Showing posts with label yuvabhumi. Show all posts
Showing posts with label yuvabhumi. Show all posts

Wednesday, February 5, 2020

૪૦ વર્ષ પહેલા... અને આજે

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતા સાથે નમ્રતાથી વર્તતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનો સાથે નમ્રતાથી વર્તવું પડે છે!

૪૦ વર્ષ પહેલા દરેકને બાળકો હોય એવી ઇચ્છા થતી, આજે ઘણાંને બાળકો પેદા કરતા ડર લાગે છે!

૪૦ વર્ષ પહેલા સંતાનો તેમના માતાપિતાને માન આપતા, તેમનો આદર જાળવતા. આજે માતાપિતાઓએ તેમના સંતાનોને માન આપવું પડે છે, તેમનો આદર જાળવવો પડે છે!

૪૦ વર્ષ પહેલા લગ્ન સરળ હતા, છૂટાછેડા મુશ્કેલીથી જોવા મળતા. આજે લગ્ન મુશ્કેલ થતાં જાય છે, છૂટાછેડા આસાનીથી થઈ જાય છે!

૪૦ વર્ષ પહેલા બધાં તેમના પાડોશીઓને ઓળખતા. આજે આપણે આપણાં પાડોશીઓ માટે અજાણ્યાં હોઈએ છીએ!

૪૦ વર્ષ પહેલા લોકો ખૂબ ખાતા કારણ તેમણે સખત મહેનત કરવા વધુ ઉર્જાની, તાકાતની જરૂર હતી જે વધુ ખાવાથી પૂરી થતી. આજે લોકો કોલેસ્ટ્રોલના ભયથી ચરબીયુક્ત ખોરાક ખાતાં ડરે છે!

૪૦ વર્ષ પહેલા ગ્રામવાસીઓ શહેરો તરફ નોકરી મેળવવા ઘસારો કરતાં. આજે શહેરના લોકો તાણના ત્રાસથી મુક્તિ મેળવવા શાંતિની શોધમાં ગામડાભણી દ્રષ્ટિ દોડાવે છે!

૪૦ વર્ષ પહેલા સુખી દેખાવા લોકો જાડા થવું પસંદ કરતા. આજે લોકો તંદુરસ્ત દેખાવા ડાયેટીંગ કરે છે!

૪૦ વર્ષ પહેલા શ્રીમંત લોકો ગરીબ હોવાનો ડોળ કરતા. આજે ગરીબ લોકો શ્રીમંત બનવાનો દંભ કરે છે!

૪૦ વર્ષ પહેલા ઘરની માત્ર એક વ્યક્તિ આખા પરિવારનું ગુજરાન ચલાવવા કામ કરતી. આજે ઘરની દરેક વ્યક્તિએ એક બાળકનું ભરણપોષણ કરવા કમાવું પડે છે!

૪૦ વર્ષ પહેલા લોકોને ભણવું અને વાંચવું ગમતું. આજે લોકોને ફેસબુક અપડેટ કરવું અને વોટસએપ પર મેસેજ વાંચવા ગમે છે!

(ઇન્ટરનેટ પરથી)

Saturday, January 25, 2020

તમારામાંના સિંહને જગાવો!

  જંગલમાં સૌથી મોટું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? હાથી.

જંગલમાં સૌથી ઉંચું પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? જીરાફ.

જંગલમાં સૌથી ચતુર પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? શિયાળ.

જંગલમાં સૌથી ઝડપી પ્રાણી કયું એમ પૂછવામાં આવે તો તમે શું કહેશો? ચિત્તો.

આ બધાં છતાં, આ બધી ખાસિયતોમાંની એક પણ ખાસિયત ના ધરાવતો હોવા છતાં સિંહ જંગલનો રાજા ગણાય છે. શા માટે?

કારણ...

સિંહ હિંમતવાન છે, સાહસિક છે, તે આત્મવિશ્વાસ પૂર્વક ચાલે છે. સિંહ કંઈ પણ કરતા ખચકાતો નથી, ક્યારેય કોઈથી ડરતો નથી. સિંહ વિચારે છે કે કોઈ ક્યારેય તેને અટકાવી શકશે નહીં. તે જોખમ ખેડનારો અને ઉદ્યમી છે.
સિંહ વિચારે છે કે કોઈ પણ પ્રાણી તેનો કોળિયો છે. સિંહ દરેક તક ઝડપી લેવામાં માને છે, તે એક પણ તક પોતાના હાથમાંથી જતી કરતો નથી. સિંહ પાસે તેનું પોતાનું આગવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે.

