Sunday, August 12, 2018

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો (ભાગ - ૧) 
-----------------------------------------------------
🌟 ૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.
🌟 ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.
🌟 ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.
🌟 ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.
🌟 ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.
🌟 ૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.
🌟 ૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.
🌟 ૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.
🌟 ૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.
🌟 ૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.
🌟 ૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ.
🌟 ૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ.
🌟 ૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ.
🌟 ૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે.
🌟 ૧૫. રાજા, વિદ્વાન, વૃદ્ધ, બાળક, રોગીષ્ઠ, અપંગ અને મા-બાપ – આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે.
🌟 ૧૬. ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મઘુરવાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે.
🌟 ૧૭. જે ધનવાન છે, પણ ગુણવાન નથી. તેની સોબત કદી ન કરવી.
🌟 ૧૮. સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે.
🌟 ૧૯. અહીં ‘સીધાં’ માણસને જ બધાં હેરાન કરે છે – માટે બહુ સરળ ન થવું.
🌟 ૨૦. ‘જે થવાનું હતું, તે થઈ ગયું’ – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો.
🌟 ૨૧. પ્રેમ બધાં ઉપર રાખો. પણ વિશ્વાસ કદી નહિ.
🌟 ૨૨. જે કદી પણ ક્રોધ કરતો જ નથી, તે પુરુષ યોગી છે.
🌟 ૨૩. આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘેર જવું નહિ.
🌟 ૨૪. ધર્મનું આચરણ કરી, નીતિપૂર્વક કમાણી કરવી, એ પણ એક પરમસિદ્ધિ છે.
🌟 ૨૫. ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી, એ ઘરના મર્દોની ફરજ છે.
🌟 ૨૬. કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરો.
🌟 ૨૭. જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય, તેનાથી ચેતજો.
🌟 ૨૮. જે પોતાને પ્રતિકૂળ છે, તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ.
🌟 ૨૯. જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે.
🌟 ૩૦. જે શાસ્ત્રોથી વિરૂદ્ધ વર્તન કરે છે, તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે.
🌟 ૩૧. દોરીથી બંધાયેલી કઠપુતળીની જેમ, જીવ દૈવને બંધાયેલો પરવશ છે.
🌟 ૩૨. ક્રોધ શરીરના સૌદર્યને નાશ કરે છે.
🌟 ૩૩. પરિવારને મૂકી, જે એકલો મિષ્ટાન્ન આરોગે છે, તેનું પતન નિશ્ચિત છે.
🌟 ૩૪. જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ.
🌟 ૩૫. જે વાદવિવાદ નથી કરતાં, તે સંવાદમાં જીતી જાય છે.
🌟 ૩૬. ૠષિનું કુળ અને નદીનું મુળ જાણવા પ્રયત્નો કરવા નહિ.
🌟 ૩૭. જે ભૂખ વગર ખાય છે, તે વહેલો મરે છે.
🌟 ૩૮. દુર્જનોનું બળ હિંસા છે.
🌟 ૩૯. મઘુરવાણી ઔષધ છે, કટુવાણી રોગ છે.
🌟 ૪૦. બધા તીર્થોની કરેલી યાત્રા કરતાં, જીવદયા ચડિયાતી છે.
🌟 ૪૧. પોતાના ઉપયોગ માટે મેળવેલ અનાજ, દહીં, મીઠું, મધ, તેલ, ઘી, તલ, કંદમૂળ, શાકભાજી, લાલ વસ્ત્રો અને ગોળ – આ ૧૧ વસ્તુઓ કોઈને વેચવી નહિ.
🌟 ૪૨. સાપ, રાજા, શત્રુ, ભોગી, લેણદાર, સ્ત્રી અને પોતાનું શરીર – આટલા સાત ઉપર કદી આંધળો વિશ્વાસ મૂકવો નહિ.
🌟 ૪૩. સ્નાન કરવાથી રૂપ, બળ, સ્વર, શોભા, સ્વચ્છતાના લાભ પ્રાપ્ત થાય છે.
🌟 ૪૪. જે સેવક આજ્ઞાનું પાલન કરવાને બદલે, વ્યર્થ દલીલબાજી કરતો હોય, તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ.
🌟 ૪૫. જે માણસ જેવો વ્યવહાર કરે છે, તેવો જ વ્યવહાર તેની સાથે કરવો.
🌟 ૪૬. હણે તેને હણવામાં પાપ નથી.
🌟 ૪૭. કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતાં વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી – આ ત્રણ દુર્ગુણ, દુઃખ વધારે છે.
🌟 ૪૮. જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મઘુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે ત્યાં સદાકાળ લક્ષ્મી છે.
🌟 ૪૯. જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુસેવાથી જ્ઞાન અને યોગથી શાંતિ મળે છે.
🌟 ૫૦. દિવસે એવુંને એટલું કામ કરવું કે રાત્રે તુરંત જ ઊંઘ આવી જાય.
🌟 ૫૧. જે સભામાં વૃદ્ધ નથી, તે સભા નથી; જે ધાર્મિક નથી, તે જ્ઞાનવૃદ્ધ નથી અને જેમાં સત્ય નથી, તેમાં કોઈ ધર્મ નથી.
🌟 ૫૨. નાશ પામેલી કોઈપણ વસ્તુનો કોઈ શોક નથી કરતાં, તે પંડિત છે.
🌟 ૫૩. માણસને જે વહાલું હોય છે, તેના અવગુણ દેખાતા નથી અને જે અળખામણું હોય છે, તેના સદગુણો દેખાતા નથી.
🌟 ૫૪. પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાન્ત સ્થળે, નિર્જનસ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં, જ્યારે સમય મળે ત્યારે બેસી આત્મમંથન કરવું.

