નામ નથી. તમે કંઈ જીતતા નથી અને કંઈ હારતા નથી. વધુ માં વધુ તમે તમારો મર્યાદિત સમય જેને જીવન કહે છે તે શ્રેષ્ઠ રીતે માણી અથવા સહન કરી શકો છો. પણ આ માણો છો એ આનંદ કે સહન કરો છો એ પીડા પણ તમારી કલ્પનાથી વિશેષ બીજું કંઈ નથી.

જૂજ લોકો આ આનંદ કે પીડા, જીત કે હાર વગેરે થી પાર જઈ જુદી જ કેડી કંડારે છે.

જીતો કે હારો, પણ એક મહાન જીવન જીવો.

(ઇન્ટરનેટ પરથી)


Sunday, June 6, 2021

આઠ મિનિટની શ્રેષ્ઠ ફિલ્મ

      એક સિનેમાગૃહે જાહેર કર્યું કે આઠ મિનિટની એક ટૂંકી ફિલ્મને જગતની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી છે અને મહત્તમ લોકો તે જોઈ શકે એટલે તેના એક વિનામૂલ્ય શો નું આયોજન કરવામાં આવ્યું છે. નિયત દિવસે શો નો સમય થયો અને આખો સિનેમા હોલ ભરાઈ ગયો. ફિલ્મ શરૂ થઈ અને પડદા પર એક ખાલી ઓરડાની સાવ સાદી છત પ્રદર્શિત થઈ, કોઈ પ્રકારના રંગરોગાન કે ભપકા વગરની, માત્ર સફેદ રંગની સાદી છત.

ત્રણ મિનિટ પસાર થઈ ગઈ. પણ પડદા પરનું દ્રશ્ય બદલાયું જ નહીં. માત્ર પેલી ધોળી છત જ સિનેમા હોલના પડદા પર કાયમ રહી.

    બીજી ત્રણ મિનિટ પસાર થઈ ગઈ, પણ કેમેરો પેલી છત પરથી ખસતો જ નહોતો. છ મિનિટ પસાર થઈ જવા છતાં સિનેમા માં કંઈ આગળ જ વધતું નહોતું એટલે હવે પ્રેક્ષકો અકળાયા. કેટલાક ઉભા થઈ બહાર જવા પ્રયત્ન કરવા લાગ્યાં. કેટલાકે બૂમો પાડી વિરોધ નોંધાવ્યો અને એવો સૂર જતાવ્યો કે માત્ર છત બતાવવા બોલાવી શા માટે આટલાં બધાં લોકોનો સમય બરબાદ કર્યો.

   પણ વધુ હોબાળો થાય એ પહેલાં, સિનેમા હોલ ના પડદાં પરનો કેમેરો ધીમે ધીમે છત પરથી ખસી ઘરની એક ખાલી દિવાલ પર કેન્દ્રિત થયો અને થોડી વાર પછી ઘરની જમીન પડદા પર દેખાઈ. જ્યાં એક ખાટલો હતો અને તેના પર એક દિવ્યાંગ બાળક સૂતેલ નજરે ચડયો, જેના નાનકડા શરીરની કરોડરજ્જુમાં ઈજાને કારણે તે બિલકુલ હલનચલન કરી શકતો નહોતો.

    થોડી વાર પછી કેમેરો ફરી પાછો પેલી કંટાળાજનક છત પર પાછો ફર્યો પણ આ વખતે તેના પર આ પ્રમાણે લખાણ અંકિત થયેલું હતું :

અમે તમને આ બાળકની રોજનીશીમાંથી માત્ર આઠ મિનિટ બતાવી છે. તમે જે માત્ર થોડી મિનિટ જોયું તે આ દિવ્યાંગ બાળક તેની આખી જિંદગી જુએ છે. તમે એ માત્ર આઠ મિનિટ પણ સહન કરી શક્યા નહીં... આથી તમારા જીવનની સાજા સારા વિતાવેલી દરેક ક્ષણનું મૂલ્ય સમજો અને તેને ઈશ્વરના તમારા પર આશિર્વાદ સમજી એ માટે તેનો આભાર વ્યક્ત કરો. જીવન અને સમયનું મૂલ્ય તમે તેને ગુમાવી નહીં બેસો ત્યાં સુધી તમને સમજાશે નહીં.