તો આપણે સિંહ પાસેથી શું શીખવું જોઈએ?

- તમારે સૌથી વધુ ઝડપી બનવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ ચતુર હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ બુદ્ધિશાળી હોવાની જરૂર નથી
- તમારે સૌથી વધુ શાણા હોવાની જરૂર નથી

જરૂર છે માત્ર હિંમતની.
જરૂર છે માત્ર પ્રયત્ન કરવાની ઇચ્છાશક્તિ ધરાવવાની.
જરૂર છે માત્ર એવી શ્રદ્ધા ધરાવવાની કે બધું જ શક્ય છે.
જરૂર છે માત્ર પોતાની જાતમાં વિશ્વાસ ધરાવવાની કે હું આ કરી શકીશ.

... તો તમારામાંના સિંહને જગાવો!... અને જગત જીતી લો!

(ઇન્ટરનેટ પરથી)


બ્રહ્માંડના મેનેજરને સઘળી ચિંતાઓ સોંપી દો



     હું સુપરમાર્કેટમાં ખરીદી કરતા ચાલી રહ્યો હતો ત્યાં અચાનક કંઈક પડવાનો - તૂટવાનો મોટો અવાજ આવ્યો. હું અવાજ જ્યાંથી આવ્યો હતો એ તરફ ગયો તો ત્યાં જોવા મળ્યું કે એક વૃદ્ધ સ્ત્રી સંતુલન ચૂકી જતા તેની સામાનની ટ્રોલી સાથે એક કાચના વાસણોના શેલ્ફ સાથે અથડાઈ હતી અને લોકો તેની આસપાસ ભેળા થયા હતાં. વૃદ્ધ સ્ત્રીથી ઘણાં કાચના વાસણ તૂટી ગયા હતાં. છોભિલી પડી ગયેલી એ વૃદ્ધ સ્ત્રી વાંકી વળી તૂટેલા કાચના વાસણોનાં ટુકડા ભેગા કરી રહી હતી. તેનો પતિ એ બધા તૂટેલા કાચના વાસણો પરના ભાવના ટેગ્‌સ વાંચી જીવ બાળતા કહી રહ્યો હતો, "આ બધું નુકસાન આપણે ભરપાઇ કરવું પડશે." કેટલું ગમગીની ભર્યું દ્રશ્ય હતું એ!
    કોઈક સાથે આ દુર્ઘટના ઘટી હતી પણ લોકો ટોળે વળી જાણે તમાશો જોતા હતાં. હું આ વૃદ્ધ દંપતિ પાસે ગયો અને વાંકા વળી મેં તેમને મદદ કરવા માંડી. આ જોઈ અન્ય એક યુવાન પણ ત્યાં આવ્યો અને તેણે પણ તૂટેલા કાચના ટુકડા ભેગા કરી ઉપાડતા કહ્યું," માજી, તમે છોડી દો, અમે આ બધું ઉપાડી લઈશું. તમે નજીક દવાખાનું આવેલું છે ત્યાં જઈ તમારા હાથમાં કાચ વાગવાથી જખમ પડ્યો છે, તેની સારવાર કરાવી લો."
    વૃદ્ધાએ કહ્યું, "પણ મારે આ બધા નુકસાનની ભરપાઈ કરવી પડશે."
    એ યુવાને કહ્યું, "ના મેડમ, હું જ અહીંનો મેનેજર છું. અમે આ બધા કાચના સામાનનો વીમો કઢાવેલો છે. આથી તમારે એ માટે કંઈ ચૂકવવાનું નથી. તમે જલ્દીથી જઈ સૌ પહેલા સારવાર કરાવી લો. "
    હવે તમે આંખ બંધ કરી વિચારો કે ભગવાન તમારા માટે આમ કરી રહ્યા છે. તે તમારા ભગ્ન હ્રદયના અને તમારી ભૂલો ને કારણે કે અન્ય કારણોસર જિંદગીએ તમને જે ફટકા આપ્યા છે તેના દ્વારા વેરાયેલા ટુકડા ભેગા કરી રહ્યા છે. એ એક ડગલું આગળ વધી તમારા જખમો રૂઝવવાનું કામ પણ કરશે અને તમારા પાપો અને ક્ષતિઓ માફ કરી દેશે.
બસ આના માટે શરત એટલી છે કે તમારે ભગવાનને તમારા મસીહા તરીકે સ્વીકારવાના છે, સઘળું તેને ભરોસે મૂકી દેવાનું છે. પછી બ્રહ્માંડના મેનેજર એવા એ ભગવાન તમને કહેશે, "તમારે કંઈ ચૂકવવાનું નથી, તમારા માર્ગે જવા તમે મુકત છો! “

