Showing posts with label faith. Show all posts
Showing posts with label faith. Show all posts

Saturday, October 3, 2020

શ્રધ્ધાની કસોટી

          એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા. લગભગ ૬૦ વૃદ્ધોને સાચવે, સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને આશ્રમની આર્થિક પરિસ્થિતિ  ખબર પડવા ન દે, કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે મુનિમે આવીને કહ્યું ' આપણી સ્થિતી ભયંકર ખરાબ છે આજે સાંજે ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.'

            સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા. છતાંય આજે આ પરિસ્થિતિ.. સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં.

       આશ્રમના મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર સુધ્ધાં પણ હતો નહીં.

  "બાજી હરિને હાથ"... તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ' આજે એક થાળી વધારે રાખજો.'

મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું પણ અનાજ નથી અને એક થાળી વધારે?? !!!

     સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો  વ્હાલો ભૂખ્યા નહીં રાખે. જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી.

      એવામાં ફોનની ઘંટડી રણકી. ' સંત વૃદ્ધાશ્રમ ? હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ ૬૫ માણસની રસોઈ તૈયાર છે. તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ, સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા ૨૫૦૦૦નું અનુદાન પણ આપવા ઇચ્છુક છે.'

       સંતે મનોમન શામળિયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું. થોડી વારમાં રસોઈ આવી ગઈ. કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં.

          મુનિમને રુપિયા ૨૫૦૦૦નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો. બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ' વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને! મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી હતી ? '

       સંતે સુંદર જવાબ આપ્યો ' એ વધારાની થાળી મારા  વ્હાલા  મોરલીવાળા શામળિયાની! મેં આજે એને કહી દીધેલ કે જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળિયા, અમારી સાથે તારે પણ આજે ભૂખ્યા રહેવું પડશે અને મારા વ્હાલાએ ભાવતા ભોજન મોકલી દીધા.'

     ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે...!!!!!

(ઇન્ટરનેટ પરથી)

Saturday, April 29, 2017

શ્રદ્ધાનું બળ

એક વેપારી પોતાની ફ્લાઈટ પકડવામાં મોડો પડ્યો હતો. અતિ ઉતાવળે તે એરપોર્ટ પર પોતાનો માર્ગ કાપી બોર્ડીંગ ગેટ બંધ થાય પહેલા ત્યાં જઈ પહોંચ્યો.પસીને રેબઝેબ હાલતમાં હાંફતા હાંફતા તેણે કાઉન્ટર પર પોતાનો બોર્ડીંગ પાસ બતાવ્યો. છેવટે તે વિમાન સુધી પહોંચ્યો ત્યારે તેણે હાશ અનુભવી.
તે પોતાની બેઠક પાસે પહોંચ્યો અને તેણે જોયું કે તેની જમણી બાજુ બારી પાસેની બેઠક એક આધેડ વયની મહિલાને ફાળવાયેલી હતી જ્યારે ડાબી બાજુની બેઠક પર એક નાનકડી બાળકી બેઠી હતી. પોતાની બેગ માથા પરના ખાનામાં મૂકી તેણે વચ્ચેની પોતાની બેઠક ધારણ કરી.
ફ્લાઈટ શરૂ થયા બાદ તેણે નાનકડી બાળકી સાથે વાર્તાલાપ શરૂ કર્યો. બાળકીની ઉંમર વેપારીની નાનકડી દિકરીની ઉંમર જેટલી હતી. વિમાનમાં બેઠા બેઠા પોતાની ચિત્રકલાની ચોપડીમાં એકાદ ચિત્રમાં રંગ પૂરવામાં વ્યસ્ત હતી.
વેપારીએ તેને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા જેમકે તેની વય ( વર્ષ), તેના શોખ (કાર્ટૂન્સ અને ચિત્રકામ) અને તેના મનપસંદ પ્રાણી (ઘોડા સુંદર હોય છે પણ તેને તો બિલાડીઓ ખુબ વ્હાલી!). તેને ભારે નવાઈ લાગી રહી હતી કે આટલી નાની બાળકી વિમાનમાં એકલી પ્રવાસ ખેડી રહી હતી પણ તેને અંગે પૃચ્છા કરવાનું મુનાસીબ લાગ્યું અને તેણે મનોમન જ ફ્લાઈટ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય ત્યાં સુધી બાળકીનું ધ્યાન રાખવા નક્કી કર્યું.
એકાદ કલાક બાદ અચાનક વિમાને તોફાની વાતાવરણ નો સામનો કરવો પડ્યો અને વિમાન જાણે ધ્રુજવા માંડ્યુ. પાઈલોટે માઈક પર પ્રવાસીઓને સીટબેલ્ટ બાંધી લેવા અને પોતાની સીટ જાળવી રાખવા અનુરોધ કર્યો અને બહારની વિષમ પરિસ્થિતીથી તેમને માહિતગાર કર્યા.
પછી અડધા કલાક સુધી વિમાન સતત ધ્રુજારીઓ અનુભવતું રહ્યું, ઘડીક ઉંચુ તો ઘડીક નીચુ ઉડતું રહ્યું. કેટલાક પ્રવાસીઓ ડરના માર્યા રડવા માંડ્યા તો કેટલાક પ્રભુ સ્મરણમાં લીન થઈ ગયા.વેપારીની જમણી બાજુએ બેઠેલી સ્ત્રી પણ મોટે થી પ્રાર્થના ગાવા માંડી. વેપારી પોતે પણ ઘણો ગભરાઈ ગયો અને પસીનો પસીનો થઈ ગયો અને તેણે પોતાની સીટના હાથ રાખવાના સ્ટેન્ડ સખત ભીંસીને પકડી રાખ્યા.
પણ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન નાનકડી છોકરી શાંતિથી બેસી રહી હતી. તેના કલરીંગ બુક અને ક્રેયોન કલર્સ તેણે શાંતિથી સામે સીટ પોકેટમાં ગોઠવી દીધા હતા અને તે પોતાના બંને હાથ આર્મ રેસ્ટ પર રાખી શાંતિથી પોતાની બેઠક પર બેસી હતી. તેના ચહેરા પર ભય કે ચિંતાનું નામોનિશાન નહોતું.
છેવટે થોડી વારમાં તોફાન શમી ગયું. પાઈલોટે પ્રવાસીઓની અગવડભરી યાત્રા માટે માફી માગી અને જાહેર કર્યું કે તેઓ હવે ટૂંક સમયમાં જમીન પર સુરક્ષિત ઉતરાણ કરશે. વિમાને ધીમે ધીમે ઉતરાણ શરૂ કર્યું દરમ્યાન વેપારીએ નાનકડી છોકરી ને કહ્યું ," તુ આટલી નાની છોકરી છે પણ સાચુ કહુ છુ મેં તારા કરતા બહાદુર વ્યક્તિ આજ પર્યંત મારા જીવન માં જોઈ નથી.અમે બધા વયસ્કો આટલા બધા ગભરાઈ ગયા હતા ત્યારે તું આટલી શાંત કેવી રીતે રહી શકી?"
તેની આંખોમાં સીધા જોતા બાળકીએ કહ્યું," વિમાનના પાઈલોટ મારા પિતા છે અને મને મારા ઘરે લઈ જઈ રહ્યા છે."
જો આપણે શ્રદ્ધાના બળને પારખી શકીશું તો આપણે ચમત્કારો માટે રાહ નહિ જોવી પડે. જો તમારા માતાપિતા તમારી સાથે હોય તો તમારે ચમત્કારો ની જરૂર નહિ પડે.


('ઈન્ટરનેટ પરથી')