Sunday, September 17, 2017

ચાની સમસ્યાએ જીવન બદલ્યું

બાળપણમાં ચા વેચતાં વેચતાં નરેેન્દ્ર મોદી વડા પ્રધાન બની ગયા એ તો દેશનો દરેકેદરેક નાગરિક જાણતો જ હશે. આજે વાંચો એક નાના શહેરમાં ચાની ડિલિવરી કરીને સફળ થયેલા યુવાન વિશે. રઘુવીર ચૌધરી એનું નામ. જયપુરમાં રહેતા એક ગરીબ કુટુંબમાં એનો જન્મ. નબળી આર્થિક સ્થિતિને કારણે માંડ માંડ શાળાકીય શિક્ષણ પૂરૂ કર્યું. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ત્રેવડ નહીં એટલે એક કંપનીમાં ડિલિવરી બૉય તરીકે નોકરીએ લાગ્યો. ત્યાં તેને દર મહિને રૂપિયા ૯૦૦૦ મળી રહેતા. આખો દિવસ સાઇકલ પર ફરીને ઑર્ડર મુજબની વસ્તુઓની ડિલિવરી કરવાની. સાઇકલ પર ફરી ફરીને થાકી જાય એટલે ચાા પીવાની સહેજે ઇચ્છા થાય, પરંતુ ચા પીવા માટે સારું ઠેકાણું ગોતતાં નાકે દમ આવી જાય. તેને લાગ્યું કે તેના જેવા તો ઘણા હતા જે ચાની શોધમાં ભટકતા હોય. મુંબઇ જેવા મહાનગરોમાં હજી ઠીક છે થોડા થોડા અંતરે સારી ચા પીવા મળી જાય પણ જયપુર જેવા શહેરમાં આ એક મોટી સમસ્યા હતી. રઘુવીરને અહીંથી જ ચાની ડિલિવરી કરવાનો વિચાર આવ્યો અને આ એક જ વિચારે તેનું નસીબ બદલી નાખ્યું.
ડિલિવરીબૉય હોવાને કારણે તેના જનસંપર્ક તો હતા જ. લગભગ ૧૦૦ જેટલા નાના મોટા દુકાનદારો સાથે વાતચીત કરીને તેણે બીજા ત્રણ મિત્રો સાથે મળી આ કામકાજના શ્રી ગણેશાય નમ: કર્યા. તેની સારી સર્વિસથી પ્રભાવિત થઇને વધુને વધુ લોકો તેને ઓર્ડર આપવા લાગ્યાં. રઘુવીરે એક મોટર સાઇકલ ખરીદીને આ કામની શરૂઆત કરી હતી. આજે તેની પાસે ચાર મોટર સાઇકલ સહિત પાંચ જણનો સ્ટાફ છે. રોજના ૫૦૦થી ૭૦૦ ગ્રાહકોને બારણે ઉત્તમ સર્વિસ પૂરી પાડે છે. ચાની કિંમત પણ સહુને પોસાય એવી છે. માત્ર પાંચ રૂપિયા. 

જયપુરમાં આવા કુલ ચાર ચા વિતરણ કેન્દ્રો ઊભા કર્યાં છે. જેમાંથી તે મહિને લાખ રૂપિયા કમાઇ લે છે.

આજના ઝડપી જેટ યુગમાં લોકોને ઉત્તમ સર્વિસ સાથે ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ,સમયસર ઘેરબેઠાં આપો તો ઓછું ભણેલી વ્યક્તિ પણ લખપતિ થઇ શકે છે તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે.


(ઈન્ટરનેટ પરથી)