તમે મુક્ત રીતે હલનચલન કરી શકો છો, ઘરની બહાર નીકળી જીવન, તાજી હવા, પ્રકૃતિ વગેરે જુદા જુદા રંગે, સ્વરૂપે માણી અને અનુભવી શકો છો. તેનું મૂલ્ય સમજી તેને વેડફી ન દો.

(ઇન્ટરનેટ પરથી)


અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન વિશે જાણવા જેવું

*અમેરિકાના નવા પ્રમુખ:- જો બાઇડેન.*

                ઉ.વ.૭૮.                  

1. પ્રથમ પત્ની નીલીયા હંટર બાઈડેન શિક્ષિકા હતા અને લગ્નના છ વર્ષ બાદ એક વર્ષની પુત્રી નાઓમી અને બે પુત્રો બીઉ અને હંટર સાથે ક્રિસમસ ટ્રી ખરીદવા જતાં રોડ અકસ્માતનો ભોગ બન્યા અને આ અકસ્માતમાં નીલીયા અને નાઓમી મૃત્યુ પામ્યા. બીઉ અને હંટર પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા પણ બચી ગયા. 

2. પુત્ર બીઉ ૪૬ વર્ષની વયે ૩૦મી મે, ૨૦૧૫ ને દિવસે બ્રેઇન કેન્સરથી મૃત્યુ પામ્યો. 

3. પુત્ર હંટરને મે ૨૦૧૩ માં ડ્રગ્ઝના વ્યસનના

    કારણે નેવીમાંથી હાંકી કાઢવામાં આવ્યો.

4. બાઇડેન પોતે પણ સ્નાયુના લકવાની બીમારીનો (ફેસિયલ પાલ્સી) સામનો કરી ચૂકયા છે.

જીવનમાં આટલી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કર્યો હોવા છતાં જો બાઇડેન ૭૮ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ બન્યા છે. તેઓ શારીરિક તેમજ માનસિક રીતે આટલી મોટી જવાબદારી નિભાવવા સક્ષમ છે.

         જ્યારે કેટલાક વયસ્કો ૬૦ની ઉંમરે એવું માને છે કે - હવે બધું જ પુરું થઇ ગયું, હવે આપણાથી કંઈ થાય નહી.

        બધા સિનીયર સિટીઝનોએ બાઇડેનનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને નવી શરુઆત કરવાની છે. એમ વિચારો કે તમે હજુ પણ યુવાન છો. તેથી તમે જીવનમાં હજુ સુધી જે કરી શક્યા નથી તે કરવા, શીખી શકયા નથી તે શીખવા, જાણી શકયા નથી તે અંગે જાણવા અને મેળવી શક્યા નથી તે મેળવવા તન-મનથી પ્રયત્ન કરો.

(ઈન્ટરનેટ પરથી) 

