Showing posts with label 'Bodh katha'. Show all posts
Showing posts with label 'Bodh katha'. Show all posts

Saturday, March 2, 2019

એક બોધકથા : જીંદગી આજમાં જીવો

એક ફકીર નદીને કિનારે બેઠો હતો. કોઈએ તેને પૂછ્યું," બાબા, શું કરો છો? "
ફકીરે જવાબ આપ્યો, "રાહ જોઉં છું ક્યારે આખી આ નદી પસાર થઈ જાય, પછી પેલી પાર જાઉં." પેલી વ્યક્તિએ કહ્યું, "કેવી વાત કરો છો બાબા? આખી નદી પસાર થઈ જવાની રાહ જોયા કરશો તો ક્યારેય તેને પાર કરી શકશો નહીં."
ફકીરે કહ્યું, "એ જ તો હું તમને સૌને ક્યારનો સમજાવવા ઇચ્છું છું કે તમે સૌ હંમેશા કહ્યા કરો છો ને કે એક વાર જીવનની જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું મોજ કરીશ, ફરીશ, સૌને મળીશ, સેવા કરીશ... એ ક્યારેય શક્ય બનવાનું નથી. જેમ નદીનું જળ ખતમ થવાનું નથી અને આપણે જ વહેતા પાણી સાથે તેને પાર કરવાનો માર્ગ શોધવાનો છે તેમ જ જીવન પૂરું થઈ જશે પણ કામો અને જવાબદારીઓ પૂરા થવાના નથી. આથી જીંદગી આજમાં જીવો. "

(ઇન્ટરનેટ પરથી)

Saturday, January 14, 2017

હાથી અને ડુક્કરની વાર્તા

એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ પોતાના રહેઠાણ તરફ પાછો ફરી રહ્યો હતો. માર્ગમાં એક સાંકડો પુલ આવ્યો જેના પર સામેથી તેણે એક કાદ​વમાં રગદોળાયેલા મેલા-ગંદા શરીર વાળા ડુક્કરને આવતું જોયું. હાથી શાંતિથી રસ્તાની એક બાજુએ ખસી ગયો અને તેણે ગંધાતા ડુક્કરને પસાર થ​ઈ જ​વા દીધું. તેના પસાર થ​ઈ ગયા બાદ શાંતિથી હાથી પોતે આગળ વધ્યો.
અસ્વચ્છ ડુક્કરે પછી પોતાના મિત્રો સમક્ષ ઉદ્ધતાઈથી બડાઈ હાંકતા કહ્યું,"જોયું હું કેટલું પ્રભાવશાળી છું, હાથી જેવો હાથી પણ મારાથી ડરે છે! તે મને માર્ગ કરી આપ​વા પોતે કેવો ખસી ગયો! "
આ સાંભળી જતા, હાથીના કેટલાક મિત્રોએ તેને પ્રશ્ન કર્યો કે તેણે આવું વર્તન શા માટે કર્યું. શું તે ભૂંડથી ખરેખર ડરી ગયો હતો? હાથીએ સ્મિત કર્યું અને જ​વાબ આપ્યો,"હું એ ડુક્કરને સહેલાઈથી મારા એક પગ નીચે કચડી નાંખી શક્યો હોત, પણ હું સ્વચ્છ હતો અને તે ગંધરો-ગોબરો! એને કચડી નાંખ​વા જતા મારો જ પગ ખરાબ થયો હોત અને મારે એમ થ​વા દેવું નહોતું. આથી હું એક બાજુએ ખસી ગયો હતો."

વાર્તા નો સાર:
જ્ઞાની લોકો પોતાના આત્માને નકારાત્મકતાથી દૂર રાખે છે. તેઓ અપ​વિત્રતાની ગંદકીને આસાનીથી કચડી નાંખ​વા સક્ષમ હોય છે પરંતુ તેઓ એનાથી આઘા જ રહે છે. તમારે જીવનમાં દરેક મંત​વ્ય​, ટીપ્પણી કે સ્થિતી સામે પ્રતિક્રીયા આપવાની જરૂર હોતી નથી. બિનજરૂરી કકળાટથી દૂર રહો અને આગળ ધપતા રહો!