************************************************************************
વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો (ભાગ - ૨) 
-----------------------------------------------------
🌟 ૫૫. કલ્યાણ ઈચ્છનારે ક્યારેય કુટુંબમાં કજિયો કે કંકાસ કરવાં નહિ.
🌟 ૫૬. જે વૃક્ષ ઉપર ફળફૂલ બેસતાં નથી, તેનો પક્ષીઓ ત્યાગ કરી દે છે. તેમ મરેલાં માણસનો સગાવહાલાં તુરંત જ ત્યાગ કરી દે છે.
🌟૫૭. જે ભાગ્યમાં લખેલું છે, તે ક્યારેય મિથ્યા થતું નથી.
🌟 ૫૮. જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો.
🌟 ૫૯. કારણ વગર જ બીજાના દોષો જોવા- કહેવા એ મહામૂર્ખતા છે.
🌟 ૬૦. દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈપણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતભંગ થતો નથી.
🌟 ૬૧. માતા-પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે.
🌟 ૬૨. શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધરવાનું શરૂ થઈ જાય છે.
🌟 ૬૩. કોઈપણ પ્રયોજન વગર, કોઈ પણ પ્રવાસ કરવો નહિ.
🌟 ૬૪. જે પોતાનાં વખાણ (આત્મશ્લાધા) જ કરે છે, તે બધે અળખામણો બને છે.
🌟 ૬૫. જીવનમાં જે માત્ર થોડાં લાભથી જ સંતુષ્ટ થઈ જાય છે, તે મહામૂર્ખ છે.
🌟 ૬૬. કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુર્ત ત્યાગ કરી દેવો, ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું.
🌟 ૬૭. જે ઘેરથી અતિથિ નારાજ-નિરાશ થઈ જાય છે, તે ઘરનું પુણ્ય નાશ પામે છે.
🌟 ૬૮. ક્રોધને શાંતિથી, દુર્જનને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સત્યથી, મા-બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવાં.
🌟 ૬૯. જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે, તેમ નીચ કુળનો ઉચ્ચ બને છે.
🌟 ૭૦. જે અન્ન સારી રીતે પચી જતું હોય, તે જ માણસે ગ્રહણ કરવું.
🌟 ૭૧. કાચાં ફળ તોડી લેનાર, ફળની અસલ મીઠાશ માણી શકતો નથી.
🌟 ૭૨. નપુસંકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી, તે રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝિયો હોય તો તેનો બધાં જ ત્યાગ કરે છે.
🌟 ૭૩. જે ધાતુ તપાવ્યા વિના જ વળી જાય છે, તે ધાતુને તપવું પડતું નથી.
🌟 ૭૪. જેને કકડીને ભૂખ લાગે છે, તેને રોટલો પણ મિષ્ટાન્ન છે. પરંતુ જેને ભૂખ જ લાગતી નથી, તેના માટે મિષ્ટાન્ન પણ વ્યર્થ છે.
🌟 ૭૫. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જેનો કાબૂ નથી, તે શ્રેષ્ઠ ‘ગુલામ’ છે.
🌟 ૭૬. સત્યથી ધર્મનું, સતત અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે.
🌟 ૭૭. અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી.
🌟 ૭૮. શાન્તિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મ શ્રેષ્ઠ ઉપાય છે.
🌟 ૭૯. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ નર્કનાં દ્વાર છે.