Saturday, October 10, 2020

વિચારકણિકાઓ

  # આપણું કૌશલ્ય આપણાં ધ્યેયોની અગ્નિમાં શેકાઈને જ વિકસીત થાય છે. 

# મુશ્કેલીઓ વિજય મેળવવાં પહેલાં કરાતાં પ્રયોગો સમાન છે. 

# ઉત્સુકતા ભય પર બહાદુરી કરતાં વધુ સારી રીતે વિજય મેળવી શકે છે. 

# કોઈક વિચાર વાસ્તવિકતા ત્યારે જ બની શકે જ્યારે તે અમલમાં મૂકાય. 

# તમારી અંદર જેનું અસ્તિત્વ છે તેની સાથે વફાદાર રહો. 

# આળસના કર્કરોગનો સ્વપ્ના જ નાશ કરી શકે છે. 

# તમારા બહાનાં કરતાં સદાય વધુ મજબૂત બનો. 

# જો તમે ઈચ્છા રાખશો અને સતત શીખવાનું ચાલુ રાખશો તો જ જીવનમાં કંઈક પામી શકશો. 

# જ્યાં સુધી આપણે અસુરક્ષિતતાઓનો પુલ ઓળંગીશું નહીં, ત્યાં સુધી શકયતાઓના મહાસાગર સુધી પહોંચી શકીશું નહીં. 

# આપણે અન્યો કરતાં શાણા બનવાની જરૂર નથી, માત્ર અન્યો કરતાં વધુ શિસ્તના આગ્રહી અને અનુયાયી બનવાની જરૂર છે. 

# ગુણવત્તા સૌથી સારો બિઝનેસ પ્લાન છે. 

# કિંમત વિશે ન વિચારો, મૂલ્ય અંગે વિચારો. 

# તમે પરિપક્વ બની જશો ત્યારે સમજાશે કે કોઈક મુદ્દો ખરો સાબિત કરવા કરતાં મૌન વધારે મહત્વનું હોય છે. 

# વિશ્વમાં બધું જ સુંદર છે, જો એ જોવા માટે આપણી પાસે દૃષ્ટિ અને સારા વિચારો હોય તો. 

# યાદ રાખો તમે મોડા પડી શકશો પણ સમય કયારેય મોડો નહીં પડે. 

(ઇન્ટરનેટ પરથી) 

Monday, February 24, 2020

ભૂલો પર ચોકડી મારી આગળ વધો.

   પ્રાથમિક શાળામાં મેં નવી નવી પેન થી લખવાની શરૂઆત કરી હતી, ત્યારે જો લખવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો શિક્ષકને બતાવતા પહેલા, એ ભૂલ ભૂંસી નાખતા ભારે શ્રમ ઉઠાવવો પડતો. ક્યારેક ઈન્ક-રબર તો ક્યારેક ચોકનો ઉપયોગ કરતો, પણ એ ભૂલ ભૂંસી નાખવામાં જોઈએ એવી સફળતા મળતી નહોતી.
     ક્યારેક તો થૂંકનો ઉપયોગ પણ ભૂલ ભરેલું લખાણ દૂર કરવા કરેલો અને ક્યારેક એ હેતુ માટે રેઝર - બ્લેડ પણ વાપરેલી. પણ એમ કરતાં, નોટબુકના પાનામાં કાણાં પડી જતાં. શિક્ષકના હાથનો માર પણ આ રીતે નોટબુક ગંદી કરવા માટે ખાધો હતો. પણ અહીં આશય મારી ભૂલ ઢાંકવાનો જ હતો.
      એક દિવસ મને ખૂબ ચાહતા એક ભલા હ્રદયના શિક્ષકે મને બોલાવ્યો અને કહ્યું," જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે તેના પર ચોકડી મૂકી દેવી અને આગળ વધી જવું. તમારી ભૂલોને ભૂંસવા જશો તો કંઈ વળશે નહીં અને તમારી નોટબુક ખરાબ થઈ જશે. "
      મેં તેમનો પ્રતિકાર કરતા કહ્યું કે હું નથી ઇચ્છતો કે લોકો મારી ભૂલ જૂએ. આ સાંભળી મારા એ શિક્ષકે હસતાં હસતાં કહ્યું, "એ ભૂલ ને ભૂંસવાનો પ્રયત્ન કરવામાં તું વધુ લોકો સમક્ષ એ છબરડો છતો કરે છે. અને પછી એનો પસ્તાવો જીવન ભર રહે છે."
      તમે પણ જ્યારે જીવનમાં ભૂલો કરો છો ત્યારે આ પાઠ શીખવા લાયક છે. તેના પર ચોકડી મૂકી દો અને આગળ વધો. તમારી ભૂલો છૂપાવવાનો પ્રયત્ન કરવામાં તમારી જાતને ખૂલ્લી ન પાડો. આગળ વધુ સારી ચીજ વસ્તુઓ, પ્રસંગો તમારી રાહ જોઈ રહ્યા હોય છે.કરેલી ભૂલોને મમળાવ્યાં ન કરો, આગળ વધો.

