Saturday, November 4, 2017

સાડી નો પાલવ

મને નથી લાગતું કે આજનાં બાળકોને સાડીનો પાલવ કોને કહેવાય તેની ખબર હશે કારણકે આજકાલ ની માતાઓ સાડી પહેરતી જ નથી. 
       પાલવ નો મુખ્ય ઉદ્દેશ સાડીને વધુ સુંદરતા અને ભવ્યતા બક્ષવાનો છે, પણ એ સાથે જ ચૂલા પરથી ગરમ વાસણને ઉંચકવા માટે પણ એનો ઉપયોગ સ્ત્રીઓ કરતી. બાળકોનાં અશ્રુ લૂછવા નું એ એક અદ્ભુત સાધન હતું. ક્યારેક માતાઓ બાળકોનાં કાન સાફ કરવા તેમ જ શરીર લૂછવા પણ તેનો ઉપયોગ કરી લેતી. 
       સૂતેલા બાળકો માટે માતાનો ખોળો સાદડીની તો પાલવ ગરમ રજાઈની ગરજ સારતો. કેટલાક શરમાળ બાળકો માતાનાં પાલવનો ઉપયોગ મિત્રોથી મોઢું સંતાડવા પણ કરી લેતા અને નાનકડા બાળ તરીકે મસમોટાં ભૂંડા જગતમાં બહાર નિકળતી વેળાએ માતાનો પાલવ જ એક આધાર, માર્ગદર્શક તરીકેની ગરજ સારતો. 
       વાતાવરણ ઠંડુ હોય ત્યારે પાલવ હાથ ફરતે વીંટાળવા ઉપયોગમાં આવતો અને ચૂલાની ગરમીને કારણે પસીનાથી ભીની થયેલી આંખો લૂછવા પણ પાલવ મહામૂલો સાબિત થતો. 
     રસોડામાં જોઈતી વસ્તુઓ લઈ આવવા પણ પાલવ કામ લાગતો તો રસોઈ કરતી વખતે એ વસ્ત્ર પરનાં ઉપરણ તરીકે પણ ફરજ પૂરી પાડતો. 
      બાગ કે વાડીમાંથી શાકભાજી લઈ આવવા અને વટાણા વગેરે શાકભાજી ફોલ્યા બાદ કચરો ઘર બહાર ફેંકવા લઈ જવામાં પણ પાલવ કામ લાગતો. 
      બાગમાંથી નીચે પડેલાં શેતૂર, બોર જેવાં ફળો કે ભગવાનને ચડાવવા સુગંધી કે રંગબેરંગી ફૂલો ભરી લઈ આવવા છાબડી તરીકે પણ પાલવ ઉપયોગમાં આવતો. 
      ઘરની સાફસફાઇ વખતે ધૂળ ઝાટકવાનું કામ પણ પાલવ કરતો  તો રડતા બાળક ને છાનું રાખવાં કેટલાં બધાં રમકડાં ભરવા એ ટોપલી પણ બની જતો. 
         આટઆટલા બહુવિધ ઉપયોગ ધરાવતા જાદુઈ પાલવનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. 
         માતાના પાલવમાંથી નીતરતાં સ્નેહનું તો પૂછવું જ શું!

(ઈન્ટરનેટ પરથી)


Saturday, October 28, 2017

સકારાત્મક દ્રષ્ટીકોણ

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.”
ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.”
એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.”
ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“
પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો.
પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે.
આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે!  
એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,"તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો?"
તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,"હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે?મારો ભગ​વાનતો મને જોઇ જ શકે છે!"
દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ.
સદાયે હસતા રહો,હસાવતા રહો.


(ઈન્ટરનેટ પરથી)