Showing posts with label Mother. Show all posts
Showing posts with label Mother. Show all posts

Sunday, May 21, 2017

મધર્સ ડે સ્પેશિયલ - માતા એટલે માતા

યુવાન માતાએ પોતાના ડગ જીવનપથ પર માંડયા.તેણીએ વટેમાર્ગુને પૂછ્યું"શું રસ્તો લાંબો છે?" વટેમાર્ગુએ જવાબ આપ્યો:"હા.અને અતિ કપરો પણ.તું એના અંત સુધી પહોંચીશ ત્યાં સુધી તો તુ ઘરડી પણ થઈ ગઈ હોઇશ.પણ અંત શરુઆત કરતા ચોક્ક્સ સારો હશે."પણ યુવાન માતાએ તો ખુશ હતી.તે માનતી હતી કે યાત્રા દરમ્યાનનાં વર્ષો તો તેણીના જીવનના અતિ યાદગાર સુખદ વર્ષો હશે.તેણી તો પોતના બાળકો સાથે હોંશભેર રમતી,માર્ગમાં આવતા ફૂલો બાળકો માટે ચૂંટતી,ઝરણાંના ખળખળ વહેતા પાણીમાં બાળકોને નવડાવતી આગળ ધપતી ચાલી.સુર્યપ્રકાશમાં કુદરતને ખોળે તેના બાળકો રમતા રમતા મોટા થવા લાગ્યા.તેણી ખુશીથી ક્યારેક રોઇ પડતી અને લવતી:"આથી સુખદ બીજુ શું હોઇ શકે?"
                પછી રાત્રિ આવી અને સાથે વંટોળ આવ્યું.માર્ગમાં અંધારુ છવાઈ ગયું.બાળકો ઠંડી અને ડરથી થરથરવા લાગ્યા.માતાએ તેમને પોતાની પાસે ખેંચ્યા અને તેમને ધાબળો ઓઢાડી રક્ષણ પૂરું પાડ્યું અને બાળકો બોલી ઉઠયા,"માતા,હવે અમને કોઈ ડર નથી. તુ અમારી પાસે છે તેથી હવે કોઈ અમારું કંઈ બગાડી શકે એમ નથી."
અને પછી સવાર પડી.આગળ એક ટેકરી હતી.છોકરાઓએ ચડવાની શરુઆત કરી.માતા પણ તેમની સાથે ટેકરી ચડવા માંડી.છોકરાઓ થાકી ગયા.માતા પણ થાકી ગઈ.પણ તેણીએ સતત પોતાના સંતાનોને સલાહ આપ્યા કરી,"થોડી ધીરજ ધરજો મારા વ્હાલાઓ...અને આપણે ટોચ પર પહોંચી ગયા છીએ."અંતે તેઓ ટોચ પર પહોંચી ગયા અને ખુશખુશાલ થઈ માતાને કહેવા લાગ્યા,"મા, જો તુ અમારી સાથે હોત તો અમે ક્યારેય અહિં પહોંચી શક્યા હોત."અને રાત્રે જ્યારે માતા તારાઓથી ભરેલા આકાશ નીચે પોઢી હતી ત્યારે વિચારી રહી,"આજ નો દિવસ કાલ કરતા સારો રહ્યો,જ્યારે મારા બાળકો મુશ્કેલી ભર્યા સમયમાં હિંમત રાખવાના અને સહનશીલતાના પાઠ ભણ્યા.ગઈ કાલે મે તેમને હિંમત આપી હતી, આજે મેં તેમને તાકાત આપી છે."
અને બીજા દિવસે ક્યાંકથી કાળાડિબાંગ વાદળા ધસી આવ્યા.પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો.યુદ્ધ,નફરત અને શેતાનિયતના વાદળ હતા .બાળકો ગભરાઈ ગયા અને એકમેકને વળગી પડ્યા.માતાએ તેમને કહ્યું:"ડરો નહિ,વાદળા પાછળ રહેલી તેજની ધાર પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો."બાળકોએ ધ્યાનથી જોયું અને તેમની નજરે અનંત ઝળહળતી રોશની પર પડી!તેઓ બિલકુલ નિર્ભય બની ગયા.તેમને અંધકાર ચીરતી જ્યોતિનું માર્ગદર્શન મળી ગયું હતું ને! રાત્રે માતાની ખુશીની કોઈ સીમા હતી,તેણે બાળકોને ભગવાનના દર્શન કરાવ્યા હતા!
અને દિવસો વિતતા રહ્યાં.મહિનાઓ અને વર્ષોના વહાણા વાયા અને માતા ઘરડી થઈ ગઈ.તેનું શરીર જીર્ણ થઈ ગયું અને તે કમરેથી વાંકી વળી ગઈ.પણ તેના બાળકો યુવાન,સશક્ત બની ગયા હતા અને ટટ્ટાર તેમજ હિંમત અને આત્મવિશ્વાસપૂર્વક ચાલતા હતા.જ્યારે રસ્તો ખરાબ હોય ત્યારે તેઓ માતાને ઊંચકી લેતા કારણ આમેય તેનુ વજનતો પીંછા જેટલું હતું!
અંતે તેઓ શિખરે પહોંચ્યા અને ત્યાં તેમણે પ્રકાશથી ઝગારા મારતો રસ્તો જોયો.ત્યાં સુવર્ણના મોટા દ્વાર ખુલેલા હતા.માતાએ કહ્યું,"અહિં મારી યાત્રાનો અંત આવે છે.અને હું જાણું છું કે અંત શરુઆત કરતા ઘણો સારો છે કારણ મારા સંતાનો હવે ટટ્ટાર અને આત્મવિશ્વાસપૂર્વક ચાલી શકે છે અને તેમના સંતાનોને પણ યોગ્ય માર્ગે દોરવા સક્ષમ બની ગયા છે."