(ઇન્ટરનેટ પરથી)

Monday, March 18, 2019

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ

   રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો. 
    પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
     સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
     સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
      સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
      પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
      સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
      હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
     નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
     પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
     પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
      પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
     સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
    પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું  હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
      પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
       આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં.

(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 15, 2018

અદ્રશ્ય લેબલનો આદર કરીએ

   હું ડ્રાઇવ કરીને ઓફીસ જઈ રહ્યો હતો. એક મહત્વની અપોઇન્ટમેંટ હતી તેથી હું થોડો ઉતાવળમાં હતો. મારી આગળની ગાડી મારા સતત હોર્ન મારવા છતાં ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હતી અને મને આગળ જવાનો માર્ગ આપી રહી નહોતી. મારા ક્રોધનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં જ હતો, ત્યાં મારી નજર એ આગળવાળી ગાડીની પાછળ લગાડેલા એક સ્ટીકર પર ગઈ.
"શારીરિક રીતે અક્ષમ, મહેરબાની કરીને ધીરજ રાખો."
.... અને બધું બદલાઈ ગયું. હું તરત શાંત થઈ ગયો. મેં મારી ઝડપ ઘટાડી નાખી. ઉલટાનું હવે હું આગળની એ ગાડી અને ડ્રાઇવર પ્રત્યે થોડો વધુ કાળજીસભર અને સંરક્ષણાત્મક બની ગયો.
હું ઓફીસ થોડો મોડો પહોંચ્યો, પણ થયું કંઈ વાંધો નહીં.
પણ ત્યાં જ મને એક વિચાર આવ્યો કે જો કદાચ પેલું સ્ટીકર ગાડી પર લગાડેલું હોત જ નહીં તો? શું તો મારાં વર્તન અને વલણ બદલાયાં હોત?
અન્યો સાથે વ્યવહાર કરતી વખતે આપણને સ્ટીકરની જરૂર શા માટે પડે છે? શું લોકો પોતાના કપાળે લેબલ ચોંટાડી ફરે તો જ આપણે તેમના પ્રત્યે વધુ ધીરજવાન અને ઉદાર બની શકીએ? લેબલ જેવા કે મારી નોકરી છૂટી ગઈ છે, કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું, છૂટાછેડાની વેદના ભોગવી રહી છું, માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યો છું, મારા સ્વજનનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છીએ, મારી જાત પર તિરસ્કાર છૂટે છે વગેરે વગેરે.
દરેકે દરેક મનુષ્ય, આપણને જેની બિલકુલ જાણ નથી એવું એક યુદ્ધ લડી રહ્યો હોય છે. એ અંગે ઓછામાં ઓછું આપણે કંઈક કરી શકીએ એમ હોય તો એ છે તેના પ્રત્યે ધીરજ અને કરૂણા દાખવવા. અદ્રશ્ય એવા ઉપર વર્ણવેલ લેેબલોનો આદર કરીએ.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, April 8, 2017

શું તમે ભગવાન છો?