(ઇન્ટરનેટ પરથી)

Sunday, January 5, 2020

વૃધ્ધાવસ્થાના મિત્રો

 <આ વાતના મૂળ લેખકની જાણ નથી, પણ ૨૫ થી ૫૦ વર્ષનાં દેખીતા પ્રતિભાશાળી સફળ વ્યક્તિઓને સાચી શીખ આપતી આ વાત ઘણી સમજવા અને અમલમાં મૂકવા લાયક છે તેથી સૌ વાચકમિત્રો સાથે શેર કરી રહ્યો છું. >

    અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પૂર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન,  એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો. જ્યાં કાયમ સવાર-સવારમાં લો-ગાર્ડનમાં વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલ ચા પીતા જોવા મળતાં, જેમાં એક ૭૫ વર્ષ વટાવી ચૂકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પૂછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા. મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતું પૂછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા. 
    થોડા સમય બાદ મારાથી ન રહી શકાયું એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ, "વડીલ તમે રોજ મારી પહેલા, વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે!"
      દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડું આમ મોં મચકોડયું હોય એ રીતે ખંધુ હસ્યા! પછી મને કહે, "ભાઇ આ ઉંમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે  વહેલા અહિંયા આવીને બેસી જાવ છું!"
મેં કહ્યુ," તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા!"
તો કહે, "ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધૂ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા)  ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો. એ પછી તો જય ભગવાન."
મેં કહ્યુ," તો તો એમની તમને બહુ કમી પડતી હશે."
વડીલ મને કહે,"તમે ઉંમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર ૪૦ વર્ષ પછી હરેક પળ રહે છે."
મેં પૂછ્યું," સાંજનો સમય તો સરખી ઉંમરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને? "
મારા આ સવાલ ઉપર તે વડીલ ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે તેમણે કહ્યું," હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો. મેં મારી નોકરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખૂબ જ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભૂલ થતી તો હું ખૂબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો. જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન તો કરતા પણ એ ઔપચારિક રીતે જ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ. મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલું અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામાં બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવું છું, તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દૂર, ઉભો પણ ના રહું. અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની તેઓ ભૂલ પણ ના કરતા. આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહીં. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે સૌ મારો પડ્યો બોલ ઝીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા. મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ!  ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાંકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહું તો કોઈને કોઈ બહાનું બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાંકડો બે જ વધતા!  અરે, ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય!  ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો.  હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો. "
    એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે" તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે!  તો બીજું ખૂટે છે શું? "

વડીલ મને કહે," મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યું અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવું એકલતાનું જાળુ યુવાનીમાં બનાવ્યું પણ ઘડપણમાં કામ લાગે અને બાંકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દૂર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો! હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતું."

સાહેબ ..તમે  પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દૂર કરે એવા મિત્રો જરૂર બનાવજો.

(ઇન્ટરનેટ પરથી)

Friday, December 20, 2019

સમજવા જેવી વાતો

ઝેર શું છે?
 જરૂર કરતા વધારે દરેક ચીજ ઝેર છે. સત્તા, આળસ, ખોરાક, અહમ્, મહત્વકાંક્ષા, મિથ્યાભિમાન, ડર, ક્રોધ અને બીજું બધું જે હદથી વધી જાય તે ઝેર છે.

ડર શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકારી લઈએ તો તે સાહસ બની જાય છે.

ઇર્ષ્યા શું છે?
અન્યની સારી બાબતનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે પ્રેરણા બની જાય છે.

 ક્રોધ શું છે?
 જે આપણાં નિયંત્રણમાં નથી તેનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે ધૈર્ય બની જાય છે.

 નફરત શું છે?
 સામેનું પાત્ર જેવું છે તે સ્વરૂપે તેનો અસ્વીકાર. જો આપણે તેનો બિન શરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય છે. 