સંતાનો બોલ્યા,"મા, તુ તો અમારી સાથે રહેશે, સુવર્ણ દ્વારમાંથી અંદર ચાલી ગયા બાદ પણ."અને તેઓ તેણીને એકલી અંદર ચાલી જતી જોઈ રહ્યાં...તેણીના અંદર ચાલી ગયા બાદ દ્વાર બંધ થઈ ગયા.સંતાનો બોલ્યા,"અમે તેને જોઈ શક્તા નથી પણ હજી તેની હાજરી અમારી સાથે અનુભવી રહ્યા છીએ.અમારી માતા જેવી મા એક સુખદ સ્મરણથી ચોકકસ કંઈક વિશેષ છે.તેણી હજી જીવંત છે અને સદાયે રહેશે..."
તમારી માતા હંમેશા તમારી સાથે હોય છે.તમે જ્યારે રસ્તા પર ચાલી રહ્યા હોવ ત્યારે બાજુએથી આવતાં ઝાડના પાંદડાઓના સળવળાટમાં તેણી રહેલી હોય છે,તમારા ધોયેલા સ્વચ્છ વસ્ત્રોની સુગંધમાં તેણી રહેલી હોય છે.જ્યારે તમે માંદા હોવ ત્યારે તમારા કપાળ પર પ્રેમ અને કાળજીપૂર્વક ફરી રહેલા હાથમાં તેણી રહેલી હોય છે.તમારા હાસ્યમાં અને તમારાં આંસુના એકે એક ટીપામાં તેણી રહેલી હોય છે.તમારું અસ્તિત્વ તેને આભારી છે.તેણી તમારું પ્રથમ ઘર છે અને તેણી નકશો છે જે તમે સતત અનુસરો છો.તેણી તમારો પ્રથમ પ્રેમ છે અને પૃથ્વીપર ની કોઈ તાકાત તેણીના પ્રેમમાં ઓટ લાવી શકવા સમર્થ નથી...સમય પણ નહિં,સ્થળ પણ નહિં અને મ્રુત્યુ...
તમારી માતાને અને તેણીના પ્રેમને ક્યારેય અવગણશો નહિં...