એક વાર કેટલાક સેલ્સમેનનું એક જૂથ શિકાગો ખાતે તેમના એક અગત્યના સેમિનારમાં હાજરી આપી પાછું ફરી રહ્યું હતું. સૌએ પોતપોતાના પરીવારજનોને પોતે જલ્દી પાછા ફરશે એવી ખાતરી આપી હતી જેથી હવે પછી તેમને મળવાની થોડી રજાઓમાં તેઓ પોતપોતાના પ્રિયજનો સાથે વધુમાં વધુ સમય ગાળી શકે.
તેઓ માર્ગમાં ટ્રાફીકની સમસ્યાને કારણે એરપોર્ટ પહોંચવામાં  મોડા પડ્યા હતાં. ઉતાવળે ભાગવામાં એક સેલ્સમેનની બ્રિફકેસ બેગ માર્ગમાં એક નાનકડી ખુલ્લી દુકાનના ટેબલ સાથે અથડાઈ જેના પર સફરજન એકની ઉપર એક પિરામીડ આકારે વેચાણ માટે પ્રદર્શનાર્થે ગોઠવેલા હતાં. બેગ સાથે અફળાતા બધાં સફરજન ચારે દિશામાં વેરાઈ ગયાં. સેલ્સમેને તો પાછું વળીને જોયું પણ નહિ કે તેણે કોને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું અને તેની સાથેના બીજા સેલ્સમેન પણ ફ્લાઈટ ચૂકી જવાય ડરથી એક ક્ષણ પણ ત્યાં ઉભા રહ્યા નહિ સિવાય કે એક ભલો સંવેદનશીલ સેલ્સમેન.
સેલ્સમેન  ફ્લાઈટ ચૂકી જવાના ભય છતાં માણસાઈ ચૂક્યો નહિ. તે સફરજન વાળા પેલા સ્ટોલ કરતા થોડે આગળ ઉભો રહી ગયો અને તેણે સ્ટોલ સંભાળી રહેલી ગરીબડી છોકરી પ્રત્યે સંવેદના અનુભવી અને તેના અંતરાત્માએ તેને છોકરીને મદદ કરવા સૂચવ્યું. તેણે નક્કી કરી લીધું કે પોતે સેલ્સમેન મિત્રો સાથે ફ્લાઈટ પકડવા ઉતાવળે નહિ જાય.તેણે એક મિત્રને પોતાને ઘેર સંદેશો આપવા જણાવી દીધું કે પોતે પછીની જે ફ્લાઈટ પ્રાપ્ય હશે તે પકડી ઘેર આવશે.અને તે ફરી પાછો જગાએ આવ્યો જ્યાં સફરજન વેરાયેલા પડ્યા હતાં. તેને પાછા ફરવા બદલ મનમાં એક અજબની ખુશી થઈ રહી હતી. તેને જાણ થઈ કે સોળ વર્ષની યુવતિ સંપૂર્ણપણે અંધ હતી. તે ધીમે ધીમે રડી રહી હતી. તેના ગાલ પરથી હતાશા ભર્યા અશ્રુ વહી રહ્યા હતાં. તે પોતાના વેરાઈ ગયેલા ફળો સમેટવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી. તેની આસપાસથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતાં પણ કોઈ પાસે તેને મદદ કરવાની કે તેની પરવા કરવાની ફુરસદ નહોતી. પેલો ભલો સેલ્સમેન તેની બાજુમાં ઘૂંટણિયે બેસી ગયો અને તેણે એક પછી એક બધાં સફરજન ઉપાડી તેને ફરી પિરામીડ જેવા આકારમાં ટેબલ પર પ્રદર્શન માટે ગોઠવવા માંડ્યા.આમ કરતી વેળા તેણે જોયું કે કેટલાક ફળો દબાઈ ગયા હતાં,ચગદાઈ ગયા હતાં. તેણે બાજુમાં પડેલા એક ટોપલામાં અલગ રાખ્યાં. બધાં સફરજન લેવાઈ ગયા બાદ તેણે પોતાના પાકીટ માંથી વીસ ડોલરની નોટ કાઢી અને યુવતિના હાથમાં મૂકતા કહ્યું," અમારાથી થયેલા નુકસાનની ભરપાઈ તરીકે વીસ ડોલર ને સ્વીકારી લો. તમે ઠીક તો છો ને?"
તેણે રડતા રડતા હકારમાં ડોકુ ધૂણાવ્યું.
સેલ્સમેને કહ્યું,"અમે તમારો દિવસ ખરાબ કરી નાખ્યો નહિ?અમને માફ કરી દેજો." આટલું કહી જેવું સેલ્સમેને ચાલવાનું શરૂ કર્યું કે યુવતિએ તેને સાદ પાડ્યો," સર..." તે થોભી ગયો અને પાછું વળી તેણે યુવતિની દ્રષ્ટીવિહીન આંખોમાં ડોકિયું કર્યું.
તે પૂછી રહી હતી,"શું તમે ભગવાન છો?"
તેણે વ્હાલથી યુવતિના માથે હાથ ફેરવ્યો અને પ્લેન ની હવે પછીની ફ્લાઈટ લેવા આગળ તરફ પ્રયાણ કર્યું.તેના મનમાં યુવતિના શબ્દો પડઘો પાડી રહ્યા હતાં," શું તમે ભગવાન છો?" તેનો આત્મા ઉંડા ચિંતનમાં ખોવાઈ ગયો હતો.
જીવવું રીતે જોઇએ કે લોકો તમારામાં ઇશ્વરને જુએ.પ્રેમ, સહાય અને માનવતાનો ધોધ વહાવીને પળો વિતાવવી જોઇએ.
ચાલો ઓછામાં ઓછા એક જણના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંલલ્પ કરીએ.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 21, 2017