(ઇન્ટરનેટ પરથી)

Saturday, October 26, 2019

બ્રાહ્મણના પુત્રની ચતુરાઈ

      એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક વાર ત્યાંના રાજાએ તેને ચર્ચા વિચારણા માટે પોતાની સભામાં બોલાવ્યો. ઘણાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચા બાદ રાજાએ કહ્યું, "મહાશય, આપ અતિ જ્ઞાની છો, આટલા ભણેલા-ગણેલા છો તો પછી આપનો પુત્ર આટલો બધો મૂર્ખ કેમ છે? એને પણ કઇંક શીખવો.એને તો સોના - ચાંદીમાં કોનું મૂલ્ય વધારે એ વિશે પણ ગતાગમ નથી." એમ કહી રાજા જોરજોરથી હસવા લાગ્યો.
     બ્રાહ્મણને ખરાબ લાગ્યું. તેણે ઘેર જઈ પુત્રને પૂછ્યું, "સોના અને ચાંદીમાં કોનું મૂલ્ય વધારે? “
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રે જવાબ આપ્યો," સોનાનું."
"તું આ જાણે તો છે, તો પછી રાજાએ બધા વચ્ચે આ અંગે મારી ઠેકડી કેમ ઉડાડી? “
      પુત્રને આનું કારણ સમજાઈ ગયું. તે બોલ્યો, "રાજા ગામ પાસે એક ખુલ્લો દરબાર ગોઠવે છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ થાય છે. એ દરબાર મારી શાળાએ જતાં માર્ગમાં આવે છે. મને જોઈ તેઓ મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો રાખી જે અધિક મૂલ્યવાન હોય તે મને લઈ લેવા કહે છે. હું ચાંદીનો સિક્કો લઈ લઉં છું. બધાં ખડખડાટ હસે છે અને આ ઘટનાની મજા લૂંટે છે. આવું લગભગ દર બીજે દિવસે બને છે. "
     "તો પછી તું સોનાનો સિક્કો કેમ લઈ નથી લેતો? ચાર જણ વચ્ચે પોતાની જાત સાથે મારો પણ ફજેતો કરાવે છે?" બ્રાહ્મણે પુત્રને પ્રશ્ન કરતા કહ્યું.
     પુત્ર હસીને બ્રાહ્મણને અંદરના કક્ષમાં લઈ ગયો અને તેણે કબાટમાંથી એક ચાંદીના સિક્કાથી ભરેલી સંદૂક કાઢી પિતાને બતાવી. એ જોઈ બ્રાહ્મણ તો હતપ્રભ બની ગયો.
પુત્રે તેને કહ્યું," જે દિવસે હું સોનાનો સિક્કો ઉપાડીશ, તે દિવસથી આ ખેલ બંધ થઈ જશે. એ લોકો મને મૂર્ખ સમજી મજા લઈ રહ્યા હોય તો ભલે લે, જો હું બુદ્ધિમાન સાબિત થઈશ તો મને કંઈ નહીં મળે. હું આપ જેવા ચતુર બ્રાહ્મણનો પુત્ર છું અને તેથી અક્કલથી કામ લઉં છું."
     મૂર્ખ હોવું અલગ વાત છે અને મૂર્ખ ગણાવું અલગ.
     સ્વર્ણિમ મોકાનો ફાયદો ઉઠાવવાને બદલે સારું છે દરેક મોકા ને સુવર્ણમાં ફેરવી નાખવાનું.

(ઇન્ટરનેટ પરથી)

Tuesday, February 21, 2017

જીવનમાં યાદ રાખવા જેવી વાતો

૧ તમે ગમે તેટલા મોટા અને કદાવર કેમ ન હોવ, યાદ રાખો કે મર્યા બાદ તમે જાતે કબર કે સ્મશાન સુધી જઈ શકવાના નથી. નમ્ર બનો.
૨ તમે ગમે તેટલા સુંદર કે દેખાવડા કેમ ન હોવ, યાદ રાખો કે બબુન કે ગોરીલા પણ યાત્રીઓને આકર્ષે છે. બડાઈ મારવી બંધ કરો.
૩ તમે ગમે તેટલા ઉંચા કેમ ન હોવ, યાદ રાખો કે તમે આવતી કાલ જોઈ શકવાના નથી. ધૈર્યવાન બનો.
૪ તમે ગમે તેટલા ગોરા કેમ ન હોવ, યાદ રાખો કે અંધારામાં જોવા માટે તમને રોશનીની જરૂર પડશે જ. સજાગ બનો.
૫ તમે ગમે તેટલા શ્રીમંત અને એક કરતા વધુ ગાડીઓના માલિક કેમ ન હોવ, યાદ રાખો કે રાતે સૂવા માટે પલંગ સુધી તમારે જાતે ચાલીને જ જવું પડશે. સંતોષી બનો.
જીવન સરળતાથી જીવો. જીવન અતિ લાંબુ નથી.

(‘ઇન્ટરનેટ પરથી’)