('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 31, 2015

એક માતાના આઠ જૂઠ


વાર્તાની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે હું નાનો હતો.મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો.ઘણી વાર અમે કંઈ ખાવા પામતા નહિ.જ્યારે થોડા ઘણા ભાત મળતા ત્યારે માતા તેના હિસ્સાના ભાત મારા ભાણામાં મૂકી દેતી અને કહેતી "મને જરાય ભૂખ નથી..બેટા તુ ખાઈ લે..." તેનું પ્રથમ જૂઠ હતું.

જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મારી માતા તેને મળતી થોડી નવરાશની પળો અમારા ઘર નજીક આવેલી એક નદીમાંથી માછલી પકડવામાં ગાળવા લાગી,એવી આશાએ કે તે દ્વારા મને મારા ઝડપી અને સારા શારીરિક વિકાસ માટે માટે વધુ સારો પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકશે. ઘણી વાર તે એકાદ-બે માછલી પકડી અને એનો સૂપ બનાવતી. જ્યારે હું ખાતો ત્યારે આખો વખત મારી બાજુમાં બેસતી અને પછી મારા ખાઈ લીધા બાદ માછલીના હાડકા પર જે કંઈ વધ્યુ-ઘટ્યુ ચોંટેલું બચ્યું હોય તે ખાઈ લેતી. જ્યારે મેં જાણ્યું ત્યારે મારું હ્રદય દ્રવી ઉઠ્યું. પછી એક વાર મેં અડધી માછલી તેને ખાવા આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું તેને માછલી જરાયે ભાવતી નથી. મારી માતાએ બોલેલું બીજું જૂઠ હતું.

મારા ભણતરના ખર્ચને પહોંચી વળવા તેણે એક માચીસના કારખાનામાં જઈ ત્યાંથી માચીસના ખાલી ખોખા ઘેર લઈ આવી તેમાં દિવાસળી ભરવાનું કામ શરૂ કર્યું. આમ કરી તેણે પૈસા કમાવા શરૂ કર્યું. એક શિયાળાની રાતે મીણબત્તીનાં ઝાંખા પ્રકાશમાં મેં તેને માચીસના ખોખામાં દિવાસળી ભરતાં જોઈ અને પૂછ્યું કે તે થાકી ગઈ નથી. મેં તેને ખુબ મોડી રાત થઈ ગઈ હોવાથી સૂઈ જવા કહ્યું અને સૂચન કર્યું કે તેણે બાકીનું કામ સવારે ઉઠીને પતાવવું જોઇએ. તેણે કહ્યું તેને થાક લાગ્યો નથી. તેનું ત્રીજું જૂઠ હતું.

જ્યારે મારે વાર્ષિક પરીક્ષામાં બેસવાનું હતું ત્યારે મા મારી સાથે પરીક્ષાકેન્દ્ર આવી હતી. બપોરના ભર તડકામાં મારી પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધી મારી રાહ જોતી ઉભી રહી.પરીક્ષા પૂરી થયે હું દોડી બહાર આવ્યો અને તેને ભેટી પડ્યો.તેણે મને થર્મોસમાં ભરી રાખેલી ગરમ ચા પીવડાવી. કદાચ મારી માના સ્નેહ જેટલી કડક નહોતી પણ મારી માને પસીને તરબતર થયેલી જોઈ મેં તેને ચાનો પ્યાલો ધર્યો અને તેને ચા પીવા કહ્યું. તે ચોક્કસ તરસી હોવા છતાં તેણે જવાબ આપ્યો કે તેને તરસ લાગી નથી અને તેને ચા પીવાની ઇચ્છા નથી. તેનું ચોથું જૂઠ હતું.

મારા પિતાના અવસાન બાદ મારી માતાએ માબાપની બેવડી ભૂમિકા ભજવી. તેણે પોતાની જૂની નોકરી તો ચાલુ રાખી.તેણે હવે અમારી જરૂરિયાતો પૂરી કરવા વધારે કમાવાની ફરજ પડી.અમારા પરીવારનું  જીવન અતિ વિકટ બની ગયું અને એક તબક્કે અમને ખાવાના પણ સાંસાં પડવા લાગ્યાં.