KFCના સ્થાપકની પ્રેરણાત્મક કહાની

5 વર્ષની ઉંમરે એનાં પિતાનું અવસાન...
16 વર્ષની ઉંમરે અભ્યાસ છોડ્યો...
17 વર્ષની ઉંમર સુધીમાં 4 નોકરી બદલી…
18 વર્ષની ઉંમરે લગ્ન...
18 થી 22 વર્ષની ઉંમર વચ્ચે કન્ડક્ટરની જોબ પણ એમાંય સફળ ના ગયો...
આર્મી માં જોડાયો તો ત્યાં પણ ના ચાલ્યો...
કાયદાની સ્કુલમાં ભણવાં માટે અરજી કરી તો ત્યાં પણ સિલેક્ટ ના થયો...
ઇન્સ્યોરન્સ સેલ્સમેન બન્યો અને ત્યાં પણ નિષ્ફળ...
19 વર્ષની ઉંમરે તે પિતા બન્યો અને 20 વર્ષની ઉંમરે તેની પત્ની તેની નાની દિકરીને લઈને, તેને મૂકીને ચાલી ગઈ...
એક નાનાં એવાં કેફેમાં તેણે રસોઈયા અને વાસણો માંજનારની નોકરી ચાલુ કરી...
એની પોતાની દિકરીને લઈ જવામાં (કિડનેપ કરવામાં) તે નિષ્ફળ ગયો અને છેવટે તેની પત્નીને ઘરે લાવવામાં સફળ થયો...
65ની ઉંમરમાં તે રિટાયર્ડ થયો...
એનાં રિટાયરમેન્ટનાં પ્રથમ દિવસે ગવર્નમેન્ટે તેને 105 ડોલરનો ચેક આપ્યો...
એને એવું લાગ્યું જાણે ગવર્નમેન્ટ એમ કહેવાં માંગતી હોય કે
એ પોતાની જરૂરીયાત પૂરી કરવા પણ સક્ષમ નથી..”
તે આખી જિંદગીમાં ક્યાંય સફળ નહોતો ગયો, એને એનું જિવવું બેકાર લાગ્યું, તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું,...
એક ઝાડ નીચે એ પોતાની વસીયત લખવા માટે બેઠો પણ તેણે ત્યાં વસીયત લખવાને બદલે એ લખ્યું જે એની લાઈફમાં એણે સંપૂર્ણપણે કરેલું હતું... ત્યારે તેને સમજાયું કે હજી તેને ઘણું બધું કરવાનું બાકી હતું એની લાઈફમાં...
એ જાણતો હતો કે એક વસ્તુ તે કોઈનાં પણ કરતાં સારી રીતે કરી શકતો હતો અને એ હતું – રાંધવાનું (how to cook)..