🌟 ૮૦. સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ એ સ્વર્ગના દ્વાર છે.
🌟 ૮૧. નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારનો કયારેય સંગ ના કરવો.
🌟 ૮૨. હમેશાં પ્રસંગને અનુરૂપ પહેરવેશ ધારણ કરવો.
🌟 ૮૩. જેવો પ્રશ્ન હોય, તેવો જ જવાબ આપો.
🌟 ૮૪. જે બીજાના સુખે સુખી થાય છે, તે સજ્જન છે. પણ જે બીજાના દુઃખે દુઃખી થાય છે, તે સંત છે.
🌟 ૮૫. જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે, તે સફળ થાય છે.
🌟 ૮૬. સમય આવ્યે જે શત્રુને પણ મદદ કરે છે, તેને ત્યાં અનર્થો આવતા નથી.
🌟 ૮૭. બધાં તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ઘ્યાન રાખે છે, તે સુખી છે.
🌟 ૮૮. જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી, તેમ કામી પુરુષ સ્ત્રીઓથી ધરાતો નથી.
🌟 ૮૯. વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી ?
🌟 ૯૦. ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે.
🌟 ૯૧. જે ગાય સહેલાઈથી દોહવા દેતી નથી, તેને બહુ માર ખાવો પડે છે.
🌟 ૯૨. ફૂલમાંથી જે રીતે ભ્રમર મધ લે છે, રાજાએ એ રીતે પ્રજા પાસેથી કર લેવો.
🌟 ૯૩. રાજનીતિમાં ધર્મ જરૂરી છે, પણ ધર્મમાં રાજનીતિની જરૂર નથી.
🌟 ૯૪. પોતાનું જરૂરી કામ પડતું મૂકી, બીજાનું કામ કરવા દોડી જાય, તે મહામૂર્ખ છે.
🌟 ૯૫. કોઈપણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે, તે અપમાનિત થાય છે.
🌟 ૯૬. દૂરદર્શિતા, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, સ્વાઘ્યાય, પરાક્રમ, મિતભાષણ, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો મનુષ્યને યશસ્વી બનાવે છે.
🌟 ૯૭. આળસ, માદક દ્રવ્યોનું સેવન, વાતોડિયો સ્વભાવ, પરિવારની માયા, ધગશનો અભાવ, લાલચ, ચંચળતા અને અહંકાર – આ આઠ દુર્ગુણો હોય ત્યાં ક્યારેય વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી.
🌟 ૯૮. જે આસ્તિક છે, તે પંડિત છે.
🌟 ૯૯. ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે, ગમાડવા જેવાનો ત્યાગ કરે છે, તે મૂર્ખ છે.
🌟 ૧૦૦. જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી, તેને યશ અને મહત્તા મળે છે.
🌟 ૧૦૧. ધન, પુત્ર, સદગુણી પત્ની, આજ્ઞાંકિત પુત્ર, નિરોગી શરીર અને વિદ્યા – સુખ આપે છે.
🌟 ૧૦૨. સુપાત્રને દાન આપવું, એ ધનની પ્રતિષ્ઠા છે.
🌟 ૧૦૩. બધાં જ ‘ઘા’ની દવા છે, પણ કટુવાણીના ‘ઘા’ની કોઈ દવા નથી.
🌟 ૧૦૪. બુદ્ધિથી પાર પડાતાં કાર્યો શ્રેષ્ઠ, બળથી મઘ્યમ અને કપટથી અધમ હોય છે.
🌟 ૧૦૫. બોલવા કરતાં મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતાં, સાચું બોલવું શ્રેષ્ઠ છે.
🌟 ૧૦૬. એકલું અટૂલું ઊગેલું સુદ્દઢ મૂળવાળું વૃક્ષ પણ ઊખડે છે, તેવું માણસનું પણ છે.
🌟 ૧૦૭. યાન, વિગ્રહ, આક્રમણ, આસન, સંધિ, શત્રુતા, સમાશ્રય એ રાજનીતિ છે.
🌟 ૧૦૮. જે તદ્દન નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તેને અનાયાસે અપાર સુખ મળે છે.