અમારી નબળી આર્થિક સ્થિતી જોઈ મારા ઘર નજીક રહેતા અમારા એક કાકાએ અમને અમારા નાનામોટા પ્રશ્નો ઉકેલવા મદદ કરવા માંડી.અમારા પાડોશીઓ પણ અમને વચ્ચે વચ્ચે મદદ કરતાં અને તેઓ મારી માને સલાહ આપતા કે તેની ઉંમર હજી નાની હતી અને તેને પ્રેમની તેમજ સહારાની જરૂરત છે અને તેણે બીજા લગ્ન કરી  લેવા જોઇએ.પણ મારી માએ મક્કમતા પૂર્વક જવાબ આપ્યો કે તેને પ્રેમની જરૂર નથી. તેનું પાંચમું જૂઠ હતું.

મારો અભ્યાસ પૂરો થયા બાદ નોકરી અર્થે મારે બીજે  શહેર  જવાનું થયું.હવે તેનો નિવૃત્ત થવાનો વારો હતો પણ તેણે તો રોજ સવારે વહેલી ઉઠી બજારમાં શાકભાજી વેચવા જવાનું ચાલુ રાખ્યું.હું તેને થોડઘણાં પૈસા મોકલી આપતો ત્યારે તે એવા જવાબ સાથે પાછા મોકલી આપતી કે તેને એની જરૂર નથી. તેનું છઠ્ઠુ જૂઠ હતું.

મેં અનુસ્નાતકની પદવી માટેનો અભ્યાસ મારી નોકરી સાથે ચાલુ રાખ્યો.ભણવાનો બધો ખર્ચ હું જેને માટે કામ કરતો હતો અમેરિકન કંપનીએ ઉપાડ્યો.અભ્યાસમાં સફળતા સાથે મારો પગાર પણ ખુબ સારો વધ્યો.હું અમેરિકા રહેવા ગયો અને માને પણ ખુબ સુખસાહેબી ભરી જિંદગી આપવા મેં તેને મારી સાથે લઈ જવા નિર્ણય કર્યો પણ દિકરા પર બોજ બનવા તેણે કહ્યું તે આવા ઉચ્ચ  જીવનથી ટેવાયેલી નથી અને તેથી તેને અમેરિકા નહિ ફાવે. તેનું સાતમું જૂઠ હતું.

વ્રુદ્ધાવસ્થામાં મા કેન્સરનો ભોગ બની અને તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.ઓપરેશન બાદ પથારીવશ માને મળવા હું દરીયા પારથી આવી પહોંચ્યો પણ તેની દુર્બળ અને કૃશ:કાય હાલત જોઈ હું ખુબ ખુબ દુ:ખી થઈ ગયો.આવી પરિસ્થિતીમાં પણ તેણે મુખ પર સ્મિત લાવી કહ્યું કે તેને પીડા થઈ રહી નથી. તેનું આઠમું જૂઠ હતું. આઠમું અને અંતિમ કારણ પછી એક પણ વધુ જૂઠ બોલવા તે હયાત રહી નહિ. મારી મા દેવદૂત હતી.

મા ને અંગ્રેજીમાં મધર(Mother) કહે છે. તેના એક એક અક્ષરનો અર્થ પ્રમાણે થાય છે -

"M" મને મિલિયન એટલે કે લાખો વસ્તુઓ આપનાર

"O" અર્થાત મને સુખો અને સગવડો આપતા આપતા તે સદાયે Old એટલે કે વૃદ્ધ થતી જાય છે

"T" તેણે મારા માટે સારેલા ટીઅર્સ એટલે કે અશ્રુઓ

"H" તેના સોનાથી બનેલા Heart એટલે કે હૈયા માટે

"E" તેની પ્રેમ અને મમતા નિતરતી Eyes એટલે કે આંખો માટે

"R" એટલે Right, સાચી જે તે હંમેશા હતી

 મારી માતા મારૂં સમગ્ર વિશ્વ હતી...


('ઈન્ટરનેટ પરથી')