ગવર્નમેન્ટે આપેલાં એ ચેકમાંથી એણે 87 ડોલર ઉપાડ્યાં અને થોડું ચિકન લઈને એને આવડતી રેસીપી બનાવી અને અને એ Kentucky (કેન્ટુકી – અમેરીકાનું એક રાજ્ય)માં તેમની આસ-પડોસમાં રહેતાં લોકો પાસે જઈને ડોર ટુ ડોર એ વેચીને પૈસાં કમાવવાં લાગ્યો...
65 ની ઉંમરમાં જે વ્યક્તિ આત્મહત્યા કરી લેવા તૈયાર હતો, 88 વર્ષની ઉંમરમાં કોલોનેલ સેન્ડર્સ નામનાં એ માણસે Kentucky Fried Chicken (KFC) નું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું જેણે એને કરોડોપતિ બનાવી દીધો અને તમે જોઈ શકો છો એમ એના ગયાં પછી પણ હજી એણે ઊભું કરેલું એમ્પાયર આખાં વિશ્વમાં ફેલાયેલું છે...

ઉપસંહાર :
શરૂઆત કરવાં માટે કોઈ દિવસ ‘મોડું થઈ ગયુંએમ વિચારવું નહીં. બધું તમારાં અભિગમ પર નિર્ભર છે...
તમારામાં પણ કોઈ એવી ખાસીયત હોય જ છે જે તમને સફળ બનાવી જ શકશે... એને જાણવાનો પ્રયત્ન કરો. એ બીજાંથી અલગ જ હશે અને જે દિવસે એ અન્યથી અલગ આવડત લઈને તમે મહેનત ચાલુ કરશો ત્યારે તમને પણ સફળતાની ઊંચાઈ સુધી પહોંચતા કોઈ નહીં રોકી શકે...
જ્યાં સુધી તમે સફળ નથી થતા ત્યાં સુધી તમારા  સંઘર્ષની વાતો માં કોઈ ને રસ હોતો નથી.


(‘ઇન્ટરનેટ પરથી)

Saturday, August 6, 2016

શીખો "ફેંકી દેવાની" કળા

આજે એક નવી કળા શીખો "ફેંકી દેવાની" !
આજે પવિત્ર અને નિર્મળ રહેવાની શરત સ્વીકારો! કોઈ પ્રકારના કચરાને શરીરની અંદર નહિ ભરવાનો.
જ્યારે તમને કોઈક એવી વાત કહે જે તમને નાપસંદ હોય તો મોટે થી કે મનમાં માત્ર એટલું બોલો "હું નાપસંદ વાત ને ફેંકી દઉં છું."
કોઈ તમને ગાળ આપે તો કહો "હું ગાળ ફેંકી દઉં છું."
કોઈ તમને નિરાશ કરે તો કહો "હું નિરાશા ફેંકી દઉં છું.”
કોઈ તમને ઇજા પહોંચાડે તો કહો "હું ઇજાને ફેંકી દઉં છું."
કોઈ તમારી નિંદા કરે તો કહો "હું નિંદા ફેંકી દઉં છું.”
કોઈ તમારી સામે ઘાંટા પાડીને વાત કરે તો કહો "હું ઘાંટાને ફેંકી દઉં છું."
કોઈ તમારી પર ગુસ્સો કરે તો કહો "હું ગુસ્સાને ફેંકી દઉં છું.”
કોઈ તમારી સામે ભાવ ખાય તો કહો "હું તેના ભાવ ને ફેંકી દઉં છું.“
કોઈ તમને ખરાબ રીતે જુએ તો કહો "હું તેની બૂરી નજર ને ફેંકી દઉં છું.”
આજે એવા કોઈ તત્વને તમારી અંદર પ્રવેશવા દો જે તમારું હોય.
લોકોની કચરા ટોપલી બનશો નહિ જેમાં તેઓ પોતાનો ગુસ્સો,નફરત,ઇર્ષ્યા અને કડવાશ ઠાલવી શકે.
પ્રમાણે રોજ કરો અને જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.
જ્યારે તમે "હું ફેંકી દઉં છું” બોલો ત્યારે મનમાં એવી કલ્પના કરો કે જાણે કેટલાક કિલોનું વજન તમારા શરીરમાંથી બહાર ફેંકાઈ રહ્યું છે.
પછી જુઓ કેટલી હળવાશ અનુભવાય છે દિવસને અંતે!


('ઈન્ટરનેટ પરથી')