(સંપૂર્ણ)

(ઇન્ટરનેટ પરથી)

Saturday, July 21, 2018

વડીલોની સંભાળ

ઓફિસથી છૂટીને ઘેર આવવા નીકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરીની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો.
પાણીપુરીવાળાને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો.
પાણીપુરીવાળાની બાજુમાં એક વડીલ(દાદા) ઉભા હતા.
સફેદ સુઘડ લેંઘો ઉપર અડધી બાયનો બુશકોટ એકદમ હસમુખો પણ નિર્વિકાર ચહેરો, ઉંમર લગભગ ૬૫/૭૦.
દાદા એકદમ મસ્તીથી પાણીપુરીની થેલીમાં હાથ નાખી એક એક કરીને "કોરી પુરી" મોં માં ઠુસતા જતા હતા.
મારો નમ્બર આવ્યો. હું પડીયો હાથમાં લઇ પાણીપુરીવાળા સામે ઉભો. એક પછી એક ફટાફટ પાંચ પુરી ઝાપટી ગયો.પેટની આગ થોડીઘણી બુઝાણી.
પેલા દાદાનો કોરી પુરી ખાવાનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલુ જ હતો. પાણીપુરીવાળો પણ ખૂબ ગુસ્સે થતો હતો, બોલ્યો
"बाबूजी प्लेट देता हुँ। बराबरसे खाओ ना"
દાદા તો ગલોફામાં ને ગલોફામાં હસતા હસતા પુરી ખાવાનું ચાલુ જ રાખતા હતા.
એક પ્લેટ થી હજુ પેટ એટલુ ભરાણું નહોતું એટલે મેં બીજી પ્લેટ ખાવાની શરૂ કરી.
જો કે દાદા હજુ થેલીમાંથી કોરી પુરી ગટકાવતા જતા હતા.
"અરે દાદા, સરખી રીતે પ્લેટ માં લઈને ખાવને." મેં કીધું.
દાદા જેમ ના તેમ, ઉં નહીં કે ચું નહિ, લાગ્યું કંઈક ગડબડ છે.
મારી બીજી પ્લેટ પતવા આવી. દાદા હજુ ત્યાં જ ઉભા હતા.
એટલામાં પાછળથી એક માણસ સ્કુટી પર આવ્યો.
"ચિંતા ન કરતી, દાદા મળી ગયા છે!!" કોઈકની સાથે મોબાઈલ પર બોલતો હતો. ગળા માં ઓફિસ બેગ, પગમાં સાદા ચપ્પલ,ચાલીસીનો હશે ઉંમરમાં અને તેના ચહેરા પર એના દાદા મળી ગયાની ખુશી દેખાતી હતી!
એણે ગાડી સાઈડમાં લઈ સ્ટેન્ડ પર ચડાવી.