Saturday, December 17, 2016

સ્વભાવ નહિ બદલો ત્યાં સુધી કોઈ જાત્રાનો અર્થ નહિ સરે

એક દિવસ બધા શિષ્યો તેમના ગુરુ પાસે ગયા અને તેમણે કહ્યું ," ગુરુજી, અમને આશિર્વાદ આપો. અમે બધા જાત્રા એ જ​ઈએ છીએ."
ગુરુ : તમારે શા માટે જાત્રા એ જ​વું છે?
શિષ્યો : જેથી અમે અમારી એકાગ્રતા અને સમર્પણ ભાવ સુધારી શકીએ.
ગુરુ : ઠીક છે. મારું એક કામ કરજો. આ કારેલું લેતા જાવ અને તમે જે જે મંદીરે જાવ ત્યાં ત્યાં ભગ​વાનના મૂર્તિકક્ષમાં આ કારેલું મૂકી પ્રાર્થના કરજો, આશિર્વાદ માંગજો અને તેને તમારી સાથે પાછું લાવજો.
પછી તો કારેલું પણ બધા શિષ્યો ભેગુ જાત્રાએ ગયું અને અનેક મંદિરોમાં ફર્યું.
છેવટે જ્યારે બધા શિષ્યો જાત્રા કરી પાછા ફર્યા ત્યારે ગુરુએ પેલા કારેલાનું શાક કરી તેમને ખ​વડાવ​વા જણાવ્યું.
શિષ્યો એ ગુરુની આજ્ઞા મુજબ કર્યું અને એ શાક નો પહેલો કોળિયો ભરતા જ ગુરુજી બોલ્યા​," આશ્ચર્ય !"
શિષ્યો :"આમાં શું આશ્ચર્યજનક લાગ્યું ગુરુજી?"
ગુરુજી : "જાત્રાએ જઈ આવ્યા બાદ પણ કારેલું તો કડ​વું જ રહ્યું. એમ કેમ?"
શિષ્યો: “પણ કડ​વાપણું એ તો કારેલાનો મૂળભૂત સ્વભાવ છે, ગુરુજી "
ગુરુજી : આજ મારો તમને સૌને સંદેશ છે. તમે તમારો સ્વભાવ નહિ બદલો ત્યાં સુધી કોઈ જાત્રાનો અર્થ નહિ સરે.
આથી તમારામાં કે મારામાં જ્યાં સુધી બદલાવ નહિ આવે ત્યાં સુધી કોઈ ગુરુનો અર્થ નથી.
જો તમે હકારાત્મક અભિગમ સાથે વિચારશો તો...
અવાજ તમારા માટે સંગીત બની રહેશે...
હલચ​લ નૃત્ય બની રહેશે...
સ્મિત હાસ્ય બની રહેશે...
અને મન ધ્યાન અને એકાગ્રતા શિખી જશે
અને જીવન બની રહેશે એક ઉત્સ​વ !


(‘ઇન્ટરનેટ પરથી’)

Sunday, April 3, 2016

તમારા મન ને હળવું અને મુક્ત કઈ રીતે કરશો

આદિ શંકરાચાર્ય તેમના શિષ્યો સાથે બજારમાં ચાલી રહ્યા હતા.
તેમની દ્રષ્ટી એક માણસ પર પડી જે રસ્સી વડે પોતાની ગાય ને ખેંચી જઈ રહ્યો હતો.
શંકરાચાર્યે એ માણસ ને થોભવા કહ્યું અને પોતાના શિષ્યોને તે માણસને ઘેરી ઉભા રહેવાની સૂચના આપી.
પછી તેમણે પૂછ્યુ," કહો જોઈએ આમાં કોણ કોનાથી બંધાયેલું છે? માણસ ગાયને કે ગાય માણસને?"
શિષ્યો તરત એકી સૂરે બોલે ઉઠ્યા "ગાય માણસ થી બંધાયેલી છે."
સૌથી ચતુર એવા એક શિષ્યે ઉમેર્યું,"માણસ તેનો માલિક છે. તેના હાથમાં રસ્સી છે. આથી તે જ્યાં જાય ત્યાં ગાયે તેની પાછળ દોરાવું જ પડે. માણસ માલિક અને ગાય તેની ગુલામ છે."
"હવે ધ્યાનથી જુઓ" એમ કહી શંકરાચાર્યે પોતાના ઝોળામાંથી કાતર કાઢી અને ગાયના ગળે બાંધેલી રસ્સી કાપી નાંખી.
ગાય મુક્ત થતાં જ તરત દોડવા માંડી અને તેનો માલિક એવો પેલો માણસ એની પાછળ પાછળ!
શંકરાચાર્યે પૂછ્યુ,"જોયું હવે શું થાય છે? હવે કોણ માલિક છે? ગાયને તેના આ માલિકમાં જરા પણ રસ નથી. ઉલટું ગાય તેનાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે.
આવું જ આપણા મનનું છે. ગાયની જેમ ,આપણે જે જે અર્થહીન વિચારો મનમાં ભરી રાખીએ કે કર્યા કરીએ છીએ તે આપણા થી દૂર ભાગવા પ્રયત્ન કરે છે. તેને આપણામાં બિલકુલ રસ નથી પણ આપણે તેમને પસંદ કરીએ છીએ.આપણે તેમને કોઈક ને કોઈક રીતે આપણી પાસે જ જકડી રાખીએ છીએ.આપણે તેમને આપણા કાબૂમાં રાખવા શક્ય એટલા બધા પ્રયાસ કરી છૂટીએ છીએ.
જેવા આપણે મગજમાં ભરી રાખેલા કચરા જેવા આ નિરર્થક વિચારોમાં રસ લેવાનું બંધ કરી દઈશું,અને જેવા આપણે આ નકામા વિચારોની નિરર્થકતા સમજી શકીશું કે તે આપણાથી દૂર ભાગવા માંડશે. ગાયની જેમ એ પણ છટકીને અદ્રષ્ય થઈ જશે."
મુક્તતા અને નિશ્ચિંતતાનો અનુભવ કરવો એ આપણી પસંદગીનો વિષય છે!


('ઈન્ટરનેટ પરથી')