Monday, September 11, 2017

રશિયામાં કોઈ શિક્ષકની ભૂલ કાઢતું નથી

જ્યારે ૧૯૯૧માં સોવિયેત સંઘ પડી ભાંગ્યુ ત્યારે હું કમ્યુનિકૅશન્સ ટ્રેડ યુનિયન સાથે કામ કરતો હતો. એ સમયે ત્યાં ઘણાં પ્રગતિશીલ રાષ્ટ્રો ની ટુકડીઓ આવી ને ત્યાંના નાગરિકોને આર્થિક બજારો કઈ રીતે કામ કરે છે અને સામૂહિક ખરીદી માટે વાટાઘાટો કઈ રીતે કરાય છે તેના પાઠ શીખવતી હતી. હું પણ તેમાંની એક ટુકડી માં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. 
હું જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ ને શીખવતો હોઉં ત્યારે મારી પ્રેઝન્ટેશન ની સ્લાઈડ્‌સ સામાન્ય રહેતી પણ તેના પર જે દેશમાં ભણાવી રહ્યો હોઉં ત્યાંની સ્થાનિક ભાષામાં સ્લાઈડ્‌સ પર લખાણ રાખેલું હોય જેથી ત્યાંના વિદ્યાર્થીઓ કન્ટેન્ટ બરાબર સમજી શકે. આથી આ વેળા એ ઓવર હેડ સ્લાઈડસ પર નું લખાણ રશિયન ભાષા માં હતું અને હું અંગ્રેજી માં જ બોલી રહ્યો હતો પણ મારી સાથે ઇન્ટરપ્રીટર (દુભાષિયો જે ભાષાંતર કરે) હતો. 
મને સિરિલિક લિપિ આવડતી નથી (જેમાં રશિયન ભાષા લખાય છે) કે નથી મને રશિયન ભાષાનું જ્ઞાન એટલે સ્લાઈડસ પર ઝાઝું ધ્યાન આપ્યા વગર હું ક્રમાનુસાર આગળ શીખવ્યે જતો હતો. પણ એક ચોક્કસ સ્લાઈડ પર પહોંચ્યો ત્યારે તેના પર ની આંકડાકીય માહિતી પર થી મને ખ્યાલ આવી ગયો કે છેલ્લી દસેક મિનિટ થી હું ખોટી સ્લાઈડ પર બોલી રહ્યો હતો. જો મારી સામે બ્રિટિશ વિદ્યાર્થીઓ હોત તો તેમણે તરત મારી આ ક્ષતિ પર મારું ધ્યાન દોર્યું હોત. પણ રશિયાન વિદ્યાર્થીઓમાંના એકે ય વિદ્યાર્થીએ ચૂં કે ચા ન કરી. 
હું નવાઈ પામ્યો અને મેં તેમને પૂછ્યું કે કોઈ એ શા માટે મારું ધ્યાન ન દોર્યું કે હું ખોટી સ્લાઈડ પર બોલી રહ્યો હતો. ઘણા સમયની શાંતિ બાદ એક બહાદુર વિદ્યાર્થી એ જવાબ આપવાની હિંમત કરી જેનું ઇન્ટરપ્રીટરે મારાં માટે ભાષાંતર કર્યું કે "અમારા દેશમાં કોઈ શિક્ષકની ભૂલ કાઢતું નથી." 

લેખક : રોજર ડાર્લિંગ્ટન 


(ઈન્ટરનેટ પરથી)

Saturday, September 2, 2017

૧૦ પ્રકારની શુદ્ધિ

માનવજીવનમાં ૧૦ પ્રકારની શુદ્ધિ મહત્વની છે :

૧ શરીર પાણી અને વ્યાયામથી શુદ્ધ થાય છે.
૨ શ્વાસ પ્રાણાયામથી શુદ્ધ થાય છે.
૩ મન ધ્યાનથી શુદ્ધ થાય છે.
૪ બુદ્ધિ જ્ઞાન દ્વારા શુદ્ધ થાય છે.
૫ સ્મૃતિ મનન અને ચિંતન દ્વારા શુદ્ધ થાય છે.
૬ અહમ (ઇગો) સેવા દ્વારા શુદ્ધ થાય છે.
૭ સ્વ (આત્મા) મૌન દ્વારા શુદ્ધ થાય છે.
૮ ખોરાક, રાંધતી અને ખાતી વેળાએ હકારાત્મક વિચારોથી શુદ્ધ થાય છે.
૯ સંપત્તિ દાનથી શુદ્ધ થાય છે.
૧૦ લાગણીઓ પ્રેમથી શુદ્ધ થાય છે.

સર્વત્ર સારપ ફેલાવો અને આનંદિત જીવન જીવો!


('ઈન્ટરનેટ પરથી')