"શું પપ્પા, આજે પાણીપુરી કે?હજુ ખાવી છે???"
એણે દાદાને પૂછ્યું. દાદા એ આનો કોઈ જ પ્રત્યુત્તર ન આપ્યો. એણે દાદાને ગાડી પર બેસાડ્યા અને ખૂબ નમ્રતાથી પાણીપુરી વાળાને પૂછ્યું કે, દાદા એ કેટલી પાણીપુરી ખાધી અને એના પુરા પૈસા આપી દીધા. આ બધું જોઈને હું નવાઈ પામ્યો.
"આ દાદા કોણ છે તમારા?" મેં પૂછ્યું.
"પપ્પા છે મારા" એનો જવાબ.
"એમને કોઈ તકલીફ છે?" મારો પ્રશ્ન.
"હા એમને "અલ્ઝાયમર" છે".
એકદમ શાંતિથી એણે કહ્યું. એના બોલવામાં ક્યાંય પણ દુઃખ, તાણ કે ત્રાસ નહોતો.એકદમ સહજતાથી એ બોલતો હતો.
" તો આ દાદા આમ આવી રીતે ગમે ત્યાં ચાલ્યા જાય કે?"
" હા, અત્યારે જ જુઓને, પાંચ કિલોમીટર ચાલીને આવ્યા છે."
હું તો આભો જ થઈ ગયો જાણે શૉક લાગ્યો.
"તો તમે આમને શોધો કઈ રીતે?" મેં પૂછ્યું.
"અમે દાદાના ખીસામાં કાયમ એક મોબાઈલ રાખીએ છીએ અને એમાં એક GPS ટ્રેકર લગાવ્યું છે. એની મદદથી આમને શોધી લઉં છું."
"આવું વારંવાર થાતું હશે"મેં આશ્ચર્ય થી પૂછ્યું.
એ એકદમ સરળ હસીને, સ્મિત સાથે બોલ્યો "મહિના માં એક બે વાર થાય આવું.
"કાળજી રાખો દાદાની ભાઈ, બાપ રે આતો કેવો ત્રાસ ભાઈ" હું બોલ્યો. તો એ ગૃહસ્થ બોલ્યો, "પપ્પા પણ મને નાનો હતો ને રમવા જતો ત્યારે મને શોધીને ઘેર લાવતા, યાત્રામાં હું ખોવાઈ ગયો તો મને શોધીને લઈ આવ્યા. એમાં શું વળી ત્રાસ?"

એણે આટલું બોલીને દાદાને વ્યવસ્થિત ગાડી પર બેસાડયા અને નીકળી ગયો.

ખૂબ બધું શીખવા જેવું હતું આ માણસ પાસેથી. આવી ન મટી શકે એવી બીમારી પોતાના વડીલને હોવા છતાં કેટલો એ શાંત હતો એ. બિલકુલ ચીડ ચીડ નહિ કે નહીં કોઈપણ જાતનો મન:સંતાપ.
વડીલોની જતી જિંદગીમાં નાના બાળક પ્રમાણે સંભાળ લેતા એ માણસ ને મનોમન સલામી આપીને હું નીકળ્યો...

સાચેજ, આપણને પણ આવી રીતે જીવતા આવડશે ખરું??

(ઇન્ટરનેટ પરથી)

Sunday, July 15, 2018

ફરિયાદ કરવાની કુટેવ

    મેં થોડા સમય અગાઉ મારા એક મિત્ર દ્વારા સંચાલિત અનાથાશ્રમની મુલાકાત લીધી. ત્યાં આશરે પચાસ અનાથ બાળકો હતાં.
       મેં તે બધાંમાં એક ખાસ બાબત નોંધી. તેઓ બધાં ખૂબ ખુશ હતાં. તેઓ જીવનને ઘણી હકારાત્મકતાથી લેતા હતાં.
     મેં ખાસ નોંધ્યું કે તેમને કોઈ ફરિયાદ નહોતી.
આવું કેવી રીતે બની શકે મને પ્રશ્ન થયો.
     મેં તેમને પૂછ્યું કે તેઓ શા માટે કોઈ પ્રકારની ફરીયાદ કરી રહ્યાં નથી. જીવને તેમની સાથે કેટલું ખરાબ કર્યું છે.
      તેમાંના એકે જવાબ આપ્યો, "સર, અમારી પાસે ફરિયાદ કરવા માટે કોઈ છે જ નહીં, અમે કોની પાસે ફરિયાદ કરીએ?આથી અમે ફરિયાદો ને ગણકારતા જ નથી અને આગળ વધતા રહીએ છીએ."
       મને એ જવાબ સાંભળી આંચકો લાગ્યો. 
       હું ફરિયાદો કર્યાં કરું છું કારણકે મારી એ ફરિયાદો સાંભળનારાઓની મારા જીવનમાં હાજરી છે. મારા જીવનમાં એવા ઉદાર લોકો છે જે મારી એ ફરિયાદો સાંભળે છે પણ એનાથી હું તો એમ સમજવા લાગ્યો છું કે ફરિયાદ કરવું જાણે મારો જન્મસિદ્ધ હક્ક છે.
       આનું પરીણામ એ આવ્યું છે કે જ્યારે જ્યારે મેં ફરિયાદ કરી છે ત્યારે ત્યારે હું સો ટકા સફળ થઈ શક્યો નથી.
       મેં તરત નિર્ણય લીધો કે હું ફરિયાદોનો ત્યાગ કરીશ, ફરિયાદ કરવાની કુટેવ છોડી દઈશ. એ વિચાર માત્ર નો ત્યાગ કરીશ કે મને ફરિયાદો કરવાનો હક્ક છે.
      જો આપણે આપણું ધ્યાન ફરિયાદો કરવાને બદલે, કરવાના કામ પર પૂરેપૂરું કેન્દ્રિત કરીએ તો ચોક્કસ એ કામમાં ધારી સફળતા મેળવી શકીશું.

(ઇન્ટરનેટ પરથી)

અદ્રશ્ય લેબલનો આદર કરીએ

   હું ડ્રાઇવ કરીને ઓફીસ જઈ રહ્યો હતો. એક મહત્વની અપોઇન્ટમેંટ હતી તેથી હું થોડો ઉતાવળમાં હતો. મારી આગળની ગાડી મારા સતત હોર્ન મારવા છતાં ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હતી અને મને આગળ જવાનો માર્ગ આપી રહી નહોતી. મારા ક્રોધનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં જ હતો, ત્યાં મારી નજર એ આગળવાળી ગાડીની પાછળ લગાડેલા એક સ્ટીકર પર ગઈ.
"શારીરિક રીતે અક્ષમ, મહેરબાની કરીને ધીરજ રાખો."
.... અને બધું બદલાઈ ગયું. હું તરત શાંત થઈ ગયો. મેં મારી ઝડપ ઘટાડી નાખી. ઉલટાનું હવે હું આગળની એ ગાડી અને ડ્રાઇવર પ્રત્યે થોડો વધુ કાળજીસભર અને સંરક્ષણાત્મક બની ગયો.
હું ઓફીસ થોડો મોડો પહોંચ્યો, પણ થયું કંઈ વાંધો નહીં.
પણ ત્યાં જ મને એક વિચાર આવ્યો કે જો કદાચ પેલું સ્ટીકર ગાડી પર લગાડેલું હોત જ નહીં તો? શું તો મારાં વર્તન અને વલણ બદલાયાં હોત?
અન્યો સાથે વ્યવહાર કરતી વખતે આપણને સ્ટીકરની જરૂર શા માટે પડે છે? શું લોકો પોતાના કપાળે લેબલ ચોંટાડી ફરે તો જ આપણે તેમના પ્રત્યે વધુ ધીરજવાન અને ઉદાર બની શકીએ? લેબલ જેવા કે મારી નોકરી છૂટી ગઈ છે, કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું, છૂટાછેડાની વેદના ભોગવી રહી છું, માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યો છું, મારા સ્વજનનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છીએ, મારી જાત પર તિરસ્કાર છૂટે છે વગેરે વગેરે.
દરેકે દરેક મનુષ્ય, આપણને જેની બિલકુલ જાણ નથી એવું એક યુદ્ધ લડી રહ્યો હોય છે. એ અંગે ઓછામાં ઓછું આપણે કંઈક કરી શકીએ એમ હોય તો એ છે તેના પ્રત્યે ધીરજ અને કરૂણા દાખવવા. અદ્રશ્ય એવા ઉપર વર્ણવેલ લેેબલોનો આદર કરીએ.

(ઇન્ટરનેટ પરથી)